વડોદરા : શહેરની સરકારી સયાજી હોસ્પિટલમાં ફિઝિયોથેરાપીમાં ઈન્ટર્નશિપ કરતી ૨૩ વર્ષીય તબીબ વિદ્યાર્થિનીને ગોત્રી હોસ્પિટલમાં કોવિડ સેન્ટરમાં ફરજ દરમિયાન કોરોના સંક્રમિત બનતાં તેણીને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં દાખલ થયા બાદ સારવાર દરમિયાન ગઈકાલે રાત્રે મોત નીપજ્યું હતુ. આ બનાવને પગલે ફિઝિયોથેરાપી તબીબોમાં ઘેરાશોકની લાગણી વ્યાપી ગઈ હતી. તેણીના પરિવારને પૂરેપૂરો ન્યાય મળે અને સરકાર તરફથી કોવિડની ગાઈડલાઈન મુજબ મળવાપાત્ર લાભો મળે એ માટે ફિઝિયોથેરાપી વિભાગના તબીબ વિદ્યાર્થીઓ હોસ્પિટલના સુપ્રિ.ને રજૂઆત કરવા પહોંચ્યા હતા. જાે કે, સુપ્રિ. મિટિંગમાં વ્યસ્ત હોવાથી આ તબીબ વિદ્યાર્થીઓએ સુપ્રિ.ની ઓફિસ બહાર અડ્ડો જમાવી ધરણાં પર ભરતાપમાં બેસી ગયા હતા. જાે કે, મિટિંગ પૂરી થયા બાદ સુપ્રિ. અને ઓએસડી ડો. વિનોદ રાવ વિદ્યાર્થીઓને મળ્યા હતા અને તબીબ વિદ્યાર્થીઓએ ઈન્શ્યોરન્સ મળવા માટેની કાર્યવાહી કરવાની કોવિડમાં ફરજ બજાવતા ફિઝિયોથેરાપીના તબીબ વિદ્યાર્થીઓને ઈન્સેટિવ અને અન્ય તબીબોને મળતા સ્ટાઈપેન્ડ અંગેની રજૂઆત કરી હતી. જાે કે, ઓએસડી રાવ અને સુપ્રિ.એ મળવાપાત્ર લાભો અંગેની ઉચ્ચસ્તરીય ભલામણ કરવાની બાંહેધરી આપતાં મામલો થાળે પડયો હતો.

આ બનાવી પ્રાપ્ત વિગત અનુસાર મૂળ છોટાઉદેપુર જિલ્લાના અંતરિયાળ પાણીબાર ગામે રહેતી વિદ્યાર્થિની અને હાલ શહેરના સોમા તળાવ વિસ્તારમાં રહીને નિયોટેક કોલેજમાં ચાર વર્ષનો ફિઝિયોથેરાપીનો અભ્યાસ કર્યા બાદ સયાજી હોસ્પિટલમાં ફિઝિયોથેરાપી વિભાગમાં ઈન્ટર્નશિપ કરતી હતી. હાલ શહેર-જિલ્લામાં કોરોનાની મહામારીને લઈને ઈન્ટર્નશિપ કરતા તબીબ વિદ્યાર્થીઓની સેવાઓ લેવામાં આવી રહી છે જેના ભાગરૂપે ફિઝિયોથેરાપીમાં ઈન્ટર્નશિપ કરતા તબીબોની સેવાઓ લેવામાં આવી રહી છે જેમાં ૨૩ વર્ષીય નેહલ કનુભાઈ રાઠવાનો પણ સમાવેશ થયો હતો. નેહલ રાઠવાની તબિયત સારી ન હોવા છતાં ગોત્રી હોસ્પિટલના કોવિડ કેર સેન્ટરમાં તેણીને ફરજ સોંપવામાં આવી હતી. ફરજ દરમિયાન વિદ્યાર્થિની નેહલ રાઠવા કોરોના સંક્રમિત બની હતી. જેથી તેણીને સયાજી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવી હતી. સારવાર દરમિયાન ગઈકાલે રાત્રે સાડા દસ વાગ્યાની આસપાસ તેણીનું મૃત્યુ થયું હતું. આ બનાવની જાણ હોસ્પિટલના સત્તાધીશોને કરવામાં આવતાં સત્તાધીશોએ દુર્લક્ષ સેવ્યું હતું. જેથી ફિઝિયોથેરાપી તબીબ વિદ્યાર્થીઓમાં ભારે રોષની લાગણી વ્યાપી ગઈ હતી. આ બનાવની જાણ નેહલ રાઠવાના પરિવારજનોને કરવામાં આવતાં તેઓ છોટાઉદેપુરથી વડોદરા આવવા રવાના થયા હતા.

માહિતગાર સૂત્રો મુજબ આ તબીબ વિદ્યાર્થિની નેહલ રાઠવાને જુવેનાઈલ ડાયાબિટીસ હોવાનું જાણવા છતાં સત્તાધીશોએ તેણીને કોવિડ કેર સેન્ટરમાં ફરજ સોંપવામાં આવી હોવાનું જાણવા મળ્યું હતું. આ બનાવને પગલે રોષે ભરાયેલા તબીબ વિદ્યાર્થીઓ હોસ્પિટલના સુપ્રિ. ડો. રંજન ઐયરને રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા, જ્યાં ડો. ઐયર મિટિંગમાં વ્યસ્ત હોવાથી તેઓ ન મળતાં વિદ્યાર્થીઓએ ઓફિસ બહાર હંગામો મચાવી ભરતાપમાં ધરણાં ઉપર બેસી ગયા હતા અને રોષ વ્યક્ત કર્યો હતો. તદ્‌ઉપરાંત નેહલ રાઠવાની તબિયત સારી ન હોવા છતાં તેણીને ડયૂટી કરાવવામાં મજબૂર કરનાર જવાબદાર સત્તાધીશો સામે ગંભીર આક્ષેપો પરિવારજનો અને તબીબ વિદ્યાર્થીઓએ કર્યા હતા. જાે કે, કોરોનાની સરકારી ગાઈડલાઈન મુજબ મળવાપાત્ર આર્થિક લાભો અંગેની બાંહેધરી હોસ્પિટલના સત્તાધીશોએ આપતાં મામલો થાળે પડયો હતો.

બોકસ ઃ ---------------

‘’

પેરામેડિકલ સ્ટાફનો રોષ ભભૂકશે તો ગંભીર સ્થિતિનું નિર્માણ થશે

વડોદરા. કોરોનાની મહામારીમાં હોસ્પિટલના વિભાગીય વડાઓની જાેહુકમી અને જબરદસ્તીથી કોરોનાની ફરજ સોંપવામાં મજબૂર કરવામાં આવશે તો મેડિકલ અને પેરામેડિકલ સ્ટાફ કર્મચારીઓમાં રોષ ભભૂકી ઊઠવાની અને હડતાળ પર જવાની શક્યતાને નકારી શકાય તેમ નથી. એટલું જ નહીં, તબીબો અને પેરામેડિકલ સ્ટાફ જાે તેમની મેડિકલ સેવાઓથી અલિપ્ત રહેતો કોરોનાકાળમાં દર્દીઓની હાલમાં જે સ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે તેના કરતાં વધુ દર્દીઓની હાલત અત્યંત ગંભીર સ્થિતિ સાથે સેવાકીય માળખું પડી ભાંગે તેવી સ્થિતિ સર્જાઈ શકે છે.