વડોદરા : રવિવારે વડોદરામાં પાંચ ઈંચ વરસાદ અને ઉપરવાસમાં વરસાદથી આજવા સરોવરની સપાટી ગત રાત્રે વધીને ૨૧૨.૯૫ ફૂટ થતાં રાત્રે ૧૧ વાગે ખોલવામાં આવેલા ૬૨ દરવાજા સવારે ૧૦ વાગે બંધ કરાયા હતા. પરંતુ સવારે ૬ વાગે વિશ્વામિત્રીની સપાટી ૨૦.૫૦ ફૂટ નોંધાઈ હતી, તેમાં ધીમી ગતિએ વધારા સાથે રાત્રે ૮ વાગે ૨૪.૫૦ ફૂટ થતાં નીચાણવાાળ કેટલાક વિસ્તારોમાં નદીના પાણી પ્રવેશતાં ૩૦૦થી વધુ લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. આમ ફરી એકવાર વિશ્વામિત્રી નદીમાં પૂરની સ્થિતિ સર્જાઈ હતી. જાે કે, વરસાદે વિરામ પાળતાં તંત્રે રાહત અનુભવી હતી. 

વડોદરા શહેરમાં રવિવારે દિવસ દરમિયાન ધોધમાર પાંચ ઈંચ વરસાદ થયો હતો, જ્યારે ઉપરવાસમાંથી પાણીની ભારે આવક થતાં આજવાની સપાટીમાં પણ સતત વધારો થઈને ૨૧૨.૫૦ ફૂટ થઈ હતી. પરંતુ તંત્રે એકસાથે પાણી નહીં છોડવાનો નિર્ણય લીધો હતો અને પ્રતાપપુરા, જાેડિયા, ઉજેટી અને વેસ્ટ વિયરના વિશ્વામિત્રી તરફના દરવાજા ખોલીને ૧૫,૨૨૪ કયુસેક પાણી છોડવામાં આવ્યું હતું. ત્યાર બાદ રાત્રે ૧૧ વાગે આજવાની સપાટી ૨૧૨.૯૫ થતાં અને ઉપરવાસથી પાણીની આવક જારી રહેતાં ૬૨ દરવાજા ખોલી લેવલ ૨૧૨.૫૦ ફૂટ કરવાનો નિર્ણય લીધો હતો.

સવારે ૧૦.૨૦ કલાકે આજવાની સપાટી ૨૧૨.૪૦ ફૂટ થતાં લગભગ ૧૧ કલાક બાદ આજવાના ૬૨ દરવાજા ફરી બંધ કરવામાં આવ્યા હતા. પરંતુ વિશ્વામિત્રી નદીમાં ધીમી ગતિએ વધારો જારી રહેતાં સવારે વિશ્વામિત્રીની સપાટી ૨૧.૫૦ ફૂટે કેટલોક સમય સ્થિર રહ્યા બાદ તેમાં વધારો શરૂ થયો હતો અને મોડી સાંજે ૨૩.૭૫ ફૂટે પહોંચતાં સયાજીગંજ જલારામનગર સહિત નીચાણવાળા કેટલાક વિસ્તારોમાં નદીનાં પાણી પ્રવેશતાં તકેદારીના ભાગરૂપે સયાજીગંજ, કારેલીબાગમાંથી ૩૦૦થી વધુ લોકોને સુરક્ષિત સ્થળે પ્રાથમિક શાળામાં સ્થળાંતર કરવામાં આવ્યા હતા. રાત્રે ૮ વાગે નદીની સપાટી ૨૪.૫૦ ફૂટે થતાં ફરી એકવાર પૂરની સ્થિતિ સર્જાઈ હતી. આમ ચાલુ વરસાદની મોસમમાં સતત બીજી વાર વિશ્વામિત્રી નદીમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે.

પાલિકાતંત્રના સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ વિશ્વામિત્રીના પાણી પ્રવેશતાં સયાજીગંજ સુભાષનગરમાંથી ૪૭ પરિવારોના રપ૦ લોકોને મગનભાઈ સ્કૂલમાં, કારેલીબાગ જલારામનગરમાંથી૧૦ પરિવારના ૩૦ લોકોને સરદાર પટેલ પ્રાથમિક શાળામાં તેમજ ઊંડેરા તળાવ ઓવરફલો થતાં ચાર પરિવારના ૩૦ લોકોને ઊંડેરાની પ્રાથમિક શાળામાં સ્થળાંતર કરવામાં આવ્યા હતા. જ્યારે રાત્રે ૮ વાગે નીચાણવાળા વિસ્તારોમાં ચેતવણી સાથે અલકાપુરી ગરનાળામાં નદીનાં પાણી ભરાવાની શરૂઆત થઈ હતી.