અરવલ્લી,તા.૪ 

મેઘરજ તાલુકાના ઇપલોડા ગામે દૂધ ઉત્પાદક મંડળીમાં વર્ષ-૨૦૧૮ થી ગેરવહીવટ ચાલતો હોવાની બૂમો ઉઠી છે.દૂધમંડળીમાં ચાલતા ગેરવહીવટ અંગે થોડા મહિના અગાઉ જિલ્લા રજીસ્ટ્રારમાં રજુઆત કરનાર શખ્સ પર ડેરીના સેક્રટરી અને તેના પરિવારે હિચકારો હુમલો કરતાં અને તેના બચાવવા જતા અન્ય શખ્શને પણ માર માર્યો હતો. જીવલેણ હુમલાના પગલે ઈજાગ્રસ્ત બંને લોકોને સારવાર અર્થે દવાખાને ખસેડાયા હતા. હુમલાની ઘટનાના પગલે મેઘરજ પોલીસ ઘટનાસ્થળે પહોંચી સ્થિતિ થાળે પાડી કાર્યવાહી હાથ ધરી હતી.  ઇપલોડા ગામના મનહરભાઈ પટેલ ગામની દૂધ મંડળીમાં કામકાજ અર્થે ગયા હતા. દૂધ મંડળીમાં ગ્રાહકો પાસેથી પગાર બિલમાં અને નફા વહેંચણીના બાંહેધરી પત્રકમાં સહી લેવાની કામગીરી ચાલી રહી હતી. જે અંગે સેક્રેટરી આકાશ પટેલને ફક્ત પગાર બિલમાં સહી લેવાનું કહી દૂધ મંડળીની બહાર બેઠા હતા.અગાઉ પણ દૂધમંડળીમાં ગેરવહીવટ ચાલતો હોવા અંગે જિલ્લા રજિસ્ટ્રારમાં રજુઆત કરેલી હોવાથી તેની અદાવત રાખી  મનહરભાઈ પટેલ પર સેક્રેટરી આકાશ પટેલ અને તેના પરિવારજનોએ હિચકારો હુમલો કરી માર મારતાં નજીકમાં રહેલા મુકેશભાઈ વાળંદ બચાવવા જતા તેમને પણ માર મારવામાં આવતાં બંનેને ગંભીર ઈજાઓ પહોંચતા લોકો દોડી આવી બંને ઇજાગ્રસ્તોને સારવાર અર્થે દવાખાને ખસેડ્યા હતા. પોલીસે મનહરભાઈ પટેલની ફરિયાદના આધારે કાંતિભાઈ પટેલ , આકાશ પટેલ , જીગ્નેશ પટેલ, દિપીકાબેન પટેલ , જ્યોતિકાબેન પટેલ વિરુદ્ધ ગુનો નોંધ્યો છે.