શ્રીનગર-

જમ્મુ કશ્મીરના શોપિયાંમાં આજે મંગળવારે સવારે સિક્યોરિટી દળો સાથેની અથડામણમાં બે આતંકવાદી ઠાર થયા હતા. તેમની પાસેથી એ કે ૪૭ અને પિસ્તોલ સિક્યોરિટીએ કબજે કર્યા હતા.સિક્યોરિટી દળના પ્રવક્તાએ જણાવ્યું હતું કે શોપિયાંના મલહોરા વિસ્તારમાં આતંકવાદીઓ છૂપાયા હોવાની મળેલી બાતમી પરથી અમે મલહોરા પહોંચ્યા હતા અને તપાસ શરૂ કરી હતી.

આતંકવાદી છૂપાયા હતા એ વિસ્તારમાં સિક્યોરિટીદળો પહોંચતાંજ પેલા લોકોએ ગોળીબાર શરૂ કરી દીધા હતા. સિક્યોરિટીએ વળતો ગોળીબાર શરૂ કરવો પડ્યો હતો. સામસામા ગોળીબાર ચાલુ હતા ત્યારે આતંકવાદીઓએ આ વિસ્તારમાંથી સરકી જવાના પ્રયાસો શરૂ કર્યા હતા. સિક્યોરિટીદળોએ આ બંનેને ચારે બાજુથી ઘેરી લીધા હતા અને ગોળીબાર ચાલુ રાખ્યા હતા. આખરે બંને ઠાર થયા હતા અને સિક્યોરિટીએ તેમની પાસેથી એ કે 47 અને પિસ્તોલ કબજે કર્યા હતા. દરમિયાન, સોમવારે કશ્મીરના દક્ષિણ તરફના વિસ્તાર અનંતનાગમાં આતંકવાદીઓ એક પોલીસ ઇન્સ્પેક્ટરને ગોળી મારી દીધી હતી.  

આ ઇન્સ્પેક્ટર મુહમ્મદ અશરફ ભટ ચાંદપોરા કનેલવાં વિસ્તારના રહેવાસી હતા. તેમને ઘર પાસે જ ગોળી મારવામાં આવી હતી. ભટને તરત હૉસ્પિટલમાં લઇ જવાયા હતા. સારવાર દરમિયાન તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. અનંતનાગના ડીપીએલ વિસ્તારમાં ઇન્સ્પેક્ટર જનરલ ઑફ પોલીસ વિજયકુમાર અને અન્ય પોલીસ અધિકારીઓએ શહીદ ઇન્સ્પેક્ટરને પુષ્પચક્ર અર્પણ કર્યા હતા.