રાજકોટ-

ભારતના ચાર મુખ્યતિર્થોમાના દ્વારકા યાત્રાધામની સુરક્ષા અને સલામતિ અર્થ મુખ્યમંત્રી અને ગૃહ રાજયમંત્રિએ અનેકવિધ સમીક્ષા બાદ મંદિર માટે અલગ સુરક્ષા દળ ઉભું કરવાની મંજૂરી પર મહોર મારી છે. જેથી હવે મંદિરની સુરક્ષા માટે અધતન પ્રકારની વ્યવસ્થા નકકી થશે. આ સાથે જ દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ વડા સુનિલ જોશીએ મંદિર સુરક્ષાની વિશેષ જવાબદારી ડીવાયએસપી સમીર સારડાને સોંપી છે.

ભારતના પશ્ર્ચિમ છેવાડે સુમદ્રના કિનારે વસેલા હજારો વર્ષોની પૌરાણિક દ્વારકા નગરી પર અવાર નવાર પાકિસ્તાનનો ખતરો રહે છે. જેને લઇને રાજય અને કેન્દ્ર સરકારની અનેક સુરક્ષા એજન્સીઓ કાયમ સતર્ક રહે છે. અને સુરક્ષાના ખાનગી રીપોર્ટ કરતી હોય છે ત્યારે આ અહેવાલને ઘ્યાને લઇને રાજય સરકારે દ્વારકાધીશ મંદિરની સુરક્ષાના મુદે વિચારો સાથે નવું મહેકમ પોલીસ વિભાગનું મંજૂર કર્યું છે. 

ઉપરોકત, હુકમના આધારે હાલમાં દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ વડા સુનીલ જોષીએ મંદિર સુરક્ષાના ઈન્ચાર્જ તરીકે ડીવાયએસપી સમીર સારડાને હવાલો સોંપવામાં આવ્યો છે. જયારે નવા મહેકમ મુજબ દ્વારકાના પીઆઇ ગઢવી તથા પીએસઆઇ તરીકે રોહણીયા તથા દ્વારકાના પીએઅસઆઇ ગજેન્દ્રસિંહ ઝાલાને ચાર્જ સોંપવામાં આવ્યો છે. પોલીસ વર્તુળોના જણાવ્યા પ્રમાણે નવા મહેકમ સાથે નવી વ્યવસ્થા મુજબ ખાસ કરીને મંદિરની પરંપરા તથા દર્શનાર્થીઓના દર્શનની વ્યવસ્થાને ઘ્યાનમાં રાખીને મંદિર પરિસરની સુરક્ષા સલામતિનું નવું માળખું જિલ્લા પોલીસ વડા જોષી દ્વારા ટુંક સમયમાં ગોઠવાશે.