વડોદરા, તા.૧૨ 

સમગ્ર રાજ્યમાં ચકચાર મચાવનારા ફતેગંજ પોલીસ મથકમાં ચોરીના શંકાસ્પદ આરોપી બાબુ શેખને પીઆઈ સહિતના પોલીસ જવાનએ માર મારી તેનું સાપરાધ મોત નિપજાવવાના બનાવમાં આજે નવો ચોંકાવનારો ખુલાસો થયો હતો. બાબુ શેખના મોત બાદ તેની લાશને સગવગે કરવા માટે ખુદ એક હેડ કોન્સ્ટેબલની જ કારમાં લઈ જવાયો હોવાનું સપાટી પર આવતા પોલીસે આજે પોલીસ જવાનની કારને ફતેગંજ પોલીસે જપ્ત કરી હતી.

ફતેગંજ પોલીસ મથકમાં ચોરીના બનાવમાં પુછપરછ માટે લવાયેલા મુળ તેલંગાનાના વતની અને હાલમાં અમદાવાદમાં રહેતા અને વડોદરામાં સાયકલ પર કપડાની ફેરી મારતા ૬૫ વર્ષીય બાબુ શેખ નિસાર શેખની ફતેગંજ પોલીસે બરહેમાઈપુર્વક માર માર્યો હતો જેના કારણે તેમનું લોહીલુહાણ હાલતમાં મોત નિપજ્યું હતું. જાેકે શંકાસ્પદ આરોપીનું સાપરાધ મોત નીપજાવ્યા બાદ લાશને સગેવગે કરી તેમજ બાબુ શેખને પોલીસ મથકમાંથી રવાના કરી દીધા છે તેવી પોલીસ ચોપડે ખોટી નોંધ કરવાનો ફતેગંજ પોલીસ મથકના તત્કાલીની પીઆઈ ડી બી ગોહીલ તેમજ પીએસઆઈ ડી એમ રબારી સહિત છ પોલીસ જવાનો સામે ગુનો નોંધાયો છે જે તમામ આરોપીઓ હાલમાં ફરાર છે. દરમિયાન આ ગુનામાં લાશને સગેવગે કરવા માટે આરોપીઓએ ખોટુ બોલીને હાલમાં પોલીસ હેડ ક્વાર્ટરમાં ફરજ બજાવતા હેકો મહેશભાઈ રમેશભાઈની કાર લઈ ગયા હોવાની તપાસ અધિકારી એસીપી બકુલ ચૈાધરીને વિગતો મળી હતી. પોલીસે ગુપ્તરાહે તપાસ કરતા આખરે હેકો મહેશભાઈએ જણાવ્યું હતું કે આરોપીઓ મારી મારુતી સ્વીફ્ટ કાર નંબર જીજે-૦૬-પીબી-૪૦૬૪ લાશને સગેવગે કરવા માટે લઈ ગયા હતા જેથી પોલીસે આજે તેમની સ્વીફ્ટ કાર ગુનાના કામે જપ્ત કરી હતી. પોલીસે આ કારનું એફએસએલ મારફત તપાસ કરાવી હતી જેનો રિપોર્ટ ટુંક સમયમાં અપાશે તેમ સુત્રોએ જણાવ્યું છે. 

બે પોલીસ જવાનો સહિત ત્રણના ૧૬૪ મુજબ નિવેદનો મેળવાયા

આ સમગ્ર બનાવમાં પોલીસને અત્યંત મહત્વની માહિતી પુરી પાડનાર ત્રણ સાક્ષીઓ મળી આવ્યા હતા. આ ત્રણ પૈકીના બે સાક્ષીઓ પોલીસ જવાનો છે જયારે એક સાક્ષી બનાવના સમયે નશાબંધીના ગુનામાં પોલીસ મથકના લોકઅપમાં હતો તેવી વિગતો સાંપડી છે. આ ત્રણેય આરોપીઓના નિવેદનો ગુનામાં અત્યંત મહત્વના છે અને તેઓ આ કેસની કોર્ટમાં ટ્રાયલ દરમિયાન હોસ્ટાઈલ જાહેર થાય તો કેસની તપાસ પર અસર પડે તેમ હોઈ પોલીસે આજે આ ત્રણેય સાક્ષીઓના મેજીસ્ટ્રેટ રૂબરુ ૧૬૪ મુજબ નિવેદન નોંધ્યું હતું. આ નિવેદન આપનાર બે પોલીસ જવાનો એન અને વી સ્પેલીંગથી શરૂ થતા નામના હોવાની વિગતો સાંપડી છે.

બે કારનો ઉપયોગ થયાની આશંકા

લાશને સગેવગે કરવા માટે પોલીસે મારુતી સ્વીફ્ટ કાર કબજે કરી છે પરંતુ આ કારમાં બાબુ શેખની લાશ સહિત વધુ પોલીસ જવાનો બેસીને જઈ શકે તેમ ન હોઈ અને જાે લાશને જાે બાળી નાખવામાં આવી હશે તો તેની માટે લાકડા અને અન્ય જ્વલનશીલ પ્રવાહી પણ લઈ જવાયું હશે અને તેની માટે બીજી કારનો પણ ઉપયોગ થયો હોવાનું મનાતું હોઈ પોલીસે બીજી કારની પણ તપાસ શરૂ કરી છે.