વડોદરા- 

મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના ફેકલ્ટી ઓફ એન્જિનિયરીંગ એન્ડ ટેક્નોલોજીના સિવિલ અન મિકેનિકલ એન્જિનિયરીંગના ૨ વિદ્યાર્થીઓની ભાભા એટોમિક રિસર્ચ સેન્ટર, ડિપાર્ટમેન્ટ ઓફ એટોમિક એન્જિનિયરિંગ, ખાતે એ ગ્રુપ સાયન્ટિસ્ટ તરીકે પસંદગી કરવામાં આવી છે. આ વિદ્યાર્થીઓએ ગેટની પરીક્ષા માટે ટોપ રેન્ક મેળવ્યા બાદ આ નેશનલ રીસર્ચ ઇન્સટીટ્યુટમાં પ્રવેશ મેળવવાના ઇન્ટવ્ર્યુ આપવા માટે સક્ષમ ગણાયા હતા અને ત્યારબાદ તેમનુ સિલેક્શન થયું હતું. સિવિલ એન્જિનિયરીંગ વિભાગમાં પસંદગી પામેલ સાગર પટેલે જણાવ્યું હતું કે, એમએસયુમાંથી ૨૦૧૮માં એન્જિનિયરીંગની ડિગ્રી મેળવ્યા બાદ કોમ્પિટીટીવ પરિક્ષાની તૈયારી કરતો હતો. મને રીસર્ચમાં આગળ વધવામાં રસ હતો તેથી ૨ વર્ષ મહેનત કરીને પરીક્ષા આપી.

ગેટની પરિક્ષામાં ઓલ ઇન્ડિયામાં ૩૧મો રેન્ક મેળવ્યા બાદ બીએઆરસી માટે ઇન્ટરવ્યુ આપ્યું. ભારતમાંથી ફક્ત ૭ સિવિલ એન્જિનિયર્સની પસંદગી કરવામાં આવી છે અને ગુજરાતમાંથી મારી પસંદગી થઇ છે. મિકેનિકલ વિભાગમાં પસંદગી પામેલ મનહર કાતરીયાએ જણાવ્યું હતું કે, એમએસયુમાંથી મિકેનિકલ એન્જિનિયરીંગ ૨૦૧૯માં પાસ કર્યા બાદ કોમ્પિટીટીવ પરીક્ષા માટે તૈયારી કરતો હતો. ભારતમાંથી કુલ ૪૮ વિદ્યાર્થીઓની પસંદગી થઇ છે. મારી પસંદગી બીએઆરસી, હૈદરાબાદ ખાતે થઇ છે. ૧૨ જાન્યુઆરીથી અમારી ટ્રનિંગ શરૂ થશે. ભારતના અટલા મોટા રીસર્ચ ઇન્સ્ટિટ્યુટમાં પસંદગી થવા બદલ હું મારા માતા-પિતાના સોપોર્ટને તેનો શ્રૈય આપુ છું.