સુરત-

જલ્દી જ પૂર્ણ થઈ રહેલી રાજ્ય સરકારની આર્ત્મનિભર યોજના ૧ અને ૨ હેઠળ રૂ.૧ લાખ અને ૨.૫૦ લાખની લોન આપવામાં ગુજરાતના ૩૩ શહેર અને જિલ્લા પૈકી સુરત નંબર-૧ પર રહ્ય્šં છે. મે માસથી શરૂ થયેલી આ યોજનામાં અત્યાર સુધી સુરતમાં ૪૨,૮૩૨ અરજીઓ પૈકી રૂ.૫૧૦.૪૭ કરોડની લોન મંજૂર કરવામાં આવી છે, તે પૈકી ૩૯,૧૨૮ અરજીઓને રૂ.૪૪૪.૮૨ કરોડની રકમ ફાળવણી કરવામાં આવી છે. રાજ્ય સરકાર દ્વારા લોકડાઉન દરમિયાન ગૃહઉદ્યોગો અને નાના નોકરિયાત વર્ગ માટે આર્ત્મનિભર લોન યોજના જાહેર કરી હતી. જે પૈકી યોજના એક હેઠળ રૂ.૧ લાખની જ્યારે યોજના ૨ હેઠળ રૂ.૨.૫૦ લાખની લોન ૮ ટકા વ્યાજે જાહેર કરાય હતી.

તે પૈકી યોજના ૧માં ૬ ટકા જ્યારે યોજના ૨માં ૪ ટકા રાજ્ય સરકારની વ્યાજ સબસિડી આપવામાં આવી રહી છે. ઉપરાંત પ્રથમ ૬ માસ મોરેટોરિયમનો લાભ પણ આપવામાં આવે છે. શહેરની ૧૭ કો.ઓપરેટીવ સેક્ટરની બેંકો, ૧ ડિસ્ટ્રીક્ટ બેંક અને ૫૦ ક્રેડિટ કો.ઓપરેટીવ સોસાયટીઓ મળીને કુલ ૪૪૪ કરોડથી વધુની લોનનું ડિસ્બર્સમેન્ટ(ચૂકવણી) કરી દેવામાં આવી છે. આ અંગે જિલ્લા રજિસ્ટ્રાર(કો.ઓપરેટીવ) વિપુલ મહેતા જણાવે છે કે, રાજ્યમાં આર્ત્મનિભર લોન આપવામાં ૩૩ શહેરો અને જિલ્લામાં સુરત નંબર-૧ પર છે. નાના વેપારીઓ અને કારીગરો કોરોના બાદ ઝડપથી પગભર થાય તેવા હેતુ સાથે સરકારની યોજના હતી,

જેને સુરત શહેર અને જિલ્લામાં સારો પ્રતિસાદ મળ્યો છે. સુરત જિલ્લા રજિસ્ટ્રાર પાસેથી મળતી માહિતી પ્રમાણે, સુરત ૫૧૦ કરોડથી વધુની રકમની લોન અરજીઓની મંજૂરી સાથે નં.૧ પર છે, જ્યારે અમદાવાદમાં અત્યાર સુધી ૪૯૭.૪૦ કરોડ, ત્રીજા નંબરે રાજકોટ રૂ.૩૭૪.૨૭ કરોડની લોન અરજીઓને મંજૂરી કરવામાં આવી છે, જ્યારે ચોથા નંબર પર મહેસાણાનો સમાવેશ થાય છે. સૌથી ઓછી અરજીઓવાળા શહેરો અને જીલ્લાઓમાં તાપી, નર્મદા, છોટા ઉદેપુર, દેવભૂમિ દ્વારકા અને ડાંગનો સમાવેશ થાય છે.