બાલાસિનોર, તા.૨૦ 

બાલાસિનોર નગરપાલિકાના વર્તમાન બોર્ડના અઢી વર્ષની મુદત પૂર્ણ થતાં બીજા અઢી વર્ષના પ્રમુખ અને ઉપપ્રમુખ પદ પર કોને બેસાડવા તે માટે ભારતીય જનતા પાર્ટી દ્વારા બાલાસિનોર નગરપાલિકામાં ચૂંટાયેલાં ભાજપના ૧૪ સદસ્યોનું મંતવ્ય જાણવામાં આવ્યું હતું. સદસ્યોના સેન્સ લેવાં જિલ્લા નિરીક્ષકની ટીમ બાલાસિનોર ભારતીય જનતા પાર્ટી કાર્યાલય ખાતે બેઠક યોજી હતી, જેમાં બાલાસિનોર નગરના પ્રભારી ભગવતસિંહ પુવાર, બાલાસિનોર શહેર ભાજપ પ્રમુખ તેજસભાઇ શાહ, મહામંત્રી હિતેશભાઈ પટેલ અને જય કુમાર ત્રિવેદી હાજર રહ્યાં હતાં. નિરીક્ષકોની હાજરીમાં નગરપાલિકામાં ચૂંટાયેલાં ભાજપના સદસ્યોને પ્રમુખ અને ઉપપ્રમુખ પદ માટે પૂછતાં તમામ સદસ્યોએ એક સૂર સાથે એવું કહ્યું હતું કે, મોવડી મંડળ દ્વારા જે પણ ઉમેદવારને નક્કી કરવામાં આવશે તેને સ્વીકારી વધાવી લેવાશે.

બીજી ટર્મ માટે પ્રમુખ પદની એસસી અનામત સીટ હોવાથી નગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીમાંથી ૩ રદસ્ય એસસી છે, જેમાંથી જે પણ ઉમેદવાર નક્કી કરવામાં આવશે તેને સ્વીકારવામાં આવશે તેવું જણાવાયું હતું.