શેરબજાર પર નિયમિત નજર રાખનારા લોકોને ખબર છે કે, કોરોનાકાળ પહેલા ભારતીય શેરબજારનો સેન્સેક્સ 42,000ની સપાટી પર હતો અને એક સમયે માર્ચ માસ પછી તેમાં તોતિંગ 25,000 સુધીનો કડાકો બોલી ગયો હતો. હવે, થોડા જ મહિનામાં તે 50,000ની પેલેપાર પહોંચી ગયો. રોકાણકારો અને આમ આદમીએ તેના પરથી ધડો લેવા જેવો છે.

2020માં એક કરોડ નવા રોકાણકારો


નિષ્ણાતો માને છે કે, શેરબજાર હવે પહેલા જેવું રહ્યું નથી કે, 500 કે 1000 પોઈન્ટનો કડાકો બોલી જાય કે, શહેરી રોકાણકાર નિરાશ થઈને દૂર ભાગી જાય. હવે રોકાણકારો બજારની સ્થિતીને પારખતા થયા છે અને શેરબજારની રૂખ ડાઈનિંગ ટેબલ પરની ચર્ચાનો વિષય બની ગયો છે. 20 વર્ષથી ઓછી ઉંમરના લોકો શેરબજારમાં રસ લેતા થયા છે અને સમજતા થયા છે. કહેવાય છે કે, વર્ષ 2020માં એક કરોડ નવા રોકાણકારો બજારમાં આવ્યા છે. હવે સામાન્ય પગારદાર લોકો પણ માર્કેટમાં પૈસા રોકતા થયા છે. આજે 15,000 રૂપિયા કમાનારા લોકો પણ શેરબજારમાં નાણા રોકવા લાગ્યા છે. ગત 21 થી 28મી જાન્યુઆરી સુધીમાં સેન્સેક્સમાં 3000 અંકનું ગાબડું પડ્યું છે. વિદેશી રોકાણકારો નાણાં ખેંચી રહ્યા છે. 22મીએ એક દિવસમાં 600 કરોડ રૂપિયા વેચવાલીને પગલે ધોવાયા હતા અને સેન્સેક્સ 746 પોઈન્ટ તૂટી ગયો હતો. 

સેન્સેક્સ 10 વર્ષમાં નથી ઉછળ્યો એટલો 10 માસમાં ઉછળ્યો


2010થી શેરબજારમાં વધારો જોવાઈ રહ્યો છે. 2010માં સેન્સેક્સ 20,509 પર હતો જે, 2020માં 42,273 પર પહોંચી ગયો હતો. આમ તેને ડબલ થવામાં લગભગ 10 વર્ષ લાગી ગયા પણ પછી માર્ચ માસમાં તે 25,000ની આસપાસ સુધી તૂટી ગયા બાદ હવે 50,000ને પાર ગયો તેમાં તેને 10 મહિના પણ નથી લાગ્યા. કોરોના મહામારી અને લોકડાઉન દરમિયાન સ્થાનિક રોકાણકારોએ પોતાના પૈસા પાછા ખેંચવા શરૂ કર્યા હતા. એ જ સમયે વિદેશોમાં નજીવા દરે લોન મળવા લાગતાં અને એ જ સમયે ડોલરની કિંમત તૂટી જતાં રોકાણકારો એશિયાઈ બજારો તરફ દોડ્યા હતા. વિદેશી સેન્ટ્રલ બેંકો પણ પોતાના રોકાણની સલામતી માટે ભારત જેવા વિકસતા બજારો તરફ આવી હતી. પરીણામે 10 મહિનામાં છેલ્લા 10 વર્ષથી વધારે ઉછાળા સાથે બીએસઈ સેન્સેક્સ જાન્યુઆરીમાં 50,183 પર પહોંચી ગયો હતો. કોરોના અને લોકડાઉન છતાં ભારતીય શેરબજારોમાં ફોરેઈન પોર્ટફોલિયો ઈન્વેસ્ટર્સ દ્વારા નાણાં રોકાયાને પગલે આવો ઉછાળો જોવાયો હતો. 

ભારતમાં રોકાણ પાછળ ત્રણ ખાસ કારણો


પહેલું કારણ દુનિયાભરના અર્થતંત્રો દ્વારા પ્રોત્સાહક પેકેજ આપવામાં આવ્યા હતા, એ રહ્યું. અંદાજે 8 ટ્રીલિયન ડોલર્સ જેટલા નાણાં આ પ્રોત્સાહનરૂપે આપવામાં આવ્યા હતા. એક રીપોર્ટ પ્રમાણે ભારતની નીતિ અને મોટી કંપનીઓ તેમજ સારા સ્ટોક્સને પગલે ભારતમાં રોકાણ વધ્યું છે.

બીજું કારણ રીઝર્વબેંક દ્વારા વ્યાજદરમાં કપાત રહ્યું હતું. રીઝર્વબેંકની વ્યાજદર અંગેની સમિતિ એમપીસીએ વ્યાજદરને 75 બેઝ પોઈન્ટથી ઘટાડ્યો હતો. તેને પગલે લિક્વીડિટી વધી હતી અને અર્થતંત્રમાં નાણાંનો પ્રવાહ ઠલવાયો હતો. હાલનો રેપોરેટ 4 ટકા છે જે 2019ની સરખામણીએ 250 પોઈન્ટ ઓછો છે. 

ત્રીજું કારણ ગણાવતાં નિષ્ણાતો કહે છે કે, ભારતીય રોકાણકાર હવે પરીપક્વ થયો છે. તેઓ એકસાથે બજારમાંથી પૈસા હટાવી નથી લેતા પણ એક સેક્ટરમાંથી બીજા સેક્ટરમાં પૈસા રોકે છે અને તેને પગલે જ ક્યારેક ફાર્મા સેક્ટર વધે છે તો ક્યારેક બેંકીંગ સેક્ટર તો ક્યારેક આઈટી સેક્ટર.

ઉછાળાથી રોકાણકારોની ચિંતા વધી છે

શેરબજારમાં હાલમાં ઉછાળાને પગલે રોકાણકારો ચિંતામાં છે. કેટલાંક નિષ્ણાતો ત્યાં સુધી માને છે કે, બજારમાં 10 થી 15 ટકા જેટલું કરેક્શન આવી શકે છે. તેમનું કહેવું છે કે, છેલ્લા 10 મહિનાઓમાં શેરબજારમાં ઉછાળાની સાથે સાથે ઝીંક, કોપર અને સ્ટીલ જેવી ધાતુઓની કિંમતમાં પણ વધારો થયો છે, જેને પગલે મોંઘવારી ગમે ત્યારે વધી શકે છે. મોંઘવારીની બજાર પર સીધી અસર થાય છે. સ્ટોક્સ ઝડપથી તૂટે છે. જો કે, ભારતીય બજારો વિશે નિષ્ણાતોનો જૂદો મત છે અને તે એ કે ઝડપથી વિકાસ પામતું અર્થતંત્ર, કોરોના રસીકરણ અને કંપનીઓના વધી રહેલા નફાને પગલે શેરબજારમાં તેજી જળવાઈ રહે એટલું જ નહીં પણ 2025 સુધીમાં સેન્સેક્સ 1,00,000ને પાર થઈ જાય એમ પણ મનાય છે.