મહુધા : કઠલાલથી લાડવેલ તરફના માર્ગ ઉપર ઇન્ડિયન ઓઇલનો સીએનજી પંપ આવેલો છે. જ્યાં ૧૦-૨૦ રૂપિયા આપી લાઇનમાં ઊભાં રહ્યાં વગર ગેસ ભરી આપવામાં આવે છે. આ પંપના કર્મચારીઓની લુચ્ચાઈ અને બેખોફ બની જાહેરમાં પૈસા લેવાની નીતિ ચર્ચાનું કેન્દ્ર બની છે. અહીં આવતાં આસપાસના કાયમી ગ્રાહકોમાં એવી ફરિયાદ ઊઠી છે કે, પંપના કર્મચારીઓ ૧૦ કે ૨૦ રૂપિયા વધારે લઈ કેટલાંક ગ્રાહકોને લાઇન વગર જ ગેસ ભરી આપે છે. જેનાં કારણે અન્ય ગ્રાહકોને વધુ સમય સુધી ગેસ ભરાવા માટે રાહ જાેવી પડે છે. પરિણામે લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. પંપના કર્મચારીનો દાવો છે કે, શેઠે કહ્યું છે, પોલીસ - સરકારી ગાડીને ગેસ પહેલાં ભરી આપવો. 

એક તરફ જ્યાં સીએનજી પંપ ખૂબ ઓછા પ્રમાણમાં છે ત્યાં બીજી તરફ ગેસથી ચાલતાં વાહનોની સંખ્યા વધારે છે. તેમાંય વળી સરકારે રિક્ષા ચાલકો માટે સીએનજી રિક્ષા ફરજિયાત કરી છે ત્યારે રોજિંદો ચાલતો રિક્ષાનો ધંધો કરવા રિક્ષા ચાલકો મોટા પ્રમાણમાં ગેસ ભરાવા માટે આવતા હોય છે. તેમની ભીડ અને સાથે અન્ય ફોર વ્હીલ ગાડીઓ પણ ગેસ ભરાવા આવતી હોવાથી પંપ પર ભીડ દરરોજ રહે છે. તેવામાં આ પ્રકારે નાની રકમ માટે અન્ય ગ્રાહકોને મુશ્કેલીમાં મૂકતા આ પંપના કર્મચારીઓને કાયદો બતાવવામાં આવે તેવી લોકમાગ પ્રબળ બની છે.

પંપના કર્મચારીનો લુલો બચાવ

આ અંગે પંપના કર્મચારીને પૂછતાં તેણે લુલો બચાવ કરતાં જણાવ્યું હતું કે, અમારાં શેઠ લાલાભાઈ અમને કહ્યું છે કે, પોલીસ કે અન્ય સરકારી ગાડી આવે તો તેમને ગેસ પહેલાં ભરી આપવો.