ગાંધીનગર, દુબઈ ખાતે વર્લ્‌ડ એક્સપો મેગા ઇવેન્ટ માટે ગુજરાત સરકારના સાત આઇએએસ અધિકારીઓ દુબઈ પ્રવાસે રવાના થશે.આ માટે ભારત સરકારના આર્થિક બાબતોના પ્રભાગ ગુજરાત સરકારના નક્કી કરેલા અધિકારીઓને દુબઇ પ્રવાસ માટે મંજૂરી આપી દીધી છે. મળતી વિગતો મુજબ દુબઈ ખાતે આયોજિત એક્સપોમાં ગુજરાત સરકારના સાત અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે.જેઓ ગુજરાત સરકાર તરફથી પ્રતિનિધિત્વ કરશે. દુબઈ ખાતે આયોજિત વર્લ્‌ડએક્સપોમાં આ અધિકારીઓ ઇન્ડિયા પેવેલિયનમાં ૧ થી ૧૪ ઓક્ટોબર દરમિયાન વિવિધ સેમિનારો અને એક્ઝિબિશન સાથે ઉદ્યોગકારોને મળી બિઝનેસ મીટિંગો દ્વારા ગુજરાતમાં મૂડીરોકાણ વધે તે માટેના પ્રયત્નો કરશે.બીજી તરફ મેઘા ઇવેન્ટની આગોતરી તૈયારી કરવા માટે પ્રવાસન વિભાગના અગ્ર સચિવ એસ.જે.હૈદરની સાથે ટુરીઝમ સેક્રેટરી હારીત શુક્લા અને ઇન્ડેક્સ-બીના એમ.ડી. નિલમ રાની આ મહિનાના અંતે દુબઈ રવાના થશે. યોજના સંપૂર્ણ ઇવેન્ટની તૈયારી કરી રાખશે અને ત્યારબાદ અન્ય આઇએએસ અધિકારીઓ જેમકે ઉદ્યોગ ખાણ ખનીજ વિભાગના અધિક મુખ્ય સચિવ ડો. રાજીવ કુમાર ગુપ્તા, ઊર્જા પેટ્રોકેમિકલ્સ વિભાગના અગ્ર સચિવ મમતા વર્મા, ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ ના ચેરમેન સંજીવ કુમાર, ઉદ્યોગ કમિશનર રાહુલ ગુપ્તા દુબઇ પ્રવાસ માટે રવાના થશે.આ માટે ભારત સરકારના સંલગ્ન વિભાગે વિધિવત મંજૂરી આપી દીધી છે. કોરોના બાદ ગુજરાત સરકારના આ સાત આઇએએસ અધિકારીઓ સૌ પ્રથમ વિદેશ પ્રવાસ કરી રહ્યા છે. જેઓ દુબઈમાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કરી રાજ્યમાં મૂડીરોકાણ વધે તે દિશામાં પ્રયત્ન કરશે. જાેકે આ અગાઉ આઈએએસ અધિકારીઓની સાથે પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દુબઈ ખાતે આયોજીત વર્લ્‌ડ એક્સપોમાં ઉપસ્થિત રહેવાના હતા. પરંતુ રાજકીય ઊથલપાથલના કારણે વિજયભાઈ રૂપાણી પ્રવાસે જઈ શક્યા નથી.