બાંગ્લાદેશ-

બાંગ્લાદેશની રાજધાની ઢાકામાં રવિવારે મોડી રાત્રે થયેલા બ્લાસ્ટમાં સાત લોકો માર્યા ગયા હતા, જ્યારે 70 થી વધુ લોકો ઘાયલ થયા હતા. અધિકારીઓએ હાલમાં આ બ્લાસ્ટ પાછળનું કારણ ગેસ સિલિન્ડર બ્લાસ્ટ હોવાનું માન્યું છે. ઢાકાના પોલીસ કમિશનર શફીકુલ ઇસ્લામે મીડિયા સાથે વાતચીત કરતાં જણાવ્યું કે, અત્યાર સુધી અમને ખબર પડી છે કે આ બ્લાસ્ટમાં સાત લોકોનાં મોત નીપજ્યાં છે. મોગબજાર વિસ્તારમાં થયેલા વિસ્ફોટમાં સાત બિલ્ડિંગો અને ત્રણ પેસેન્જર બસોને નુકસાન થયું છે.

ફાયર બ્રિગેડના ચીફ બ્રિગેડિયર જનરલ સજ્જાદ હુસેને જણાવ્યું હતું કે, પ્રાથમિક પુરાવા સૂચવે છે કે વિસ્ફોટ ગેસ સિલિન્ડરના કારણે થયો હતો. પરંતુ, હજી સુધી તેની પાછળનું સાચું કારણ સામે આવ્યું નથી. હુસેને કહ્યું કે, નજીકની બિલ્ડિંગના ગ્રાઉન્ડ ફ્લોર પરની એક રેસ્ટોરન્ટમાં ગેસ સિલિન્ડરો હતા અને ઉપરના ફ્લોર પર એક શોરૂમમાં એર કન્ડીશનર હતા. જ્યારે ઘટના સ્થળની નજીક માર્ગ નિર્માણનું કામ ચાલી રહ્યું હતું. ત્યાં ગેસ સિલિન્ડર પણ હાજર હતા. હાલમાં આ કડીઓ અંગે તપાસ શરૂ કરવામાં આવી છે. ટૂંક સમયમાં આ મામલે તમામ માહિતી બહાર આવશે.

બ્લાસ્ટનો અવાજ સાંભળીને લોકો ચોંકી ગયા

અહેવાલો અનુસાર આ વિસ્ફોટમાં મોટી સંખ્યામાં લોકો ઘાયલ થયા છે. ઘાયલોમાં મોટાભાગના બસ મુસાફરો અને ત્યાંથી પસાર થનારા મુસાફરોનો સમાવેશ થાય છે. અકસ્માતમાં ઘાયલ થયેલા લોકોની સારવાર ત્રણ હોસ્પિટલમાં કરવામાં આવી રહી છે. ડૉક્ટરો કહે છે કે આમાંના મોટાભાગના લોકોને બર્નિંગની ગંભીર ઇજાઓ પહોંચી છે. આ પડોશમાં રહેતા લોકો કહે છે કે વિસ્ફોટથી શહેરનો આ ભાગ હચમચી ઉઠ્યો હતો. લોકોમાં ભયનો માહોલ હતો. વિસ્ફોટ પછી તૂટેલા થાંભલા, કાંકરેટ અને કાચનાં ટુકડા સ્થળ પર વેરવિખેર જોઇ શકાય છે.

વિસ્ફોટનો ભોગ બનેલા 50 વર્ષિય તાજુલ ઇસ્લામે જણાવ્યું હતું કે, બ્લાસ્ટ દરમિયાન હું બસમાં હતો. હું બારીમાંથી કૂદી પડ્યો. શરૂઆતમાં મેં વિચાર્યું કે બસમાં હાજર ગેસ સિલિન્ડરમાં કોઈ વિસ્ફોટ થયો છે. મેં મારા જીવનમાં ક્યારેય આટલો મોટો વિસ્ફોટ જોયો નથી. તાજુલે કહ્યું કે બ્લાસ્ટને કારણે તેની પીઠમાં ઈજા થઈ છે અને તેને સાંભળવામાં પણ મુશ્કેલી આવી રહી છે. અન્ય એક સાક્ષીએ કહ્યું કે, તેણે આગના ગોળાને તેના માથા ઉપરથી જતા જોયો. બ્લાસ્ટ પછી તરત જ આખો વિસ્તાર ધુમાડો અને અંધકારથી છવાઈ ગયો હતો. તેણે કહ્યું કે વિસ્ફોટનો અવાજ એટલો ભયાનક હતો કે બધા ડરી ગયા.