આણંદ : આણંદ જિલ્લાના પેટલાદ પાલિકાના પૂર્વ મહિલા ચીફ ઓફિસરને બે દિવસ પૂર્વ નવીન ટાઉનહોલ ન બનાવવા કથીત બેદરકારી ઊભી કર્યાંના મુદ્દે સસ્પેન્ડ કરવામાં આવ્યાં હતાં! હવે ચાલી રહેલી એક ચર્ચા મુજબ, સરકાર દ્વારા આ મુદ્દે કાં તો કાચું કપાયું છે અથવા રાજકીય ઇશારે રાજકીય રમતમાં મહિલા સીઓનો ભોગ લેવાયો છે!

સૂત્રોના જણાવ્યાં મુજબ, પેટલાદ પાલિકા દ્વારા નવિન ટાઉનહોલ બનાવવાનું આયોજન સરકારની સ્વર્ણીમ જયંતી અંતર્ગત ‘આગવી ઓળખ’ના અભિગમ હેઠળ કરવામાં આવ્યું હતું, જેમાં બેદરકારી સર્જાયાંની ઊભી થયેલી આશંકાના મુદ્દે સરકારના શહેરી વિભાગ દ્વારા બે દિવસ પહેલાં પેટલાદ પાલિકાના પૂર્વ સીઓ અને વર્તમાન ઝાલોદ પાલિકાના ચીફ ઓફિસર હિરલબેન ઠાકરને સસ્પેન્ડ કરવામાં આવતાં આ વાતની ચર્ચા ચારેબાજુ થઈ રહી છે. આ મુદ્દે એક નવી વાત સામે આવી છે. ચર્ચા મુજબ, ઓક્ટોબર ૨૦૧૮માં પાલિકા દ્વારા ટાઉનહોલ બનાવવાનો ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો, જેનાં પગલે જાનયુઆરી, ૨૦૧૯માં માર્ગ અને મકાન વિભાગ અમદાવાદથી ટીએસ મેળવવામાં આવી હતી. ત્યારબાદ ૧ માર્મ, ૨૦૧૯ના પાદેશિક કમિશનર કચેરી ખાતે ટીએસ સાથેની દરખાસ્ત મોકલવામાં આવી હતી, જેનાં આધારે ગુજરાત મ્યુનિસિપાલિટી ફાઇનેન્સ બોર્ડને કોઇપણ ક્વેરી વગર વહીવટીપાત્ર હોવાની ભલામણ કરવામાં આવી હતી. ૧૧ માર્ચ, ૨૦૧૯ના લોકસભા ચૂંટણીના કારણે આચારસંહિતા લાગું થતી હોવાથી ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. ત્યારબાદ ૨૫ જૂન, ૨૦૧૯ના રોજ આચારસંહિતા પૂર્ણ થતાં બીજા દિવસે પાલિકા ફાઇનેન્સ બોર્ડ દ્વારા બે કરોડ રૂપિયા પાદેશિક કમિશનર કચેરીના હવાલે કરવામાં આવ્યા હતા. જાેકે, નાણાં મળવા છતાં કમિશનર કચેરી દ્વારા નાણાં રિલીઝ કરવામાં ન આવતાં અને વારંવાર પાલિકા દ્વારા માગ કરવામાં આવતાં પાદેશિક કમિશનર કચેરી દ્વારા છ માસ બાદ એટલે કે ૨૫ ફોબ્રુઆરી, ૨૦૨૦ના વહીવટી મુદ્દો ઊભો કરવામાં આવ્યો હતો. પરિણામે પાલિકા પ્રમુખ દ્વારા ફાઇનેન્સ બોર્ડ પાસે પત્ર લખી માર્ગદર્શન માગવામાં આવતાં બોર્ડ દ્વારા આ મુદ્દે પાદેશિક કમિશનરને નાણાં અપાયાં હોય નિયમાનુસાર કાર્યવાહી કરવાનંુ સૂચન કરવામાં આવ્યું હતું.

જાેકે, એક ચર્ચા મુજબ પાલિકાની મુદત પૂર્ણ થવાના આરે હોય વારંવાર રિજિયોનલ કચેરીને તાકીદ કરતાં ત્રણ માસ બાદ આશ્ચર્ય રીતે રિજિયોનલ કચેરી દ્વારા ફરી માર્ગદર્શન માગીને તેમાં ચીફ ઓફિસરનો ખુલાસો માગી ઉચ્ચકક્ષાએ મુદ્દો ઊભો કરવામાં આવ્યો હતો. તેનાં આધારે ફાઇનેન્સ બોર્ડ દ્વારા બે અલગ માર્ગદર્શન આપવામાં આવ્યાં ત્યાં જ સંદેહની શક્યતા ઊભી થવા પામી હતી. આ શંકા યથાર્થ ઠરી હોય તેમ નવેમ્બર, ૨૦૨૦માં ચીફ ઓફિસરને કારણદર્શક નોટિસ આપી અને અગાઉનો ખુલાસો બોર્ડ દ્વારા ગ્રાહ્ય ન રાખ્યાંની જાણ ગત ૫ ફેબ્રુઆરીના કમિશનર કચેરીએ કરી હતી.

અલબત્ત, અચાનક બે દિવસ પૂર્વે પાલિકાના પૂર્વ ચીફ ઓફિસરને સસ્પેન્ડ કરવામાં આવતાં જાે પાલિકાને બોર્ડ દ્વારા અપાયેલાં નાણાં પહોંચાડવામાં જ ન આવ્યાં હોય તો ટેન્ડર બહાર પડાયાં બાદ બેદરકારી કેવી રીતે થાય? જેવાં સવાલ ઊઠી રહ્યાં છે. આ સાથે સમગ્ર મામલે સરકાર દ્વારા કાચું કપાયું હોવાની અથવા રાજકીય રમતમાં મહિલા ચીફ ઓફિસરનો ભોગ લેવાયો હોવાની ચર્ચા ચાલી રહી છે!

પેટલાદ પાલિકા પૂર્વ સીઓ સસ્પેન્ડ પાછળ મોટો રાજકીય ખેલ!?

બે દિવસ પૂર્વ પેટલાદ પાલિકાના પૂર્વ ચીફ ઓફિસર હિરલબેન ઠાકરને પાલિકાના સાકાર ટાઉનહોલમાં બેદરકારીના સંદેહના પગલે સસ્પેન્ડ કરવામાં આવતાં આ સસ્પેન્સન પાછળ મોટી સાઠગાંઠ રચવામાં આવ્યાની ચર્ચા ટોક ઓફ ધી ટાઉન બની છે. પેટલાદમાં ચાલતી ચર્ચા મુજબ, મહિલા ચીફ ઓફિસરનાં શાસનકાળ દરમિયાન થયેલાં વોર્ડ સીમાંકન ઉપરાંત પાલિકા હસ્તેની ધાર્મિક ટ્રસ્ટ દ્વારા ગેરકાયદે પચાવી પાડતાં સદર જમીન પરત પાલિકાને અપાવવાની સક્રિયતાના કારણે નેતાઓમાં ઊભી થયેલી નારાજગી, ઠેકેદારોની વહીવટી આશા પર પાણી ફરી વળ્યાંના કારણે, બે વખત સ્વચ્છતા અભિયાન અંતર્ગત રાજ્ય પાલિકામાં પ્રથમ ક્રમાંક મેળવવા ઉપરાંત લોકડાઉન દરમિયાન ભિક્ષામદેહીનો યજ્ઞ ઊભો કરી જરૂરિયાતમંદોને સહાયના આયોજનોના કારણે નેતાઓના પેટમાં તેલ રેડાયું હોવાની પણ ચર્ચા ટોક ઓફ ધી ટાઉન છે.