વડોદરા, તા.૧૭ 

વડોદરા શહેરની સરકારી સયાજી હોસ્પિટલમાં અદ્યતન સુવિધાસભર કોવિડ-૧૯ માટે નવા બનાવેલ આઈસોલેશન વોર્ડ સહિત સારવાર સેન્ટરના પ્રથમ માળે આવેલ આઈસોલેશનના ત્રણ યુનિટ પૈકી એક યુનિટમાં સેન્ટ્રલ ઓક્સિજન સપ્લાય લાઈનમાં વધઘટ થવાના કારણે આઈસોલેશન વોર્ડમાં સારવાર લઈ રહેલા દર્દીઓ મોતને ભેટી રહ્યા છે. વિતેલા કલાકમાં આ સમસ્યાને કારણે ૬ થી ૮ દર્દીઓ મોતને ભેટયા હોવાથી એનસીઓટીમાં ચકચાર સાથે ચર્ચાનો વિષય બન્યો હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે, હાલ વડોદરા શહેર-જિલ્લામાં કોરોનાની મહામારીને લીધે દિનપ્રતિદિન નિર્દોષ વ્યક્તિઓ કોરોનાની ઝપેટમાં આવી રહ્યા છે અને હોસ્પિટલોમાં સારવાર માટે સંખ્યાબંધ કોરોનાગ્રસ્ત લોકો દાખલ થઈ રહ્યા છે. સયાજી હોસ્પિટલમાં કોરોનાની સારવાર માટે રાજ્ય સરકારની સૂચનાથી પ૦૦ બેડની કોવિડ-૧૯ની સારવાર માટે હોસ્પિટલના તાત્કાલિક સારવાર વિભાગમાં છ માળની બિલ્ડિંગમાં સારવાર સેન્ટર બનાવવામાં આવ્યું છે. જેના પ્રથમ માળે આઈસોલેશન વોર્ડમાં બે આઈસીયુ બનાવવામાં આવ્યા છે જેમાં કોરોનાના અત્યંત ક્રિટિકલ કન્ડિશનવાળા દર્દીઓને રાખવામાં આવે છે. આઈસીયુને ત્રણ યુનિટમાં વિભાજિત્‌ કરાયું છે. કોવિડ-૧૯ના સારવાર સેન્ટરમાં કોરોનાના દર્દીઓને જરૂરી અવિરત ઓક્સિજન મળી રહે તે માટે સેન્ટ્રલ ઓક્સિજન સપ્લાયની લાઈનો નાખવામાં આવી છે, પરંતુ આ લાઈનમાં ટેકનિકલ ખામીના કારણે લિક્વિડ ઓક્સિજન સપ્લાયની વધઘટ થતી હોવાથી તેની સીધી અસર ગંભીર અને નાજુક સ્થિતિ ધરાવતા દર્દીઓ ઉપર પડી રહી છે, જેના કારણે દર્દીઓના મૃત્યુ થઈ રહ્યા છે. કોવિડના આઈસોલેશન વોર્ડમાં છેલ્લા એક અઠવાડિયાથી સેન્ટ્રલ ઓક્સિજન સપ્લાય લાઈનમાં ટેકનિકલ કારણોસર ઓક્સિજન સપ્લાયનું પ્રેશર વધઘટ થતું હોવાથી આઈસોલેશન વોર્ડમાં ગંભીર સમસ્યા ઊભી થઈ હતી. આ બાબતે ફરજ પરના તબીબો તથા સ્ટાફ કર્મચારીઓ વચ્ચે સમસ્યા હલ કરવા માટેની ખો આપવાની રમત શરૂ થઈ હતી, જેની સીધી અસર દર્દીઓ ઉપર પડતાં વિતેલા છેલ્લા ૨૪ કલાક દરમિયાન અંદાજે ૬ થી ૮ દર્દીઓ મોતને ભેટયા હોવાથી દર્દીઓમાં અને તેમના સગાંઓમાં ચર્ચાનો વિષય બન્યો હતો.