અરવલ્લી,શામળાજી, તા.૧૩ 

વૈશ્વિક કોરોનાની મહામારીના પગલે સુપ્રસિધ્ધ યાત્રાધામ શામળાજી મંદિર ખાતે આજે જન્માષ્ટમી પર્વને લઈ મંદિર પરીસરને રોશનીથી અને આસોપાલવના તોરણ બંધાતા મંદિર ઝળહળી ઉઠ્‌યું હતું .ભગવાન કૃષ્ણના જનમોત્સવને લઈ યોજાનારા તમામ મહોત્સવ અને મટકી ફોડ સહિત શોભાયાત્રાના પ્રસંગોને બંધ રાખવામાં આવ્યા હતા. લોકમેળામાં આગવું સ્થાન ધરાવતો શામળાજીનો આઠમનો મેળો પણ બંધ રાખવાનો પંચાયત અને શામળાજી મંદીર ટ્રસ્ટ દ્વારા ર્નિણય અગાઉથી જ જાહેર કરવામાં આવ્યો હતો. યાત્રાધામ શામળાજી બિરાજતા કાળીયા ઠાકોરના દર્શનાર્થે ભક્તોનો અવિરત પ્રવાહ ચાલુ રહ્યો હતો. જન્માષ્ટમી પર્વ નિમિતે ભગવાન શામળીયા માટે ખાસ પ્રકારના વસ્ત્રોને ડીઝાઈન કરાવી સુંદર મજાના વસ્ત્રો ભગવાનને પહેરાવવામાં આવ્યા હતા.ભગવાનને ખુબ જ કિંમતી સુવર્ણ અને મોતીના ઘરેણાં અને તેમના માથા પર સોનાનો દોઢ કીલોથી વધુ વજનનો હિરા મોતી જડીત મુઘટ પણ શોભાવવામાં આવ્યો હતો.ભગવાન શામળિયા માટે ખાસ ડીઝાઈન કરેલી અંદાજે દશેક તોલા સોનાનું વજન ધરાવતી નવી વાંસળી શણગારમાં સજાવાઈ હતી. શામળાજી મંદિર ટ્રસ્ટ દ્વારા મંદિરને ખુલ્લુ રાખવાનો સરકારની ગાઈડ લાઈન મુજબ ર્નિણય લેવામાં લેતા વહેલી સવારથી જ ભક્તો ભગવાન શામળિયાના દર્શન કરવા ઉમટ્યા હતા. ભક્તો માટે મંદિર દ્વારા સ્વાસ્થયની પ્રાથમિક ચકાસણી કરીને ભક્તોને મંદિરમાં પ્રવેશ આપવામાં આવ્યો હતો. મંદિર પ્રવેશદ્વારે ભક્તોને સેનીટાઈઝ કરવામાં આવ્યા પછી ફરજીયાત માસ્ક સાથે મંદિર ગર્ભ ગૃહમાં ભક્તોને સોશિયલ ડિસ્ટન્સીંગ સાથે દર્શન કરી ધન્યતા અનુભવી હતી. જિલ્લામાં માહિયપુર, સાંઠબા, ગાબાટ, મેઘરજ,માલપુર સહિત ઠેર ઠેર યોજાતા લોક મેળા પણ મોકુફ રહ્યા હતા. જન્માષ્ટમી પર્વ અંતર્ગત સમગ્ર જિલ્લામાં મટકીફોડ સહિતના કાર્યક્રમો મોકૂફ રાખવામાં આવ્યા હતા. મંદિરોમાં રાત્રે ૧૨ વાગે કૃષ્ણ જન્મોત્સવ ભક્તો વગર મનાવ્યો હતો. કોરોના મહામારીના કારણે આ વખતે જન્માષ્ટમીના તહેવારને પણ કોરોનાનું ગ્રહણ લાગી ગયું હતું. જેને કારણે સરકારે દરેક તહેવારની જાહેર ઉજવણી પર પ્રતિબંધ મુકી દીધા છે.