ગાંધીનગર-

ફી વધારા પર સરકારે ખાનગી શાળા સંચાલકોને લપડાક આપી છે. ત્યારે શાળાના સંચાલકો પણ હવે ઓનલાઇન શિક્ષણ નહીં આપવાની વાત પર અડગ છે. તો ખાનગી શાળાના સંચાલકોની ઓનલાઇન શિક્ષણ ન આપવાની જાહેરાત બાદ રાજ્ય સરકારે કહ્યું કે, અમે ઓનલાઇન શિક્ષણ આપીશું. આ વચ્ચે હવે રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા ખાનગી શાળાના શિક્ષકોના સમર્થનમાં આવ્યા છે.

અને એક સંદેશો પણ આપ્યો હતો. જેમાં ફેસબુક પર લાઇવ પોસ્ટ પર શંકરસિંહ વાઘેલાએ લખ્યું કે, ' પ્રાથમિક ધોરણના વિદ્યાર્થીઓને ફરજિયાત પાસ કરવાનો નિયમ છે ત્યારે સરકારે ફીની ઉઘરાણી કરાવવા કે ઓનલાઇનનું ભારણ વધારવા કરતા તેમને માસ પ્રમોશન આપી દેવું જોઈએ તેવી મારી વિનંતી છે. આ સાથે ઘણા શિક્ષકોની ફરિયાદ છે કે છેલ્લા ઘણા મહિનાઓથી પગાર ના મળતા પરિવારનું ગુજરાન ચલાવવું અઘરું બન્યું છે ત્યારે સરકારે આવા કર્મચારીઓના હિતમાં એક ફંડ ઉભુ કરી સંસ્થાઓને પગાર અપાવવા સહાય કરવી જોઈએ.'