દુબઈ  

દિલ્હી કેપિટલ્સના ધુરંધર ઓપનિંગ બેટ્સમેન શિખર ધવને દમદાર ફોર્મ જારી રાખતા કિંગ્સ ઇલેવન પંજાબ વિરુદ્ધ મંગળવારે IPL-13ના મુકાબલામાં સદી ફટકારી છે. દુબઈ આંતરરાષ્ટ્રીય સ્ટેડિયમમાં ધવન શરૂઆતથી બેજોડ ફોર્મમાં જોવા મળ્યો અને શાનદાર શોટ્સ લગાવતો રહ્યો. આ આઈપીએલમાં તેની સતત બીજી સદી છે.તેણે યુવા પેસર અર્શદીપ સિંહની ઈનિંગની 19મી ઓવરમાં પોતાની સદી પૂરી કરી હતી. આ માટે તેણે 57 બોલનો સામનો કર્યો હતો. ધવને અર્શદીપની ઓવરના ચોથા બોલ પર બે રન દોડીને સદી પુરી કરી હતી. ધવન ઈનિંગના અંતે 61 બોલમાં 12 ચોગ્ગા અને 3 છગ્ગા સાથે 106 રન બનાવી અણનમ રહ્યો હતો.  

આ પહેલા ધવને પાછલી મેચમાં ચેન્નઈ સુપર કિંગ્સ વિરુદ્ધ અણનમ 101 રન બનાવ્યા હતા. શિખર ધવન આઈપીએલની સતત બે મેચમાં સળંગ સદી ફટકારનાર પ્રથમ બેટ્સમેન બની ગયો છે શિખર ધવને સદી ફટકારવાની સાથે ઈન્ડિયન પ્રીમિયર લીગમાં 5 હજાર રન પૂરા કરવાની સિદ્ધિ મેળવી છે. તે 5 હજાર રન પૂરા કરનાર ચોથો ભારતીય અને ઓવરઓલ પાંચમો ખેલાડી બની ગયો છે. આ પહેલા આઈપીએલમાં વિરાટ કોહલી, સુરેશ રૈના, રોહિત શર્મા અને ડેવિડ વોર્નર પાંચ હજાર રન ફટકારી ચુક્યા છે.