ગાંધીનગર-

કંગના રાણાવત સાથેના ઝઘડામાં ગુજરાત અને ગુજરાતના નેતાઓને ટાર્ગેટ કરી બદનામ કરવાનું બંધ કરવા અપીલ શિવસેના નેતા સંજય રાઉતનાં નિવેદનને સખ્ત શબ્દોમાં વખોડી નાંખતા ભાજપનાં પ્રદેશ પ્રવક્તા ભરત પંડયાએ જણાવ્યું હતું કે 

કંગના રાણાવત સાથેનાં ઝગડામાં ગુજરાતને , અમદાવાદને ટાર્ગેટ કરીને બદનામ કરવાનાં ઈરાદાથી સંજય રાઉતે ગુજરાતમાં અમદાવાદને મીની પાકિસ્તાન કહીને ગુજરાતનું હાડેહાડ અપમાન કર્યું છે. તેમણે ગુજરાત ,અમદાવાદ અને અમદાવાદીઓની માફી માંગવી જોઈએ. આ ગાંધીજી અને સરદાર પટેલનું ગુજરાત છે. સરદાર પટેલે ૫૬૨ રજવાડાં એક કરીને ભારતને એકતા -અખંડીતતાને મજબૂત કરી છે. 

જુનાગઢ અને હૈદરાબાદને પાકિસ્તાનમાં જતું અટકાવ્યું અને કુનેહ અને શક્તિથી ભારતમાં જ રાખવામાં સફળ થયાં. તેમનું સ્વપ્ન કાશ્મીરમાં ૩૭૦ હટાવીને ખરાં અર્થમાં ભારતનું અવિભાજય અંગ બને , તે સ્વપ્નને ગુજરાતનાં નરેન્દ્રભાઈ મોદી અને અમિતભાઈ શાહે પૂર્ણ કર્યું છે.એટલે ભારતની એકતા-અખંડીતતાનાં ઇતિહાસ અને વર્તમાનમાં ગુજરાતનાં યોગદાનને યાદ રાખવું જોઈએ.શિવસેના કોઈપણ ઘટનાક્રમમાં ઈર્ષા,દ્વેષ,અને બદ્ઈરાદાથી ગુજરાત, ગુજરાતી અને ગુજરાતનાં નેતાઓને ટાર્ગેટ કરીને બદનામ કરવાનું બંધ કરે તેવી અપીલ પંડયાએ કરી હતી.