વડોદરા, તા.૬ 

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ કોરોનાની માંદગીની સારવાર માટે હોસ્પિટલમાં દાખલ થયાં છે.તેમની સાથે દેશના અનેક લોકો કોરોના પીડિત છે અને સારવાર લઈ રહ્યાં છે. અમિતભાઈ સહિત દેશના તમામ કોરોના પીડિતો શીઘ્ર સાજા થાય, ફરીથી તંદુરસ્તીને પામે, કોરોનાનો ઉપદ્રવ અટકે અને દેશના લોકો તેનાથી મુક્ત થાય એની ભગવાન શિવને નમ્ર પ્રાર્થના કરવા, નર્મદા વિકાસ મંત્રી યોગેશ પટેલના માર્ગદર્શન હેઠળ શિવ પરિવારદ્વારા આજે , મહા મૃત્યુંજય જાપ સહિત શિવ શક્તિ યજ્ઞનું વેદોના જ્ઞાતા પુરોહિતોના માધ્યમથી જાગનાથ મહાદેવ મંદિરના પરિસરમાં કરવામાં આવ્યુ હતુ.

પ્રાચીન શિવ મંદિરના જીર્ણોદ્ધાર અને નવીનીકરણ માટે સન ૨૦૦૭માં રાજ્યના તત્કાલીન ગૃહ મંત્રી તરીકે અમિતભાઈ શાહે ભૂમિપૂજન કર્યું હતું.આ યજ્ઞ સવારના ૧૦ વાગે શરૂ થયો હતો અને સાંજે ૫ વાગે સમાપન થયુ હતુ. ભારતીય સનાતન ધર્મ પરંપરા ના આ પવિત્ર વિધિવિધાન દ્વારા ગૃહ મંત્રી અમિત શાહ સહિત દેશ અને દુનિયાના તેમજ રાજ્યના કોરોના પીડિતો શીઘ્ર સાજા થાય, પુનઃ સ્વસ્થ થાય અને આ ભયંકર રોગ સામે લોકોના રક્ષણ માટે સતત કાર્યરત તબીબો, નર્સો, આરોગ્ય કર્મચારીઓ, પોલીસ કર્મચારીઓ સહિત તમામ કોરોના લડવૈયાઓની ઈશ્વર સુરક્ષા કરે એવી પ્રાર્થના કરવામાં આવી હતી.આ પ્રસંગે સાંસદ,ધારાસભ્યો સહિત અગ્રણીઓ તેમજ લોકો ઉપસ્થિત રહ્યા હતા.