વડોદરા, તા. ૧

હર હર મહાદેવ અને બમ બમ ભોલેના ગગનભેદી નાદથી સમગ્ર શહેર શિવમય બન્યું હતું.વહેલી સવારથી જ બહોળી સંખ્યામાં શિવભક્તો શીવજીને રીઝવવા માટે અભિષેક અને પૂજા અર્ચના કરવા માટે શીવાલયોની બહાર લાંબી કતાર જાેવા મળી હતી. શહેરમાં નિકળતી પાંરપારિક શિવજી કી સવારીમાં મતભેદો ભૂલીને વિવિધ પક્ષોના નેતાઓ , મેયર , સાંસદ સહિતના લોકો જાેડાયા હતા. બે વર્ષ બાદ યોજાનારી શિવજી કી સવારીમાં લાખોની જનમેદની સાથે શિવભક્તો શિવમય બનીને જાેડાયા હતા.સાંજ દરમ્યાન શિવ પરીવાર ભક્તો સાથે સુરસાગર ખાતે સર્વેશ્વર મહાદેવ પાસે પહોંચતા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સહિતના અગ્રણીઓ દ્વારા મહાઆરતીનો કાર્યક્રમ યોજાયો હતો.સુરસાગરની મધ્યમાં આવેલ સર્વેશ્વર મહાદેવની પ્રતિમાનું સુવર્ણ જડિત મુખ લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું.

પૌરાણિક કથાઓમાં ચાર રાત્રીઓમાં શ્રેષ્ઠ રાત્રી એટલે શિવરાત્રી. આ દિવસે દેવોના દેવ મહાદેવની આરાધના કરવા માટેનો શ્રેષ્ઠ દિવસ માનવામાં આવે છે. આ મહાપર્વની વહેલી સવારથી જ શિવાલયોની બહાર શિવભક્તો દ્વારા જળાભિષેક માટે લાંબી હરોળ જાેવા મળી હતી. વહેલી સવારથી જ વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યુ હતું. જેમાં મહા અભિષેક , હોમાત્મક લધુરુદ્ર યજ્ઞ , મહા મુત્યુંજય જાપ અને સ્વાહા યજ્ઞ સહિતનું આયોજન વિવિધ શિવાલયો ખાતે કરવામાં આવ્યું હતું. વહેલી સવારથી જ સમગ્ર શહેર શીવમય બન્યું હતું. જ્યારે બપોર દરમ્યાન શહેરમાં શિવજી કી સવારીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સવારીમાં પંદર ફૂટ ઉંચા નંદી પર બિરાજીને સુવર્ણ જડિત શિવ પરિવાર બેન્ડ બાજા , લાઉડસ્પીકર , ઢોલ નગારા અને ભક્તોની જન મેદની સાથે પ્રતાપનગર ઋણમુક્તેશ્વર મહાદેવ મંદિર ખાતેથી નગર ચર્યા પર નિકળ્યા હતા. શિવજી કી સવારીમાં લાખોની જનમેદની સાથે ભક્તોનો જમાવડો જાેવા મળ્યો હતો. ગગનભેદી નાદ સાથે ગુંજતા શિવજીના ભજનો અને આતશબાજી સાથે નવમી શિવજી કી સવારી શહેરમાં નિકળતા બહોળી સંખ્યામાં શિવભક્તો જાેડાયા હતા. સવારીમાં શંકર ભગવાનની વેશભૂષા ધારણ કરીને શિવભક્ત આવતા આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું. તે સિવાય વડાપ્રધાન જેવા દેખાતા જીતેન્દ્ર વ્યાસ પણ રેલીમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું. તે સાથે જ એક પૈડા વાળી સાઈકલ પણ આકર્ષણનું કેન્દ્ર બની હતી. શહેરના વિવિધ વિસ્તારોમાંથી પસાર થતી શિવજી કી સવારીમાં પોળોના વિવિધ યુવક મંડળો દ્વારા સ્વાગત કરીને શિવજી કી સવારીને આવકારવામાં આવી હતી. સાંજ દરમ્યાન શિવજી કી સવારી સુરસાગર તળાવની મધ્યમાં બિરાજતા સર્વેશ્વર મહાદેવ ખાતે પહોંચતા મુખ્યમંત્રી દ્વારા મહાદેવની મહાઆરતી ઉતારવામાં આવી હતી. સત્યમ શિવમ સુંદરમ સમિતી દ્વારા તૈયાર કરવામાં આવેલ સર્વેશ્વર મહાદેવનું સુવર્ણ જડિત મુખ લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું.

સુરસાગર બન્યું શિવસાગરઃ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ મહા આરતીમાં જાેડાયાં

મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ મહાશિવરાત્રીના પાવન પર્વે સુરસાગર મધ્યે બિરાજમાન સર્વેશ્વર મહાદેવની મહા શિવ આરતીમાં જાેડાઈ સુવર્ણકાય શિવની ભક્તિભાવ સાથે પૂજા અર્ચના કરી હતી. મુખ્યમંત્રી દ્વારા રશીયા – યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુધ્ધમાં કોઈ હાની ન પહોંચે તેમજ વડાપ્રધાન દ્વારા ભારતવાસીઓને સફળતા પૂર્વક દેશમાં પરત લાવી શકે તેવી પ્રાર્થના કરી હતી. સમગ્ર દેશમાં પ્રથમ સુવર્ણ જડિત સર્વેશ્વર મહાદેવની પ્રતિમાં શહેરની ઓળખ બની રહેશે. આ મહા આરતીના કાર્યક્રમમાં મુખ્યમંત્રી સહિત સાંસદ , રાજ્ય સ્તરના મંત્રીઓ , મેયર ,કાઉન્સીલરો સહિતના અગ્રણીઓ જાેડાયા હતા.

પૌરાણિક શિવાલયો ખાતે ભક્તોનું ઘોડાપૂર

શહેરના વિવિધ પૌરાણીક મંદિરો પૈકી સાવલી ખાતે આવેેલ ભીમનાથ મહાદેવ મંંદિર , કામનાથ મહાદેવ મંદિર તેમજ વિશ્વામિત્રી નદીને કિનારે આવેલ યવતેશ્વર ધાટ ખાતે યવતેશ્વર મહાદેવના મંદિર સહિત વિવિધ પૌકાણીક શિવાલયોમાં મુત્યુંજય જાપ , મહા અભિષેક અને હોમાત્મક લધુરુદ્ર યજ્ઞનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

સુરસાગર તળાવ ખાતે શિવજીના વિવિધ સ્વરુપોનો ફેશન શો યોજાયો

સુરસાગર તળાવ ખાતે સંદિપ રાઠોડ દ્વારા શિવજીના વિવિધ સ્વરુપોની થીમ પર ફેશન શો યોજાયો હતો. જેમાં નાના બાળકો દ્વારા શિવજીના વિવિધ સ્વરુપોની વેશભૂષા ધારણ કરીને ફેશન શો યોજયો હતો. આ કાર્યક્રમમાં મધુ શ્રીવાસ્તવ હાજર રહ્યા હતા.

રાજવી પરિવાર દ્વારા પારંપારિક રીતે શિવરાત્રીની ઉજવણી કરવામાં આવી

રાજવી પરિવાર દ્વારા જ્યુબેલી બાગ ખાતે આવેલ પૌરાણિક તારકેશ્વર મહાદેવ મંદિર ખાતે પારંપારિક રીતે જળાભિષેક કરીને શિવલીંગની પૂજા અર્ચના કરવામાં આવી હતી. ત્યારબાદ આરતી ઉતારીને શિવરાત્રીની પારંપારિક રીતે ઉજવણી કરી હતી.

ભાંગ-ફરાળી વસ્તુઓના સ્ટોલ પર ભીડ

શિવરાત્રી પર્વ દરમ્યાન શિવભક્તો શિવની આરાધના કરવા માટે ઉપવાસ કરતા હોય છે. પરતું ખાણીપીણીનાં શોખીન ગુજરાતી પ્રજા દ્વારા ફરાળની અવનવી વાનગીઓ આરોગીને ઉપવાસ કરતા હોેય છે. શહેરમાં અનેક પ્રકારની ફરાળી વાનગીઓના સ્ટોલો તેમજ ભાંગના સ્ટોલો ખાતે લોકોની ભારે ભીડ જાેવા મળી હતી.

માળી સમાજ દ્વારા ખાસવાડી ખાતે શિવજીની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી

ખાસવાડી સ્મશાન પાસે સરકાર દ્વારા ગેરકાયદેસર દબાણ કર્યા બાદ તે દબાણ દૂર કરાતા માળી સમાજ દ્વારા શિવ મંદિરની સ્થાપ્ના કરવામાં આવી હતી. શિવરાત્રીના મહા પર્વના દિવસે શિવ મંદિરમાં શિવજીની પ્રાણ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

ભક્તોએ શિવરાત્રી પર્વે તાળાં તોડી દર્શન કર્યા

કોરોના કાળ દરમ્યાન ઉંડેરા ખાતે આવેલ રુબી સર્કલ પાસે પૌરાણિક તપોવન મંદિરને તાળાં મારી દેવામાં આવ્યા હોવાથી ભક્તોમાં આક્રોશ જાેવા મળ્યો હતો. જેને પગલે ભકતો દ્વારા તાળાં તોડીને શીવજીના દર્શન કર્યા હતા. રિલાયન્સ મેનેજમેન્ટ સંચાલિત તપોવન મંદિર ને શિવરાત્રી નાદિવસે બંધ રાખતા ભક્તો માં આક્રોશ જાેવા મળ્યો હતો.મેનેજમેન્ટને વારંવાર મૌખિક રજૂઆતો કરવા છતાં મંદિર ખોલવામાં આવતું ન હોવાથી શિવરાત્રી અને શ્રાવણ માસ માં હજારો ની સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શનાર્થે આવતા હોય છે,અને મંદિર બંધ જાેઈને નિરાશ થઈને પાછા ફરતા હોવાથી ભક્તોએ આક્રોશમાં આવીને મંદિરના તાળાં તોડીને શીવજીની પૂજા અર્ચના કરી હતી.