૭૦ દિવસથી પણ વધુ સમય બાદ અંતે એ ઘડી આવી ગઈ, જેની બોલિવૂડ આતુરતાથી રાહ જોતું હતું. ૨૦ જૂનથી ટીવી સિરિયલ, ફિલ્મ, વેબ સીરિઝને શૂટિંગ શરૂ કરવાની પરવાનગી આપી દેવામાં આવી છે. આ વાતની માહિતી ફેડરેશન ઓફ વેસ્ટર્ન સિને એમ્પલોઈઝે આપી છે. આ પહેલાં મહારાષ્ટ્ર સરકાર તરફથી ૧૬ પાનાની ગાઈડલાઈન પણ જાહેર કરવામાં આવી હતી. આ ગાઈડલાઈનમાં શૂટિંગને લઈ કેટલીક સાવધાની તથા શરતોની વાત કરવામાં આવી છે.  

હ્લઉૈંઝ્રઈના પ્રમુખ ડી એન તિવારીએ દિવ્ય ભાસ્કર સાથે એક ફોર્મ શૅર કર્યું હતું. આ ફોર્મમાં જરૂરી વિગતો ભરીને પરમિશન માગવાની હોય છે. ફોર્મમાં પ્રોડક્શન હાઉસ અથવા બ્રોડકાસ્ટિંગ કંપનીનું નામ, એડ્રેસ તથા ફિલ્મનું નામ લખવાનું હોય છે. જાનર તથા ફિલ્મસિટીમાં કઈ જગ્યાએ શૂટિંગ કરવાનું છે, તેની માહિતી આપવાની હોય છે. હાલમાં પ્રોડક્શનને ફિલ્મ અથવા સિરિયલની પૂરી ટીમના ૩૩ ટકા મેન પાવર સાથે શૂટિંગની પરવાનગી આપવામાં આવી છે.

ફિલ્મ ઈન્ડસ્ટ્રી આ વાતથી ઘણી જ ખુશ છે. મિલાપ ઝવેરી તથા જ્હોન અબ્રાહમ ‘સત્યમેવ જયતે ૨’ને લઈ ૧૬ જૂન (મંગળવારે)ની સાંજે મળ્યાં હતાં અને લાંબા સમય સુધી વાત કરી હતી. જ્હોન ‘મુંબઈ સાગા’ના શૂટિંગ માટે હૈદરાબાદ જવાનો છે. અનેક વેબ શોના પ્રોડ્‌યૂસર પણ શૂટિંગની આતુરતાથી રાહ જોતા હતાં. ફિલ્મસિટીમાં આઉટડોર લોકેશન તો છે અને સાથે ઈનડોર સ્ટૂડિયો પણ છે. ત્યાં તમામ લોકો શૂટિંગ કરી શકે છે.૩૧ મેએ મહારાષ્ટ્ર સરકારે ૧૬ પાનાની ગાઈડલાઈન જાહેર કરી હતી.