ન્યૂ દિલ્હી

દિલ્હીની કરણી સિંઘ રેન્જમાં આઈએસએસએફ શૂટિંગ વિશ્વ કપમાં ભારતીય મહિલાઓનું વર્ચસ્વ છે. ગુરુવારે ચિન્કી યાદવ, મનુ ભાકર અને રહી સરનોબતની ટીમે મહિલાઓની ૨૫ મીટર પિસ્તોલ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. ભારતીય ત્રિપુટીએ ફાઇનલમાં પોલેન્ડના ખેલાડીઓને ૧૭-૭થી હરાવી હતી. શરૂઆતમાં ભારતીય મહિલા ટીમે ૫૦ મીટર રાઇફલ ૩ પોઝિશનમાં સિલ્વર જીત્યો હતો. ફાઈનલમાં યજમાનો પોલેન્ડ સામે૪૩-૪૭ના અંતરે હારી ગયા હતા અને તેને રજતથી સંતોષ માનવો પડ્યો હતો. અંજુમ મૌદગિલ, શ્રેયા સક્સેના અને ગાયત્રી નિત્યનાદમની ભારતીય ટીમે ૪૩ પોઇન્ટ મેળવ્યા હતા. આ પહેલા ભારતે પહેલા અને બીજા ક્વોલિફાઇંગ રાઉન્ડમાં અનુક્રમે ૧૩૦૪ અને ૮૬૪ બનાવ્યા હતા. પોલેન્ડની ટીમમાં અનિતા સ્ટેન્કેવિઝ, એલેકસંડ્રા સજુકો અને નતાલિયા કોચન્સકા સામેલ છે.

ઇન્ડોનેશિયાની વિદ્યા રફીકા રહમતન તોઇબા, મોનિકા દરિયાનતી અને આદ્રે ઝહરા ડેનિષાએ હંગેરીની લલિતા ગેસપર, ઇસ્તર ડેનેસ અને લિયા હોરવાથને ૪૭-૪૩થી હરાવીને બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. આ ચંદ્રક સાથે ભારતમાં કુલ મેડલ્સની સંખ્યા ૨૦ પર પહોંચી ગઈ છે, જેમાં નવ ગોલ્ડ, છ સિલ્વર અને પાંચ બ્રોન્ઝ મેડલ શામેલ છે.