બોડેલી, તા.૧૩ 

બોડેલીની ઢોકલીયા પબ્લીક હોસ્પિટલ સ્થિત કોવિડ - ૧૯ સેન્ટરમાં બુધવારે સવારે ઇલેક્ટ્રિક બોર્ડમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી. જોકે આગ વધુ વિકરાળ સ્વરુપ ધારણ કરે તે પહેલાજ હોસ્પિટલના કર્મીઓએ તાત્કાલિક આગને કાબુમાં લઈ લેતા મોટી દુર્ઘટના ટળી હતી. કોવિડ સેન્ટરમાં કોરોનાની સારવાર લઈ રહેલા દસ દર્દીનો બચાવ થયો હતો.સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થવા પામી ન હતી.

બોડેલીની બોડેલી - ઢોકલીયા પબ્લીક હોસ્પિટલ સ્થિત કોવિડ - ૧૯ સેન્ટરમાં બુધવારે સવારના ૯ઃ ૩૦ વાગ્યાની આસપાસ હોસ્પિટલના બીજા માળે ઇલેક્ટ્રીક બોર્ડમાં અચાનક શોર્ટ સર્કિટના કારણે આગ લાગતા દોડધામ મચી હતી. ઇલેક્ટ્રિક બોર્ડના નજીકના રૂમમાં કોરોનાના દર્દીઓ સારવાર લઈ રહ્યા હતા. તે રૂમના નજીક અચાનક શોર્ટ સર્કિટ થતા દર્દીમાં પણ અફરાતફરી મચી જવા પામી હતી. જોકે આગ લાગતાની સાથે આગ વધુ વિકરાળ સ્વરુપ ધારણ કરે તે પહેલા જ હોસ્પિટલના કર્મીઓઓ તાત્કાલિક ફાયર સેફટીના સાધન હોવાથી આગને કાબુ લઈ લેતા મોટી દુર્ઘટના ટળી હતી. જિલ્લા આરોગ્ય અધિકારી ડો. મહેશ ચૌધરીએ કહ્યું હતું કે છોટાઉદેપુર પાંચ દર્દીઓને સીસીસી હોસ્પિટલ તેમજ બે દર્દીઓને કોવિડ - ૧૯ હોસ્પિટલ ખાતે શિફ્ટ કરેલ છે. હાલ પૂરતું હોસ્પિટલને જ્યાં સુધી વાયરિંગ સંપૂર્ણ ચકાસણી ન થાય ત્યાં સુધી બંધ રાખીશું .