વડોદરા

વિવાદાસ્પદ સંસ્થા ‘ઓએસીસ’ની એક અંતેવાસી યુવતી સાથેના દુષ્કર્મ અને કથિત આત્મહત્યાના ચકચારી બનાવ અંગેની અનેક સ્ફોટક બાબતો જાણતા હોવા છતાં પોલીસ અને પીડિતાના કુટુંબીઓને નહીં જણાવી ગુનાહિત બેદરકારી દાખવવા બદલ આજે ‘ઓએસીસ’ના ‘શ્રધ્ધેય’ સંજીવ શાહ અને તેમની પત્ની અને સંસ્થાની ટ્રસ્ટી પ્રીતિ નાયરની આજે ક્રાઈમ બ્રાન્ચમાં કડક પૂછપરછ થઈ હતી.

આ પૂછપરછ દરમિયાન સંજીવ શાહે કબૂલ કર્યું છે કે, તેમણે પોલીસને જાણ નહીં કરી ગંભીર ભૂલ કરી છે એમ પોલીસસૂત્રોએ જણાવ્યું છે. પહેલા બંનેને સાથે સાથે રાખી અને પછી વારાફરતી અલગ અલગ રાખી સંજીવ-પ્રીતિની કરાયેલી કડક પૂછપરછ દરમિયાન અનેક પ્રશ્નોના ઉત્તરો આ દંપતી આપી શક્યું નથી અને જે બચાવો કર્યા તે પણ પાંગળા અને મરહૂમ યુવતી પર ઢોળી દેનારા હતા - જે મૃતક હોવાથી તેની પૂછપરછ ખરાઈ કચરવી શક્ય નથી એ સ્વાભાવિક છે.

ક્રાઈમ બ્રાન્ચમાં આજે ચાલેલી મેરેથોન પૂછપરછ દરમિયાન સવારે ૧૦.૩૦ વાગ્યાથી સાંજે ૭.૧૫ સુધી એટલે કે લગભગ ૯ કલાક સુધી ઓએસીસના સંજીવ શાહ અને પત્ની પ્રીતિ નાયરની ચાલેલી મેરેથોન પૂછપરછ દરમિયાન બહાર આવેલી માહિતીમાં ઓએસીસ સામે ગાળિયો કસાઈ રહ્યો છે અને બંનેની કબૂલાતના પગલે હવે ક્રાઈમ બ્રાન્ચ કડક કાર્યવાહી કરી ઓએસીસના જવાબદારોની ધરપકડ પણ કરશે એમ સૂત્રોએ જણાવ્યું છે.

ક્રાઈમ બ્રાન્ચના એસીપી ડી.એસ.ચૌહાણની સૂચનાથી આજે ઓએસીસના સંજીવ શાહ અને પત્ની પ્રીતિ નાયર શાહની અલગ અલગ રીતે પૂછપરછ હાથ ધરાઈ હતી. ક્રોસ ઈન્ટ્રોગેશનમાં એક તરફ પ્રીતિની પૂછપરછ પીઆઈ આર.એ.જાડેજાએ કરી હતી. જ્યારે તપાસ અધિકારી પીઆઈ વી.આર.ખેરે સંજીવ શાહની પૂછપરછ કરી હતી. સવારે ૧૦.૩૦થી શરૂ થયેલી પૂછપરછ બંનેને જુદી જુદી રૂમમાં બેસાડી કરવામાં આવી હતી. સૌ પ્રથમ સવાલ એવો કરાયો હતો કે ઘટના બની ત્યારે તમે કાશ્મીર હતા એવું કહો છો ત્યારે દુષ્કર્મ અંગેની તમને જાણ ક્યારે, કેવી રીતે અને કોના માધ્યમથી થઈ? જેના જવાબમાં જણાવાયું હતું કે, પીડિતાએ માત્ર સાઈકલનો એક્સિડેન્ટ થયો હોવાનું વૈષ્ણવીને જણાવ્યા બાદ વૈષ્ણવીએ અવધીને જાણ કરી હતી.

અવધીએ પ્રથમ ઓએસીસની ઓફિસમાં અને બાદમાં પીડિતાને એના ઘરે લઈ ગયા બાદ પ્રીતિ નાયરને ફોન કરી અકસ્માત થયો હોવાનું અને ઈજા થઈ હોવાનું જણાવ્યું હતું, જેને અમે સામાન્ય ઘટના સમજી હોવાથી જાણ નહીં કરી હોવાનું બંનેએ ગોખી રાખ્યું હોય એવો જવાબ આપ્યો હતો. પ્રીતિએ આ ઘટના અંગે સાથે રહેલા સંજીવને પણ વાત કરી હોવાનું જણાવ્યું હતું. ઓએસીસની ચીફ કો-ઓર્ડિનેટર અવધી શાહને બંનેએ જે ઈજા થઈ છે એના ફોટા વૈષ્ણવીને કહી પાડીને મોકલવા જણાવતાં ફોટા મોકલાયા હતા.

સંજીવ અને પ્રીતિને પૂછાયેલા બીજા સવાલમાં બંને બરાબરના ભેરવાયા હતા. સવાલ પૂછાયો હતો કે તમે એવું કહો છો કે અમને દુષ્કર્મની જાણ નથી તો તમે ડાયરી વાંચી હતી? જેના જવાબમાં જણાવાયું હતું કે, હા, વાંચી હતી. તો એવો સવાલ પૂછાછો કે એમાં દુષ્કર્મનો ઉલ્લેખ હતો. તો જવાબ અપાયો કે હા હતો, તો તમે કેમ ધ્યાન આપ્યું. આ કોઈ સામાન્ય બાબત હતી એવા વળતા પોલીસના સવાલમાં પ્રીતિ અને સંજીવ શાહ ગૂંચવાઈ ગયા હતા અને લખવા ખાતર લખ્યું હશે એવું માન્યું હોવાનો ઉડાઉ જવાબ અપાયો હતો.આવા જવાબને લઈ પૂછપરછ કરતાં અધિકારીઓનો પિત્તો ગયો હતો અને વળતો સવાલ કરાયો હતો કે તો તમને દુષ્કર્મની ખબર ક્યારે પડી? તો જવાબ એવો અપાયો કે સુસાઈડ કરી એ દિવસે. તો પછી ત્યારે કેમ એના પરિવારને કે પોલીસને જાણ ન કરી એવા સવાલના જવાબનો ઉત્તર આપી શકયા ન હતા.

ગંભીર અને ગુનાહિત બેદરકારી છતી થતાં ઓએસીસના સંજીવ શાહ અને પ્રીતિ નાયરને પૂછાયું હતું કે, આ દુષ્કર્મની ઘટના પહેલા કે બાદમાં નવસારી પીડિતાના ઘરે ક્યારેય તમે ગયા છો? જેના જવાબમાં બંનેએ નનૈયો ભણ્યો હતો અને સંસ્થા વતી પલ્લવી રાઉલજી અને મેહુલ પંચાલ ગયા હતા એવો લૂલો બચાવ કર્યો હતો. જેનાથી અકળાઈ પૂછપરછ કરનારા અધિકારીઓએ બંનેને પૂછયું હતું કે, તમારા ભરોસે દીકરીને સોંપી હતી એની ઉપર દુષ્કર્મ થયું અને બાદમાં એનો જીવ ગયો તો, તમારી ફરજમાં નથી આવતું કે તમે એક વાર તો પરિવારને સાંત્વના આપવા જવું જાેઈએ ને કેમ ના ગયા જેનો જવાબ બંનેમાંથી એકપણ જણ આપી શકયું ન હતું અને મોઢું સીવી લીધું હતું.

આખા મામલામાં બંનેની સંડોવણીની શંકા પાકી થતાં ડાયરીના પેજ કોણે ફાડયાં એવો મહત્ત્વનો સવાલ કરાયો હતો જેના જવાબમાં બંનેએ કીધું કે પીડિતાએ જ ફાડી નાખ્યા હોઈ શકે. ત્યારે વળતો સવાલ કરાયો હતો કે જાે પીડિતાએ ફાડયા હોત તો બધા જ પેજ ના ફાડે? ડાયરીનો જ નાશ ના કરે? ફાડવા હોત તો પીડિતા લખે જ શું કરવા? એનો પણ જવાબ સંજીવ શાહ અને પ્રીતિ નાયર આપી શક્યા ન હતા. દુષ્કર્મ અંગેની મહત્ત્વની માહિતી ધરાવતા પાના જ કેમ ફાડયા અને એના ફોટા તો તમને મોકલાયા હતા તો દુષ્કર્મ જેવી ગંભીર ઘટનાનો આ પુરાવો હતો તો પોલીસને કેમ જાણ ન કરી? કે પુરાવા કેમ ના આપ્યા? જેવો ઉડાઉ જવાબ એવો અપાયો હતો કે એટલું સિરીયસ ના લાગ્યું એટલે એ વખતે જાણ કરી ન હતી અને પછી આ બધું બહાર આવ્યું ત્યારે પોલીસે માગ્યા ત્યારે અમારી પાસે પેજના જે ફોટા હતા એ આપ્યા હતા. ઈજાના ફોટા ડિલીટ કરી નાખ્યા હતા.

ફોટા જેવા મહત્ત્વના પુરાવા કેમ ડિલીટ કર્યા એવો સવાલ બંનેને પૂછાયો હતો જેના જવાબમાં પીડિતાના અંગત ફોટા હતા એની પર્સનલ મેટર હતી એ જાહેર ના થઈ જાય એટલા માટે ડિલીટ કરી નાખ્યા હતા. આવો જવાબ પોલીસને ગળે ઊતર્યો ન હતો.

આવા ગોળ ગોળ જવાબો અપાયા હોવાનું જણાવી ક્રાઈમ બ્રાન્ચના ઉચ્ચ સૂત્રોએ જણાવી ઉમેર્યું હતું કે, પૂછપરછ દરમિયાન બંનેએ કબૂલ્યું હતું કે, જાણ નહીં કરી અમે ભૂલ કરી છે. પોલીસને આવા જ જવાબનો ઈન્તેજાર હતો. આ જવાબ અપાતા જ પોલીસે હવે અવધી શાહની પૂછપરછ કરવાનું નક્કી કર્યું છે. એની પૂછપરછ બાદ પુનઃ વૈષ્ણવી, સંજીવ શાહ, પ્રીતિ નાયર અને અવધી એમ ચારેયને અલગ અલગ રૂમમાં બેસાડી ક્રોસ ઈન્ટ્રોગેશન કરાશે અને એનસી ગુનાને કોગ્નિજિબલ ગુનો નોંધાશે અને ઓએસીસના જવાબદારોની ધરપકડ કરી કડક કાર્યવાહી થશે એમ ક્રાઈમ બ્રાન્ચના એસીપી ડી.એસ.ચૌહાણે જણાવ્યું હતું.

ક્રાઈમ બ્રાન્ચના કયા સવાલોમાં ઓએસીસના સંજીવ શાહ અને પ્રીતિ નાયર ભેરવાયા?

• સવાલ ઃ દુષ્કર્મની જાણ ક્યારે થઈ?

• જવાબ ઃ આત્મહત્યા બાદ અમને જાણ થઈ. તો તમે ડાયરી નહોતી વાંચી તો જવાબ અપાયો. વાંચી હતી. તો પછી પોલીસ કે પરિવારને જાણ કેમ ના કરી? આનો યોગ્ય ઉત્તર બંનેમાંથી કોઈ આપી શક્યા ન હતા.

સંસ્થાની દીકરી ઉપર દુષ્કર્મ અને આત્મહત્યા બાદ પીડિતાના પરિવારને સાંત્વના આપવા ગયા હતા? જવાબ - ના. નથી ગયા. તો તમારા ભરોસે કોઈ દીકરી સંસ્થામાં મોકલે એની સાથે આવું થાય તો તમારી ફરજ નથી? આનો પણ પ્રીતિ અને સંજીવ જવાબ નહીં આપતાં પોલીસની શંકા પાક્કી થતાં કડક કાર્યવાહીની તૈયાર થઈ છે.

ઓેએસીસ દ્વારા લોકસત્તા-જનસત્તાને વિનંતીના નામે ગર્ભિત ધમકીનો પત્ર!

અત્રે ઉલ્લેખનીય છે કે, ૨૦ વર્ષ અગાઉ લોકસત્તા-જનસત્તાએ ઓએસીસ સંસ્થાને સંબંધિત પાયાવિહોણા કોઈ જ સમાચાર કયારેય પ્રકાશિત કર્યા જ નથી (સંસ્થાએ પાઠવેલ બિડાણ અન્ય એક સ્થાનિક અખબારનું છે) એટલું જ નહીં, ઓએસીસ દ્વારા દાખલ કરાયેલો કોઈ સિવિલ સુટ અને જયુડિશિયલ મેજિસ્ટ્રેટની કોર્ટમાં દાખલ થયેલા ફોજદારી ગુનાનો કોઈ જ કેસ હાલ ચાલતો જ નથી. (ઓએસીસ આ સમગ્ર આક્ષેપ દ્વારા લોકસત્તા- જનસત્તાની બદનક્ષી નથી કરી રહ્યું? જાે એમ ના હોય તો ઓએસીસ ઉપરોકત આક્ષેપને યથાર્થ ઠેરવતા ઠોસ પુરાવા તત્કાળ લોકો સમક્ષ રજૂ કરે)

પોતાની બદનામીની ચિંતા કરતી સ્વકેન્દ્રી સંસ્થા દ્વારા અખબારી સ્વાતંત્ર્ય પર તરાપ

‘વ્યક્તિત્વ વિકાસ’ અને ‘ચારિત્ર્ય ઘડતર’ના પાઠ ભણાવતા શ્રધ્ધેય ગુરુ અને ‘ઓએસીસ’ના ટ્રસ્ટી સહિતના સંચાલકોની ‘લોકસત્તા-જનસત્તા’ના અહેવાલોને કારણે દુભાયેલી લાગણી અને અહેવાલોમાં સંસ્થાની તથા સંચાલકોની પ્રતિષ્ઠા પર કીચડ ઉછાળતો હોવાની રોષયુક્ત ફરિયાદને ધમકીભર્યા સૂરમાં વ્યક્ત કરતો એક કહેવાતો વિનંતીપત્ર ‘ઓએસીસ’ દ્વારા આજરોજ ‘લોકસત્તા-જનસત્તા’ને પાઠવવામાં આવ્યો છે.

(તા.૧૨ ડિસેમ્બર ૨૦૨૧ દર્શાવતો આ પત્ર બે દિવસ અગાઉ તા.૧૦ ડિસેમ્બર ૨૦૨૧ના રોજ લોકસત્તા જનસત્તા કાર્યાલયમાં રૂબરૂ આપી જવાયો!)આવો પત્ર આવકાર્ય છે, પરંતુ સંસ્થાએ ‘ઓએસીસ’ની બદનક્ષી થયાનું કહેવાની સાથે સાથે પોતે પીડિતાના સમગ્ર કિસ્સામાં કઈ રીતે બિલકુલ દોષી નથી એના પુરાવા બચાવરૂપે રજૂ કરવાની જરૂર હતી. કારણ કે, આ આખો મામલો એક સંસ્થાની બદનક્ષી કરતાં એક જુવાનજાેધ દીકરીના જીવનો હતો. સંસ્થાએ ‘દિકરીના જીવ’ની ચિંતા કે ખેદ આજ સુધી જાહેર મંચ પર વ્યક્ત નથી કર્યો, પરંતુ એમની બદનામીની ચિંતા એ એમની પ્રાથમિકતા છે એમ આ પત્ર પરથી સંસ્થાએ પોતે જ સાબિત કર્યું છે.

‘સંસ્થા’ના સંચાલકો કેટલા ‘સ્વકેન્દ્રી’ અને ‘સ્વાર્થી’ છે તે દર્શાવતા આ પત્રમાં તેમણે તેમની બદનામી થતી હોવાના ‘જાેઈ લેવાની’ ગર્ભિત ધમકી સાથે રોદણાં ગાયાં, પરંતુ તેમની સંસ્થામાં લગભગ અઢી વર્ષ લોહીનું પાણી કરનાર તેમની દીકરી સમાન યુવતી પર દુષ્કર્મ અને કથિત આત્મહત્યા અંગે ખેદ વ્યક્ત કરતો એક અક્ષર સુધ્ધાં આજ સુધી સંસ્થાએ કોઈ સોશિયલ મીડિયા કે અન્ય કોઈપણ મંચ પર ઉચ્ચાર્યો નથી.

એટલું જ નહીં, ‘દુષ્કર્મ’ નથી થયું એવો કહેવાતો ફોરેન્સિક રિપોર્ટ આપતાં અગાઉ એક પણ વાર સંસ્થાએ તેમની દીકરી સમાન યુવતીના દુષ્કર્મીઓને ઝડપી પાડવા કડક પોલીસ કાર્યવાહી કરવા પોલીસતંત્ર કે ગૃહ રાજ્યમંત્રી સમક્ષ વિનંતી કે માગણી સુધ્ધાં ન કરી. સંસ્થાએ દીકરી સમાન યુવતીના અપમૃત્યુ માટે સંસ્થામાં બે મિનિટનું મૌન પાળી તેણીને શ્રદ્ધાંજલિ પણ અર્પી હશે કે કેમ? તે સવાલ તેમના સ્વકેન્દ્રી વર્તનના આધારે હવે સર્વત્ર પૂછાય રહ્યો છે.

આ શ્રધ્ધેયો ‘વાલી’ સમાન હતા તેમણે યુવતીના કુટુંબીજનોને જાતે દિલસોજી સુધ્ધાં પાઠવવાનો પ્રયાસ કર્યો નહીં. માત્ર બે પ્રતિનિધિઓને નવસારી મોકલી તેમની ફરજ પૂરી કર્યાનો વાંઝિયો પ્રયાસ કર્યો. સંસ્થા ભલે તેનો ધર્મ અને ફરજ ચૂકી એક અખબાર તરીકે અમે એવી ગુનાહિત બેદરકારી બતાવી શકીએ નહીં એટલી અમારામાં નૈતિકતા છે. આવો પત્ર લખી સંસ્થા એક સ્વતંત્ર અખબારને ધમકાવવાનો પ્રયત્ન નથી કરી રહી? અને આમ કરીને સંસ્થા પોતે એક અખબારની બદનક્ષી નથી કરી રહી?