વડોદરા : ઉત્સવપ્રિય નગર વડોદરામાં કોરોનાના કહેર વચ્ચે ગણેશ ચતુર્થીથી મોંઘેરુ આતિથ્ય દિવસે વિઘ્નહર્તા શ્રીજી ભક્તોએ ગણપતિ બાપ્પા મોરયા...પુઢચ્યા વર્ષી લવકરયાના જયઘોષ સાથે ગાઇડલાઇન મુજબ ઘરઆંગણે જ મોટુ ટબ, પીપ કે નાનો પોન્ડ બનાવી ઇકોફ્રેન્ડલી વિસર્જન કરીને વિદાય આપી હતી. જાેકે, કોઇ જાહેરનામાનો ભંગ કરીને તળાવોમાં વિસર્જન ન કરે તે માટે તમામ તળાવો પર પોલીસે ચૂસ્ત બંદોબસ્ત ગોઠવ્યો હતો.  

વડોદરામાં ગણેશોત્સવ અને નવરાત્રી પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે. ઉત્સવપ્રિય નગર એવા વડોદરામાં ગણેશોત્સવની તૈયારીઓ વિવિધ મંડળો દ્વારા બે મહિના પહેલાથી જ શરૂ કરી દેવામાં આવે છે પરંતુ આ વર્ષે કોરોનાની મહામારીના કારણે સરકારની ગાઇડલાઇન મુજબ શહેરના તમામ મંડળો દ્વારા ઘરોમાં જ બે ફૂટ સુધીની શ્રીજીની પ્રતિમાની સ્થાપના કરવામાં આવી હતી અને દસ દિવસ ભક્તિ ભાવપૂર્વક મોંઘેરા મહેમાનની ભક્તિ અને પૂજા અર્ચના કરી હતી.

કોવિડ-૧૯ની ગાઇડલાઇન મુજબ વિસર્જન યાત્રા અને નદી, તળાવોમાં વિસર્જન પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. ત્યારે આજે આનંદ ચૌદસના દિવસે સવારથી વિઘ્નહર્તાએ શહેરીજનોની વચ્ચેથી વિદાય લેવાની શરૂઆત કરી હતી. જાેકે, શહેર પોલીસ તંત્રએ કોઇ જાહેરનામાનો ભંગ કરીને તળાવોમાં વસર્જન ન કરે તે માટે સુરસાગર, હરણી, ગોરવા, ગોત્રી, કપૂરાઇ, બાપોદ સહિત તળાવો તેમજ શહેરનાં વિવિધ વિસ્તારોમાં ચૂસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. શહેરના વિવિધ ગણેશ મંડળો દ્વારા ગણપતિ બાપા મોરયા...પૂઢચ્યા વર્ષી લવકરયા ના જયઘોષ સાથે સોસાયટી, પોળોમાંજ ઘર આંગણે મોટુ પીપ, પોન્ડમાં શ્રીજીનુ વિસર્જન કર્યું હતું. ઇલોરાપાર્ક ઇન્દ્રપ્રસ્થ યુવક મંડળ દ્વારા સાદગીપૂર્વક ગણેશોત્સવની ઉજવણી સાથે કોરોના મહામારીમાં આરોગ્યોત્સવની ઉજવણી કરી ૧ લાખ માસ્ક અને ૧૦ લાખ સેનેટાઇઝરની બોટલોનું વિતરણ કર્યું હતું. જ્યારે વિદેશથી મંગાવેલા વિશાળ ફોલ્ડીંગ કુંડમાં પુષ્પવૃષ્ટી સાથે શ્રીજીનું વિસર્જન કર્યું હતું. જ્યારે રાજવી પરિવાર દ્વારા પેલેસ કમ્પાઉન્ડમાં આવેલ કુંડમાં શ્રીજીનું વિસર્જન કર્યું હતું.