વડોદરા, તા.૧૬

ઉત્સવપ્રિય નગરી વડોદરામાં આતિથ્ય માણી રહેલા પ્રથમ પૂજનીય શિવપુત્ર વિઘ્નહર્તા ગણેશોત્સવનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. આજે ગણેશોત્સવના સાતમા દિવસે શહેરના નામાંકિત જૂનીગઢી યુવક મંડળના શ્રીજીના વિસર્જનની સવારી આન-બાન-શાન અને સન્માન સાથે પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે નીકળી હતી. મંડળના સદસ્યોએ કોરોનાની ગાઈડલાઈન મુજબ સાદગીપૂર્વક તેમજ શાંતિપૂરર્ણ જૂજ સભ્યો દ્વારા નવલખી કૃત્રિમ તળાવમાં સંપન્ન કરવામાં આવી હતી.

વડોદરા શહેરમાં ઉત્સવપ્રિય નગરીમાં ગણેશોત્સવની આન-બાન-શાન સાથે અપાર શ્રદ્ધા-ઉત્સાહ અને ઉમંગ સાથે ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે આ ઉત્સવનું કાઉન્ટડાઉન શરૂ થઈ ચૂકયું ત્યારે આજે ઉત્સવના સાતમા દિવસે શહેરના નામાંકિત જૂનીગઢી યુવક મંડળ સહિત અન્ય મંડળોના શ્રીજી વિસર્જન સવારીઓ શહેરના રાજમાર્ગો ઉપર નીકળી હતી. આજે શહેરના જૂનીગઢીના શ્રીજીની વિસર્જનયાત્રા નીકળી હતી. આ યાત્રા ભદ્ર કચેરી, માંડવી, એમ.જી. રોડ, લહેરીપુરા, દાંડિયા બજાર થઈ નવલખી મેદાન ખાતે પહોંચી હતી. જેમાં ભદ્ર કચેરી પાસે આવેલ લીમવાળી મસ્જિદ પાસે તાજિયા કમિટીના અગ્રણી મુસ્લિમ બિરાદરોએ શ્રીજીને પુષ્પમાળા અર્પણ કરી કોમી એકતાના દર્શન કરાવ્યા હતા. જૂનીગઢી યુવક મંડળના પ્રમુખનું સન્માન કરી કોમી એકતા અને ભાઈચારો સંદેશો આપ્યો હતો.જ્યારે મંડળના પ્રમુખ વિક્કી શિંદેએ જણાવ્યું કે, શહેરમાં શ્રીજીની સ્થાપના ૧૯૪૮થી કરવામાં આવે છે અને વરસોની પરંપરા મુજબ અપાર શ્રદ્ધા, ઉમંગ, ઉત્સાહપૂર્વક ગણેશોત્સવની ઉજવણી કરવામાં આવે છે. આજે શહેરમાં સાદગીપૂર્વક નીકળેલી શ્રીજીની યાત્રામાં કોઈ અનિચ્છનીય બનાવ કે કોઈ અસામાજિક તત્ત્વો અટકચાળો ન કરે તે માટે પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો હતો. આ વરસે કોરોનાની મંદ ગતિને લઈને સરકાર દ્વારા કોરોનાની ગાઈડલાઈન મુજબ આપવામાં આવેલી કેટલીક છૂટછાટ તેમજ નીતિનિયમો અનુસાર માત્ર ૧૫-૧૭ વ્યક્તિઓ જ વિસર્જનયાત્રામાં જાેડાયા હતા. જાે આ વિસર્જનયાત્રા રાત્રિના આઠ વાગ્યાની આસપાસ નવલખી મેદાન ખાતે બનાવવામાં આવેલ કૃત્રિમ તળાવમાં આરતી-પૂજન કરી શ્રીજીનું વિસર્જન કરવામાં આવ્યું હતું.