અમદાવાદ-

પેટ્રોલ-ડીઝલની સાથોસાથ સોના-ચાંદીના ભાવ પણ દરરોજ ઉપર-નીચે થઈ રહ્યા છે. પેટ્રોલ-ડીઝલના ભાવ વધ્યા છે તો સોના-ચાંદીના ભાવમાં મોટો ઘટાડો નોંધાયો છે. મંગળવારે ચાંદીના ભાવમાં મોટો ઘટાડો જોવા મળ્યો હતો. ચાંદીની કિંમતમાં નોંધાપાત્ર ઘટાડો નોંધાયો છે. સોમવારે રૂ.60525 પ્રતિ કિલોના સ્તર પર બંધ થયેલ ચાંદી મંગળવારે 461 રૂ.ના ઘટાડા સાથે 60,064 રૂ. પ્રતિકિલોના સ્તર પર ખુલી હતી.

આ ઘટાડો સતત વધતો જોવા મળ્યો હતો. વ્યાપારના શરૂઆતના સમયમાં ચાંદી 59,825ની દિવસની ન્યુનત્તમ સપાટીને સ્પર્શી ગઈ હતી. જ્યારે ચાંદી પોતાની ઓપનિંગ પ્રાઈસના સ્તરને તોડવામાં નિષ્ફળ સાબિત થઈ. એટલે કે એક જ દિવસમાં કિંમત આશરે 700 રૂ. સુધી ઘટી ગઈ હતી. ઘટતી જતી માગને કારણે વેપારીઓએ સોદા કરવાનું ઘટાડી દીધું છે. વાયદા બજારમાં સોમવારે ચાંદીની વાયદા કિંમત રૂ.154ની નુકસાની સાથે રૂ.62,004 પ્રતિ કિલો રહી હતી. જ્યારે મલ્ટિ કોમોડિટી એક્સચેન્જમાં ચાંદી ડિસેમ્બર મહિનામાં રૂ.154 એટલે કે, 0.24%ના ઘટાડા સાથે 62,004 રૂ. પ્રતિકિલો રહી હતી. જેમાં 11945 લોટ માટે વ્યાપાર થયો હતો. વૈશ્વિક સ્તર પર ન્યૂયોર્કમાં ચાંદી 0.43 ટકાની નુકસાની સાથે 24.39 ડૉલર પ્રતિ ઔંસ રહી હતી. દિલ્હીના સર્રાફા બજારમાં સોનાના ભાવમાં સોમવારે રૂ.57ની સામાન્ય તેજી જોવા મળી હતી. રૂ. 49,767 પ્રતિ 10 ગ્રામ પર પર બંધ થયું હતું. HDFC સિક્યુરિટીએ આ જાણકારી આપી હતી. આ પહેલાના વ્યાપાર સત્રમાં સોનાનો ભાવ 49710 રૂ. રહ્યો હતો. જ્યારે ચાંદીની કિંમતમાં રૂ.185નો ઘટાડો થતા 61,351 રૂ. રહી હતી. આ પહેલાના વ્યાપાર સત્રમાં 61563 રૂ. કિંમત રહી હતી. આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાનો ભાવ રૂ.1874 ડૉલર રહ્યો હતો. જ્યારે ચાંદીનો ભાવ 24.22 ડૉલર રહ્યો હતો. HDFC સિક્યુરિટીના જાણીતા નિષ્ણાંત તપન પટેલે કહ્યું કે, આર્થિક વૃદ્ધિ સંબંધી ચિંતાઓ તથા કેનેડા સહિત દુનિયાના અન્ય રાષ્ટ્રમાં નવા લોકડાઉનથી સોનાની કિંમતમાં તેજી જોવા મળી છે. તા.7 ઓગસ્ટ 2020 આ એ દિવસ હતો જ્યારે સોના-ચાંદીએ એક નવો રેકોર્ડ બનાવ્યો હતો. આ બંને ધાતુની કિંમત ઓલ ટાઈમ હાઈ જોવા મળી હતી.