વડોદરા : સંસ્કારીનગરી અને ઉત્સવપ્રિય નગરી વડોદરામાં દરેક તહેવારોની ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે. તેમાંય ગણપતિ ઉત્સવ અને નવરાત્રિ મહોત્સવને વડોદરાની ઓળખ છે. પરંતુ આ વરસે કોરોનાની મહામારીને કારણે વડોદરાના બે મોટા ઉત્સવને કોરોનાનું ગ્રહણ લાગ્યું છે. કોરોનાનું સંક્રમણ ફેલાતું અટકાવવા માટે મંડપ બાંધવા સહિત પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે, ત્યારે આવતીકાલથી ગણેશોત્સવની ઉજવણીનો સાદગીપૂર્વક પ્રારંભ થશે. બુદ્ધિ અને કલાના દેવતા અને વિનાયક, લંબોદર, ગજાનન, ગણપતિ જેવા અનેક નામોથી ઓળખાતા ગણપતિ ઉત્સવની મહારાષ્ટ્ર બાદ ગુજરાતમાં પણ ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે. ઉત્સવપ્રિય નગરી વડોદરાની ગણેશોત્સવ અને નવરાત્રિ એ ઓળખ છે. ત્યારે આ વરસે કોરોનાની મહામારીને કારણે આ બંને મોટા ઉત્સવોને ગ્રહણ લાગ્યું છે. કોરોનાનું સંક્રમણ ફેલાતું અટકાવવા માટે સરકાર દ્વારા જાહેરમાં પંડાલ બાંધી શ્રીજીની પ્રતિમાની સ્થાપના નહીં કરવા તેમજ નદી, તળાવોમાં વિસર્જન પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. 

જાે કે, મોટાભાગના મંડળોએ સાદગીપૂર્વક શ્રીજીની નાની પ્રતિમાની ઘરમાં જ સ્થાપના કરીને ઉજવણી કરવાની તૈયારી કરી છે. આજે કેવડાત્રીજ નિમિત્તે વિવિધ મૂર્તિકારો દ્વારા માટીની આકર્ષક બનાવેલી શ્રીજીની પ્રતિમા મોટાભાગના મંડળો તેમજ જેમના ઘરે શ્રીજી સ્થાપના કરાય છે તે પરિવારજનો સાદગીપૂર્વક લઈ ગયા હતા. આવતીકાલે પૂજા-અર્ચના કરીને શ્રીજીની સ્થાપના કરાશે. બીજી તરફ શ્રીજીની સજાવટ માટે તેમજ મોદક, મીઠાઈ, ફૂલ લેવા માટે બજારોમાં આજે લોકોની ભીડ જાેવા મળી હતી. કલાભવન મેદાન અને પોલોગ્રાઉન્ડ પાસે પણ શ્રીજીની આકર્ષક પ્રતિમા ખરીદવા માટે લોકોની ભીડ જાેવા મળી હતી. આવતીકાલથી ૧૦ દિવસ મોંઘેરા મહેમાન દુંદાળા દેવ એવા ગણેશજીનું આગમન થશે, પરંતુ સાદગીપૂર્વક ઉજવણી કરવામાં આવશે. 

મંડપ બાંધી સોશિયલ ડિસ્ટન્સ સાથે ગણેશોત્સવ ઉજવવા પરવાનગી આપવા માગ

કોરોના વાઈરસને કારણે સરકાર દ્વારા સંપૂર્ણ ઓગસ્ટ મહિનામાં કોઈપણ ધાર્મિક તહેવારો જાહેરમાં ઉજવવા પર પ્રતિબંધ મુકેલ છે. આવતીકાલે ગણેશ ચતુર્થીના દિવસે ગણેશ સ્થાપનાનો તહેવાર છે. હિન્દુઓ પોતાની આસ્થાથી ગણેશજીનું સ્થાપન પોતાના મહોલ્લા, શેરી, સોસાયટી કે જાહેર સ્થળોએ કરે છે. ગણેશજીની પૂજા કરી લગ્નગ્રંથિથી જાેડાતા યુગલ માટે પ૦ લોકોની પરવાનગી આપતી હોય તો ગણેશજીની સ્થાપના કરી મંડળના ૧૫ લોકોને પણ તહેવાર ઉજવવા માટે પરવાનગી આપવી જાેઈએ. વરસોથી આ તહેવારની ધામધૂમથી ઉજવણી થતી રહે છે પરંતુ આ વરસે કોરોના વાઈરસને કારણે વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા નાનો મંડપ બાંધી તેમાં ગણેશજીની નાની મૂર્તિની સ્થાપના કરવામાં આવે. મંડપની આજુબાજુ સોશિયલ ડિસ્ટન્સ રાખી ઉજવવાની પરવાનગી આપવામાં આવે તેવી માગણી કરી છે.

શ્રીજી કે તાજિયાની જાહેરમાં સ્થાપના કરનાર સામે ગુનો નોંધાશે

વડોદરા : શહેરમાં આવતીકાલથી ગણેશોત્સવનો પ્રારંભ થઈ રહ્યો છે પરંતું પોલીસતંત્ર દ્વારા ગણેશજીની તેમજ ત્યારબાદ આવનારા મહોરમ પર્વે તાજિયાની જાહેરસ્થળોએ સ્થાપના કરનાર મંડળો અને કાર્યકરો સામે ગુનો નોંધવાની આજે જાહેરમાર્ગો પર માઈક પર ચિમકી આપી હતી. આ ઉપરાંત પોલીસે કેટલાક સ્થળોએ દુકાનો જેવી બંધ જગ્યામાં પણ શ્રીજી સ્થાપના કરવાની છુટ નહી આપતા શ્રીજી મંડળોના કાર્યકરોમાં પોલીસની અક્કડ નિતી સામે રોષ ફેલાયો છે.