વડોદરા

વર્ષ ૨૦૨૦નો છેલ્લો તહેવાર એવા ક્રિસમસને પણ કોરોનાનું ગ્રહણ નડયું છે. ક્રિસમસ પર્વે શહેરના ફતેગંજ રોઝરી સ્કૂલ, કોન્વેન્ટ સ્કૂલ પાસે આવેલા વ્હાઈટ ચર્ચ સહિત કેટલાક ચર્ચમાં સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે ગણતરીના લોકોની ઉપસ્થિતિમાં વિશેષ પ્રાર્થનાસભા યોજાઈ હતી. પ્રાર્થનાસભા બાદ ખ્રિસ્તી ભાઈ-બહેનોએ એકબીજાને ક્રિસમસની શુભેચ્છા પાઠવી હતી. આમ ક્રિસમસ પર્વની સાદગીપૂર્વક ઉજવણી કરવામાં

આવી હતી.કોરોનાના કારણે માર્ચ મહિનાથી તમામ તહેવારોની સાદગીપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. વર્ષ ૨૦૨૦નો છેલ્લો તહેવાર એવા ક્રિસમસ પર્વની વડોદરા રહેતા ખ્રિસ્તી સમાજના લોકોએ સાદગીપૂર્વક ઉજવણી કરી હતી. શહેરના ફતેગંજ સ્થિત ઐતિહાસિક રેડ ચર્ચ સહિત મોટાભાગના દેવળોમાં ક્રિસમસ નિમિત્તે ભજન સેવા, ગીત-સંગીત, પ્રાર્થના સંગીતની ઉજવણી, દર્શન મુલાકાત વગેરે બંધ રાખવામાં આવ્યા હતા.

જ્યારે ફતેગંજ રોઝરી સ્કૂલ સ્થિત અને ફતેગંજ કોન્વેન્ટ સ્કૂલ ખાતે આવેલ સીએનઆઈ ચર્ચ ખાતે સોશિયલ ડિન્સન્સિંગ તેમજ રજિસ્ટ્રેશન બાદ જૂજ ભક્તોની ઉપસ્થિતિમાં ક્રિસમસની વિશેષ પ્રાર્થનાસભા યોજાઈ હતી. સવારે અને સાંજે પ્રાર્થનાસભા બાદ ખ્રિસ્તી ભાઈ-બહેનોએ એકબીજાને નાતાલ પર્વની શુભેચ્છા પાઠવી હતી. રોઝરી સ્કૂલ ખાતે આવેલ ચર્ચમાાં રજિસ્ટ્રેશન બાદ અલગ અલગ સમય દરેકને આપવામાં આવ્યો હતો, જે મુજબ ખ્રિસ્તી ભાઈ-બહેનો ચર્ચમાં ઉપસ્થિત રહ્યા હતા અને પ્રાર્થના કરી હતી. અન્ય ભક્તો માટે ઓનલાઈન દર્શન અને પ્રાર્થનાસભામાં ઉપસ્થિત રહેવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. કોરોનાના કારણે કેટલાક દેવળોમાં સમૂહ પ્રાર્થના, વોચ નાઈટ સર્વિસ, સેન્ય પરેડ, ઘરે-ઘરે જઈને કેરલ સિગિંગ, કેન્ડલલાઈટ રેલી, ખ્રિસ્તી ગરબા વગેરેના કાર્યક્રમો રદ કરવામાં આવ્યા હતા.