વડોદરા-

રાજ્યમાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા દિન-પ્રતિદિન વધારો થઈ રહ્યો છે. ત્યારે હવે સુરત બાદ વડોદરામાં પણ કોરોના પોઝિટિવ કેસો વધી રહ્યા છે. વડોદરાની સેન્ટ્રલ જેલમાં સજા કાપી રહેલા 18 કેદીનો રિપોર્ટ પોઝિટિવ આવતા તંત્રમાં ફફડાટ ફેલાયો છે.

વડોદરાની સેન્ટ્રલ જેલમાં કોરોના બ્લાસ્ટ થયો છે. એક સાથે 18 કેદીનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવતા તંત્ર દોડતું થઇ ગયું છે. વડોદરા સેન્ટ્રલ જેલમાં સજા ભોગવી રહેલા 17 પાકા કામના કેદી અને 1 કાચા કામના કેદીમાં કોરોનાના લક્ષણો જણાતા તેનો કોરોનાનો ટેસ્ટ કરવામાં આવ્યો હતો. ટેસ્ટનો રિપોર્ટ પોઝિટિવ આવતા તમામ કેદીઓને સારવાર માટે વડોદરાની SSG હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. તો બીજી તરફ 18 કેદીઓના સંપર્કમાં આવેલા અન્ય કેદીઓ અને પોલીસકર્મીઓને આરોગ્ય તંત્ર દ્વારા કોરોન્ટાઇન કરવામાં આવ્યા છે અને જેલને સેનિટાઇઝ કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. અન્ય શહેરોની સરખામણીમાં હવે વડોદરામાં પણ કોરોના પોઝિટિવ કેસોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે.