શિનોર/વડોદરા, તા.૨૨

શિનોર તાલુકાના સાધલી ગામમાં રહેતા ઈકબાલભાઈ સિંધી અને તેનો ભાઈ બસીર સિંધી બપોરે લગભગ ૧૧ વાગ્યાની આસપાસ બજારમાં શાકભાજી ખરીદ કરવા ગયા હતા. બંને ભાઈઓ શાકભાજી ખરીદ કરી રહ્યા હતા. તે વખતે મોટરસાઈકલ પર મારક હથિયારો સાથે ધસી આવેલા ત્રણથી ચાર શખ્સો સિંધી બંધુઓ ઉપર તૂટી પડયા હતા. હુમલાખોરોએ ડાંગ અને ધારિયા વડે ઈકબાલ અને બસીર પર જીવલેણ હુમલો કરતાં બંને ભાઈઓ જમીન પર પટકાયા હતા. બપોરના એકાએક બનેલા આ હિચકારા હુમલાના બનાવથી ગ્રામજનોમાં નાસભાગ મચી ગઈ હતી. સાધલી પોલીસ ચોકીથી ૧૦૦ મીટરના અંતરે ખેલાયેલા ખૂની ખેલમાં લોકટોળા એકત્રિત થતાં હુમલાખોરો મોટરસાઈકલ પર બેસી નાસી ગયા હતા. બનાવ અંગેની જાણ પોલીસને થતાં શિનોર પોલીસ મથકના પીએસઆઈ વી.એસ.ગાવિત તેમના સ્ટાફ સાથે ઘટનાસ્થળે દોડી ગયા હતા. અને બનાવ સ્થળે લોહીલુહાણ હાલતમાં બંને સિંધી બંધુઓને તાત્કાલિક સારવાર માટે વડોદરાની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા. આ હિચકારા હુમલા બાદ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસે લોકોને વિખેરીને ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવાનીફરજ પડી હતી. પ્રાથમિક તપાસમાં હુમલાખોરો અને ઈજાગ્રસ્ત ઈકબાલ અલીભાઈ સિંધી અને બસીર અલીભાઈ સિંધી એક જ સમાજના છે. અગાઉ પણ આ બંનેએ સામ-સામી ફરિયાદ શિનોર પોલીસ મથકે નોંધાવી હતી. અગાઉ હુમલાખોરો પર હાલના ઈજાગ્રસ્ત સિંધી બંધુઓએ હુમલો કરેલ હતો જેથી જૂની અદાવતને લઈને આજે ત્રણથી ચાર હુમલાખોરોએ બંને ભાઈઓ પર જીવલેણ હુમલો કર્યો હોઈ શિનોર પોલીસે ચાર જેટલા હુમલાખોરો સામે હત્યાની કોશિશ સહિતની કલમો હેઠળ ગુનો નોંધીને તેમની ધરપકડના ચક્રો ગતિમાન કર્યાં છે.