વડોદરા : પોલીસ કર્મચારીના સગા સાથે ભાગીદારીમાં થયેલા નાણાકીય વિવાદમાં જે વ્યક્તિ વિરુદ્ધ ફતેગંજ પોલીસમથકે અરજી કરવામાં આવી હતી. તેણે અરજીની તપાસ કરી રહેલા પી.એસ.આઈ ટાપરીયા દ્વારા કરવામાં આવેલ સતત હેરાનગતિ અને દબાણથી કંટાળીને છેવટે પી.એસ.આઈ ને જ મેસેજ કરીને ગુનો દાખલ કરી દેવાનું કહીને લિગલી કેસ લડી લેવાની તૈયારી દર્શાવી હતી. વેપારી દ્વારા કરવામાં આવેલા મેસેજ બાદ પી.એસ.આઈ ટાપરીયાએ તેમનો નંબર બ્લોક કરી દીધો હતો અને આજે ૨૩ દિવસનો સમય વીતી ગયો હોવા છતાં હજુ સુધી ફતેગંજ પોલીસમથકે આ અંગે ગુનો નોંધાયો નથી. 

શેખ બાબુના કસ્ટોડિયલ ડેથ સહિતના અનેક વિવાદોમાં સપડાતું આવતું ફતેગંજ પોલીસમથક વિવાદોથી દૂર રહી ન શકતું હોય એમ લાગી રહ્યું છે. ફતેગંજ પોલીસમથકમાં ફરજ બજાવતા પી.એસ.આઈ નરેશ ટાપરિયા રિફાઇનરી રોડ પર આવેલ ઇશાનિયા ફ્લોરેન્સ ટાઉનશીપમાં રહેતા ખાતરના વેપારી મિતુલભાઈ દોશી વિરુદ્ધ તેમના જ મિત્ર અને ભાગીદાર જીતેન્દ્ર પરમાર દ્વારા કરવામાં આવેલ ૨૨ લાખ જેટલી રકમની છેતરપિંડીની તપાસ કરી રહ્યા છે. નિષ્પક્ષ તપાસ કરવાની જગ્યાએ પી.એસ.આઈ ટાપરિયા જીતેન્દ્રભાઈના ઉઘરાણી ક્લાર્ક બનીને મિતુલભાઈ દોશીને ખોટી રીતે પૈસા આપવા માટે સતત દબાણ કરતા હોવાનું અને ટેલિફોનિક તેમજ રૂબરૂમાં મળીને માર મારવાની અને ઇલેક્ટ્રિક શોક આપવાની ધમકીઓ આપતા હોવા અંગે તેમણે પોલીસ કમિશ્નરને ફરિયાદ પણ કરી હતી.

અરજીની તપાસ દરમ્યાન પી.એસ.આઈ ટાપરિયા દ્વારા મિતુલભાઈને પૈસા આપી દેવા બાબતે ફોન કરીને સતત દબાણ કરવામાં આવતા ગત ૧૧ સપ્ટેમ્બરના સાંજે ૫ઃ૫૪ કલાકે કંટાળીને મિતુલભાઈએ પી.એસ.આઈ ટાપરિયાને વોટ્‌સએપ પર એક મેસેજ કર્યો હતો. આ મેસેજમાં તેઓ પોતે નિર્દોષ હોવાનું જણાવીને પોલીસ દ્વારા મદદ મળવાની જગ્યાએ પૈસા ભરવા માટે પ્રેશર આપવામાં આવતું હોવાના આક્ષેપો કરવામાં આવ્યા હતા. આ સાથે તેમણે પી.એસ.આઈ ટાપરિયાને પોતાના વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરવાનું પણ જણાવ્યું હતું અને કોર્ટમાં લીગલી કેસ લડી લેવાની તૈયારી દર્શાવી હતી. પોતે નિર્દોષ હોવાની ચોકસાઈ ધરાવતા મિતુલભાઈએ આ મેસેજ કર્યાના ગણતરીના સમયમાં પી.એસ.આઈ ટાપરિયાએ તેમને બ્લોક કરી દીધા હતા અને મેસેજ કર્યાને આજે ૨૩ દિવસ વીતી ગયા હોવા છતાં ના તો પી.એસ.આઈ ટાપરિયા તરફથી તેમને ફોન કરવામાં આવ્યો છે, ના તો ફતેગંજ પોલીસમથકે તેમના વિરુદ્ધ ગુનો નોંધાયો છે. પી.એસ.આઈ ટાપરીયાના જણાવ્યા પ્રમાણે, મિતુલભાઈ દોશી આ ઘટનામાં વાંકમાં હોય તેવા મોટાભાગના પુરાવાઓ તેમની પાસે છે. તેમ છતાં પણ હજુ સુધી તેઓ વિરુદ્ધ ગુનો કેમ નથી નોંધાયો? તે પણ તપાસનો વિષય બન્યો છે.

-તો પોલીસે આ વખતે ખુલાસો કેમ ન કર્યો?

થોડા દિવસ અગાઉ ફતેગંજ પોલીસમથકે પોતાની ગુમ થયેલી દીકરીને શોધવા માટે આવેલ પિતા-પુત્રને પી.એસ.આઈ ટાપરીયા દ્વારા તેમના વિરુદ્ધ થયેલી અન્ય અરજીમાં ખોટી રીતે ફસાવવાની ધાક-ધમકી આપીને માર માર્યો હોવાની ફરિયાદ પોલીસ કમિશ્નરને કરવામાં આવી હતી. આ અરજી સંદર્ભે અહેવાલો પ્રસિદ્ધ થતા ફતેગંજ પોલીસ મથક દ્વારા ખુલાસો કરીને પિતા-પુત્ર દ્વારા તેમના વિરુદ્ધ થયેલી અન્ય અરજીની તપાસ સાથે ચેડાં કરવા માટે આ પગલું ભર્યું હોવાનો ખુલાસો કરવામાં આવ્યો હતો. આ ઘટના બાબતે ફતેગંજ પોલીસ મથકના પી.આઈ વી.આર ખેર ખુદ એવું કહી રહ્યા છે કે મિતુલભાઈ દ્વારા કરવામાં આવેલી અરજી અગાઉ નટુભાઈ દ્વારા કરવામાં આવેલ અરજીની જેમ સાવ ખોટી જ છે. તેમને પૈસા ન ચૂકવવા હોવાથી તપાસને છંછેડવા માટે તેઓ આમ કરી રહ્યા છે. તો આ વખતે ફતેગંજ પોલીસ મથક દ્વારા કોઈ ખુલાસો કેમ ન કરવામાં આવ્યો? ચોંકાવનારી વાત એ છે કે જો માત્ર એક જ મહિનામાં આ રીતે બે વખત કોઈ પોલીસ તપાસને ગેરમાર્ગે દોરવા માટે ‘ખોટી’ અરજીઓ કરતુ હોય તો પોલીસ આ પ્રકારના લોકો વિરુદ્ધ પણ કેમ પગલાં નથી લેતી?

તમામ આક્ષેપો ખોટા છે! મિતુલભાઈ વિરુદ્ધ તેમના જ મિત્ર અને ભાગીદાર જીતેન્દ્રભાઈ પરમાર દ્વારા ૨૨ લાખની છેતરપિંડી કરાઈ હોવાની અરજી આવી હતી. જેની હું તપાસ કરી રહ્યો છું. અત્યાર સુધી તેઓ એકપણ વખત મળવા માટે પોલીસ સ્ટેશન પણ આવ્યા ન હતા. તેમણે કરેલા મેસેજમાં તેઓ નિર્દોષ હોવાની અને એક રૂપિયો પણ ન ચૂકવવાનો થતો હોવાનું જણાવી રહ્યા હતા, તો પછી તેમણે ફરિયાદીને ચેક લખીને શા માટે આપ્યા હતા? તેથી વધુ પૈસાની ચુકવણી માટે જો તેમના પૈસા ક્યાંય અટવાયા હોય તો તે માટે પણ મદદ કરવાની તૈયારી દર્શાવી હતી. અરજી મને મળ્યા બાદથી તપાસ દરમ્યાન મળેલા પૂરાવાઓ તેમના જ વિરુદ્ધ હોય તેમ જણાઈ રહ્યું છે. જો મેં તેઓને ઇલેક્ટ્રિક શોક આપવાની વાત કરી હોય કે પછી તેમના ઘરે પીસીઆર વાન મોકલી હોય, તો પુરાવાઓ સાથે તેઓ મારી વિરુદ્ધ ફરિયાદ કરી શકે છે. - પી.એસ.આઈ એન.યુ ટાપરીયા