અરવલ્લી, સાબરકાંઠા : અરવલ્લી-સાબરકાંઠા જિલ્લામાં કોરોનાનું સંક્રમણ રોકેટ ગતિએ વધી રહ્યું છે. બંને જિલ્લામાં રેપિડ ટેસ્ટમાં અનેક લોકોમાં શંકાસ્પદ કોરોનાના લક્ષણો જોવા મળી રહ્યા છે. તંત્ર હળવા લક્ષણો ધરાવતા દર્દીઓને હોમ આઈસોલેટ કરી રહી છે. જિલ્લા આરોગ્ય તંત્રેએ મોડાસાની યુજીવીસીએલ કચેરીમાં ફરજ બજાવતા ૧૫૦ કર્મચારીઓનું રેપિડ કીટથી કોરોના ટેસ્ટિંગ હાથ ધરવામાં આવ્યું છે. જેમાં એક કર્મચારીમાં શંકાસ્પદ કોરોનાના લક્ષણો જોવા મળતા આરોગ્ય તંત્રેએ કર્મચારીનો બીજીવાર કોરોનાનો ટેસ્ટ કરવા અને આઈસોલેટ કરવામાં આવ્યો. યુજીવીસીએલ કચેરીમાં રોજ અસંખ્ય લોકો મુલાકાત લેતા હોવાથી કોરોનાનું સંક્રમણ ફેલાય નહિ તે માટે કર્મચારીઓનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો. ગુરુવારે અરવલ્લી જિલ્લામાં વધુ ૬ કેસ નોંધાતા કોરોનાનો આંક ૪૫૨ની ઉપર પહોંચ્યો છે. અત્યાર સુધી ૫૦થી વધુ લોકોને કોરોના ભરખી ગયો છે. હિંમતનગરના સિવિલ સર્કલ નજીક આવેલી સ્ટેટ બેંકની મુખ્ય શાખામાં બુધવારે છ કર્મચારી કોરોના પોઝિટિવ આવતા મુખ્ય શાખાનું કામ થંભાવી દેવામાં આવ્યું છે. કોરોના પોઝિટીવ આવેલા કર્મચારીઓના રેપીડ ટેસ્ટ કરાયા બાદ જે ચિત્ર સામે આવ્યું છે તેના લીધે અન્ય કર્મચારીઓમાં ભય ફેલાયો છે. એક માસ અગાઉ પણ હિંમતનગરની આ શાખામાં કોરોના પોઝિટિવના કેસ આવતા બેંકનું કામ બંધ કરી દેવામાં આવ્યુ હતું. હિંમતનગરના સિવિલ સર્કલ નજીક આવેલી સ્ટેટ બેંકની વડીશાખામાં કામ કરતા છ કર્મચારીઓ કોરોનામાં સપડાયા છે. જે અંગે બુધવારે કર્મચારીઓના કરાયેલા રેપીડ ટેસ્ટ બાદ બેંકના ઉચ્ચ અધિકારીઓ ધ્વારા કામકાજ રોકી દેવામાં આવ્યું હતું. જોકે ખાતેદારોને મુશ્કેલી ન પડે તે માટે શહેરમાં આવેલી સ્ટેટ બેંકની અન્ય શાખાઓમાં કામ રાબેતા મુજબ ચાલુ રહેશે. મોતીપુરા તથા વડાલી શાખામાં પણ કોરોના પોઝિટિવના કેસ પ્રકાશમાં આવ્યા છે.