ડભોઇ, છોટાઉદેપુર, બોડેલી, પાદરા, પાવીજેતુપર,  વાઘોડિયા, તા.૧૦ 

ડભોઇ ઃ ઉપરવાસ માં વધારે વરસાદ ને પગલે ઢાઢર નદી માં પાણી આવ્યા છે. જેને પગલે ડભોઇ તાલુકાના ૪ ગામો ને ઢાઢર ના પાણી ની અસર થઈ છે. ત્યારે રોડ રસ્તા ઉપર પાણી ફરી વળ્યા છે. ઢાઢર નદી બે કાંઠે વહી રહી છે. આ ઢાઢર નદી ના પાણી ડભોઇ તાલુકાનાં કબીરપૂરા, અમરેશ્વર, લુણાદારા, અને બંબોજ સહિત ના ગામો ને અસર કરી રહ્યા છે. ચાર ગામો માં ઢાઢર નદી ના પાણી રોડ ઉપર ફરી વડતા ગ્રામજનો ને ભારે હાલાકી નો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે આ ગામોમાં ઢાઢર નદી ના પાણી ખેતરો માં આવી જતા ખેડૂતો ને ભારે નુકશાન ની ભીતી સેવાઇ રહી છે.

છોટાઉદેપુર ઃ છોટાઉદેપુર પંથકમાં ગત સાંજ થી ચાલુ થયેલા વરસાદે સમગ્ર જિલ્લામાં ઠંડક પ્રસરાવી દીધી હતી આખી રાત દરમ્યાન વરસાદ વરસતા ઓરસંગ નદીમાં બે કાંઠે પાણી આવ્યા હતા. ઓરસંગ નદીમાં પાણી આવતા છોટાઉદેપુર જિલ્લાના જોજવા અને હેરણ ડેમ ઓવરફલો થયો હતો, જિલ્લાના તમામ ડેમ ઓવરફ્લો થતા આહલાદક દ્રશ્યો સર્જાયા હતા. મોટી સઢલીની સુકત નદીમાં પાણી આવતા ગ્રામજનો મુશ્કેલીમાં મુકાયા હતા અને નદીમાં પાણી હોવાથી અવરજવર ઉપર અસર પડી હતી. છોટાઉદેપુર જીલ્લામાં રાત્રે પડેલા ધોધમાર વરસાદને પગલે હેરણ નદી બે કાંઠે વહી રહી છે. હેરણ નદીમાં પાણી આવતા રાજવાસણા ડેમ ઓવરફ્લો થયો છે. રાજવાસણા ડેમ ઓવરફ્લો થતાં આહલાદક દ્રશ્યો સર્જાયા છે.ઓરસંગમાં પાણી આવતા રેતીની લીઝો બંધ થઇ ગઇ છે.ઉપરવાસમાં ભારે વરસાદને પગલે નવસાડીની અશ્વિન નદીમાં પહેલીવાર નવા નીર આવ્યા છે. જેને પગલે અશ્વિન નદી હાલ બે કાંઠે વહી રહી છે.

બોડેલી ઃ બોડેલી તાલુકા સહિત આસપાસના વિસ્તારમાં રાત્રી દરમિયાન મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરતા જિલ્લાની જીવાદોરી સમાન હેરણ,ઓરસંગ નદીમાં આજે વહેલી સવારે બંને કાંઠે પાણી આવ્યું હતું ગતરાત્રીએ બોડેલી તાલુકામાં ૩ ઇંચથી વધુ વરસાદ ખાબક્યો હતો મેઘરાજાએ જોરદાર બેટિંગ કરતા પંથકના ખેડૂતો છેલ્લા કેટલાક દિવસથી વરસાદની આતુરતાપૂર્વક રાહ જોતા હતા તેનો અંત આવતા તેઓ ખુશખુશાલ જોવા મળ્યા હતા. બોડેલી નજીક આવેલ ઓરસંગ નદીના પુલ પર તેમજ ઢોકલીયા ચાર રસ્તા પાસે મસ્ત મોટા ખાડા પડ્યા હતા.

પાદરા ઃ પાદરા-વડુ પંથકમાં રવિવાર મોડી રાત્રે પાંચ ઇંચ વરસાદ ખાબકતાં પાદરા સહિત તાલુકાના વિવિધ માર્ગો પર પાણી ફરી વળ્યું હતું. આના કારણે આ વિસ્તારોમાં વ્યાપક નુકસાન થયું હોવાનું જાણવા મળે છે. પાદરા-વડુ પંથકમાં રવિવાર મોડી રાતથી વરસાદ વરસવાનું ચાલુ રહતાં કુલ પાંચ ઇંચ વરસાદ નોંધાયો હતો.

પાવી જેતપુર ઃ પાવીજેતપુર તાલુકામાં છેલ્લા ૨૪ કલાકમાં સાડા ત્રણ ઇંચ જેટલો વરસાદ ખાબકતા નદી, નાળા, કોતરોમાં પાણી આવી જતા ખેડૂતોમાં આનંદની લહેર પ્રસરી જવા પામી છે. સુખી ડેમ નું લેવલ ૧૪૩.૪૫ થવા પામ્યું છે. છેલ્લા કેટલા સમયથી પાવીજેતપુર પંથકમાં ધીમો ધીમો વરસાદ ચાલી રહ્યો હતો પરંતુ ગત રાત્રિએ ૮૩ એમ.એમ. જેટલો વરસાદ ખાબકયો ૨૪ કલાકમાં ૯૧ એમ.એમ. એટલે કે લગભગ સાડા ત્રણ ઇંચ જેટલો વરસાદ પડતાં નદી, નાળા, કોતરોમાં પાણી વહેવા લાગતા ધરતીપુત્રો ખુશખુશાલ થઇ જવા પામ્યો છે.

વાઘોડિયા ઃ વરસાદી સર્ક્યુલેશનને કારણે વાઘોડિયા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં મેઘ મહેર જોવા મળી છે રાત્રે વીજળીના કડાકા-ભડાકા સાથે અઢી ઈંચ પડેલા વરસાદે વાઘોડિયાના ગ્રામ્ય વિસ્તારને પાણી થી તરબોળ કરી દીધું છે. ઉપરવાસમાં વરસેલા વરસાદના પગલે વાઘોડિયાના ખંઘા પાસે પસાર થતી જાંમ્બુઆ નદી બે કાંઠે વહેતી થઈ હતી. ઘસમસતા પાણી કોતરો છલકાવી ખેતરોમાંથી જાહેરમાર્ગપર પોતાનો માર્ગ બનાવી વહેતા રોડ નદિમા ફેરવાયો હતો. જેના કારણે વાહન ચાલાકોને ભારે હાલાંકી ભોગવવી પડી હતી. નાન મોટા વાહનો પાણીના વહેણથી ખોટકાઈ ગયા હતા. ખંઘા જામ્બુઆ બ્રિજ બનાવ્યો હોવા છતાં પાણીએ પોતાનો નવો માર્ગ બનાવી રોડપર વહેતા થતા નોકરીઆતો નોકરીએ જઈ શક્યા ન હતાં. વ્યારા દેવનદીમાં નવાનીરની આવકમા વધારો જોવા મડ્યો.ઊપરવાસમા પડેલા વરસાદના પગલે કોઝવે પર પાણી ફરી વળ્યા હતા.