સ્કાય ડાઈવર બોમગાર્ટનરનું પેરા ગ્લાઈડિંગ અકસ્માતમાં મોત
19, જુલાઈ 2025 ઈટાલી   |   2277   |  

અંતરિક્ષ’માંથી પણ કૂદકો મારી ચૂક્યો હતો

ઓસ્ટ્રિયાના પ્રોફેશનલ જમ્પર ફેલિક્સ બોમગાર્ટનરનું 17 જાન્યુઆરીના રોજ ઇટાલીમાં એક પેરાગ્લાઈડિંગ દુર્ઘટનામાં નિધન થયું છે. તેની ઉંમર 56 વર્ષ હતી. ઇટાલીના પોર્ટો સેન્ટ'એલ્પિડિયોમાં ઉડાન ભરતી વખતે તેણે તેના મોટરાઇઝ્ડ પેરાગ્લાઇડર પરથી નિયંત્રણ ગુમાવ્યું હતું. આ દરમિયાન તે એક હોટેલના સ્વિમિંગ પૂલ પાસે જમીન પર પટકાયો હતો, જેમાં તેનું નિધન થયું હતું.

ફેલિક્સ બોમગાર્ટનરે 2012માં ખૂબ ઊંચાઈએથી બલૂન દ્વારા જમીન પર કૂદકો માર્યો હતો. આવું કરનારો તે વિશ્વનો પહેલો સ્કાયડાઇવર હતો. બોમગાર્ટનરે 16 વર્ષની ઉંમરે જ બેઝ જમ્પિંગ, પેરા જમ્પિંગ અને સ્કાય ડાઇવિંગ શરૂ કર્યું હતું.

પોર્ટો સેન્ટ’એલ્પિડિયોના મેયર માસિમિલિયાનો સિયારપેલાએ કહ્યું કે 'ફેલિક્સને ઉડાન દરમિયાન અચાનક કોઈ આરોગ્યની સમસ્યા થઈ હશે, જેના કારણે તેણે નિયંત્રણ ગુમાવી દીધું હોવાથી આ દુર્ઘટના ઘટી.’

આ દરમિયાન મેયરે આખા શહેર વતી ફેલિક્સના મૃત્યુ પર શોક વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું કે ‘ફેલિક્સના અવસાનથી આખું શહેર દુઃખી છે. જો કે, હજુ સુધી દુર્ઘટનાના સ્પષ્ટ કારણોની પુષ્ટિ થઈ શકી નથી.'

ઓક્ટોબર 2012માં ઓસ્ટ્રિયાના પેરા જમ્પર ફેલિક્સ બોમગાર્ટનરે ખાસ પ્રકારનો સ્પેસ સૂટ પહેરીને પૃથ્વીથી 24 માઇલ (38 કિમી)ની ઊંચાઈએથી બલૂન દ્વારા કૂદકો મારીને વિશ્વ વિક્રમ રચ્યો હતો. આવું કરનારો તે દુનિયાનો પહેલો સ્કાય ડાઇવર છે. આ દરમિયાન તે ધ્વનિની ગતિ કરતાં પણ વધુ ગતિથી પૃથ્વી તરફ આવ્યો હતો. આ ગતિ સામાન્ય રીતે પ્રતિ કલાક 690 માઇલથી વધુ હોય છે. આ છલાંગ તેણે 14 ઓક્ટોબર, 2012ના રોજ લગાવી હતી. અગાઉ 65 વર્ષ પહેલા 14 ઓક્ટોબર 1947ના રોજ, અમેરિકન પાઇલટ ચક યેજરે પહેલી વાર ધ્વનિની ગતિને હરાવી હતી.


© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution