વડોદરા 

વડોદરા મહાનગર પાલિકા દ્વારા પ્રતિવર્ષ ચોમાસા દરમિયાન વૃક્ષારોપણ પછીથી વૃક્ષોની જાળવણીને માટે પીંજારા બનાવવામાં આવે છે.આ ટ્રી ગાર્ડ ખરીદવા પાછળ પાલિકા દ્વારા છેલ્લા પાંચ વર્ષમાં પોણા ત્રણ કરોડના ખર્ચે ૪૭૫૪૪ નંગ ટ્રી ગાર્ડ ખરીદ્યા છે.જે પૈકી ૨૦૧૫-૧૬થી ૨૦૧૯-૨૦ સુધીના પાંચ વર્ષમાં વર્ષ ૨૦૧૭-૧૮માં સૌથી વધુ ટ્રી ગાર્ડ ૧૧૮૨૪ નંગ રૂપિયા ૭૫,૫૫,૫૩૬ના ખર્ચે ખરીદાયા છે.

ચાલુ વર્ષે ૨૦૨૦માં રૂપિયા ૭૫૦ પ્રતિ નંગના ભાવે રૂપિયા ૫૫,૦૦,૦૦૦ના ખર્ચે ૬૬૬૭ ટ્રી ગાર્ડ ખરીદ્યા છે.પાલિકા દ્વારા પ્રતિ વર્ષ સરેરાશ સાત હજારથી વધુ ટ્રી ગાર્ડ ખરીદવામાં આવે છે.જેની પાછળ લાખ્ખો રૂપિયાનો ધુમાડો થાય છે.આ ધુમાડો બંધ કરીને નવા ટ્રી ગાર્ડની ખરીદી રોકીને અગાઉના વર્ષોમાં લગાવેલ ટ્રી ગાર્ડને પાછા મેળવીને તેનો ફરીથી ઉપયોગ કરીને નાણાં બચાવવાની રજૂઆત આરટીઆઈ એક્ટિવિસ્ટ અંબાલાલ પરમારે કરી છે.આ કામગીરી ટિમ આરટીઆઈને સોંપવામાં આવે તો તેઓ કરવાને માટે તૈયાર હોવાનું પણ જણાવ્યું છે.આ માટે ટિમ આરટીઆઈના પ્રમુખ અંબાલાલ પરમાર અને ઉપપ્રમુખ મોન્ટુ માલિકની આગેવાનીમાં પાલિકામાં રજૂઆત કરવામાં આવી છે.આમ કરવાથી પાલિકાને પ્રતિવર્ષ લાખો રૂપિયાનો ખર્ચ બચી જશે એવો દાવો કરાયો છે.