વડોદરા : ડોક્ટર સાથે ભાગીદારીમાં જીમ શરૂ કરવાના બહાને ડોક્ટર પાસે નાણાંનું રોકાણ કરાવ્યા બાદ ડોક્ટરની જાણ બહાર તેમના નામે લોન લઈને કરોડો રૂપિયાની ઠગાઈમાં સંડોવાયેલા એલાઈવ્ઝ જીમના સંચાલક કૈલાશ જાધવે માત્ર ડોક્ટર જ નહી પરંતું સાવ ગરીબ એવા જીમના વોચમેનને પણ પગાર માટે ટટળાવી તેનો ચાર મહિનાનો પગાર બાકી રાખી ફરાર થતા વોચમેનને નાણાંના અભાવે વતનમાં જતા રહેવાની ફરજ પડી હતી. 

શહેરમાં રહેતા ડો. દેવાંગ શાહે તેમની સાથે ભાગીદારીમાં વ્યવસાય કરવાના બહાને તેમની પાસે નાણાંનું રોકાણ કરાવ્યા બાદ બેંક કર્મચારીઓની મદદથી તેમના નામે બારોબાર લોન મેળવીને તમામ નાણાં પડાવી લઈ કરોડોની ઠગાઈ કરનાર જીમ સંચાલક કૈલાશ જાધવ તેમજ તેની પત્ની વિનિતાબેન (બંને રહે. ૮૦૧, ટાઈમ્સ સ્કવેર, ફતેંગજ મેઈનરોડ), જીમની કર્મચારી નીલમ નાજીમ મુઝફરી (શુમંગલમ એપાર્ટમેન્ટ, જેનીફર સ્ટુડિયો સામે, પ્રતાપનગર), સંજય હલિયાલ, સી.એ. કેતન ભટ્ટ તેમજ વિવિધ બેંકના કર્મચારીઓ વિરુદ્ધ વિરુધ્ધ ડીસીબી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. આ બનાવમાં કૈલાશ જાધવ હજુ ફરાર છે પરંતું તેની કરતુતો હવે ધીમધીમે સપાટી પર આવી રહી છે.

મળતી વિગતો મુજબ કૈલાશ જાધવ લક્ઝુરિયસ લાઈફસ્ટાઈલ જીવતો હોઈ તે એક જ દિવસમાં ૩૫૦ રૂપિયાનુ ઈમ્પોર્ટેડ સિગારેટનું પાકિટ ફુંકી જતો હતો પરંતું તેના જીમમાં રોજના ૩૦૦ રૂપિયાના પગારે નોકરી કરતા વોચમેન સહિતના સ્ટાફને તેણે ત્રણથી ચાર મહિનાનો પગાર ચુકવ્યો નથી જેના કારણે જીમના નાના કર્મચારીઓની હાલત કફોડી બની છે. સુત્રોના જણાવ્યા મુજબ એલાઇવ્ઝ જીમમાં છેલ્લા કેટલાય સમયથી વોચમેન કમ સિક્યુરીટી ગાર્ડ તરીકે કામ કરતા અરવિંદ તિવારી જીમમાં આવતા લોકોના વાહનો બરાબર પાર્ક કરાવવાનું કામ કરતો હતો. જીમમાં વોચમેન તરીકે જાેડાયા બાદ એક વોચમેનને પગમાં ફ્રેકચર થતા તેે એકલો બંને શીફ્ટમાં કામ કરતો હતો તેમ છતાં પણ જાે કૈલાશની કાર પાર્કિંગની ફીક્સ જગ્યા પર જાે કોઈ અન્ય વ્યકિત તેની કાર પાર્ક કરે તો કૈલાશ વોચમેનનો જાહેરમાં ઉઘડો લેતો હતો. કૈલાશ જીમના વોચમેન પાસે રોજ સિગારેટનું પેકેટ મંગાવીને ફુંકી જતો હતો પરંતું છેલ્લા ચાર માસથી તેણે પગાર ચુકવવાનું બંધ કર્યું હતું. કૈલાશનો ખોફના કારણે ગરીબ વોચમેન તેની પાસે પગારની માગણી કરી શકતો નહોંતો. અરવિંદનો એક મહિનાનો ૯ હજાર પગાર હોઈ ચાર મહિના લેખે તેને પગારના રૂ. ૩૬ હજાર લેવાના નિકળે છે. તેમાંથી સંજયે તેને માત્ર ૫ હજાર આપ્યા હોઈ અરવિંદને હજુ પણ તેની પાસેથી રૂ. ૩૧ હજાર લેવાના બાકી છે. કૈલાશ જાધવે પગાર ન આપતા ઉછીના પૈસા લઇને તે પોતાના વતન બિહાર જતો રહ્યો હતો. જાેકે તાજેતરમાં તેણે અત્રે પરત ફરી પોતાની વ્યથા વ્યકત કરતા કૈલાશ જાધવની હલકી માનસિકતા સપાટી પર આવી છે.