શારજાહઃ  

કેપ્ટન સ્મૃતિ મંધાના (68)ની શાનદાર ઈનિંગ બાદ બોલરોના દમદાર પ્રદર્શનની મદદથી ટ્રેલબ્લેઝર્સે મહિલા ટી20 ચેલેન્જના ફાઇનલ મુકાબલામાં સુપરનોવાસને 16 રને પરાજય આપ્યો છે. ટ્રેલબ્લેઝર્સે આ ટી20 ટૂર્નામેન્ટમાં પોતાનું પ્રથમ ટાઇટલ જીત્યું છે.

શારજાહના નાના મેદાન પર સુપરનોવાઝે ટ્રેલબ્લેઝર્સને સ્મૃતિ મંધાના (68)ની ઈનિંગ છતાં 8 વિકેટ પર 118ના સ્કોર પર રોકી પરંતુ હરમનપ્રીત કૌરની ટીમ આટલા નાના લક્ષ્યને હાસિલ ન કરી શકી. સુપરનોવાસની ટીમ 20 ઓવરમાં 7 વિકેટે 102 રન બનાવી શકી હતી. સુપરનોવાસ માટે સ્પિનર રાધા યાદવે જરૂર 5 વિકેટ ઝડપી પરંતુ તેની ટીમે હારનો સામનો કરવો પડ્યો છે.

સ્મૃતિ મંધાનાની શાનદાર અડધી સદી છતાં સુપરનોવાસે રાધા યાદવની પાંચ વિકેટની મદદથી મહિલા ટી20 ચેલેન્જની ફાઇનલમાં ટ્રેલબ્લેઝર્સને 8 વિકેટ પર 118 રન બનાવવા દીધા. મંધાનાએ 49 બોલમાં 68 રન બનાવ્યા પરંતુ આ સિવાય કોઈ બેટ્સમેન મોટો સ્કોર બનાવી શકી નહીં. રાધા યાદવે 16 રન આપીને પાંચ વિકેટ ઝડપી હતી. પૂનમ યાદવ અને શશિકલા સિરીવર્ધનેને એક-એક વિકેટ મળી હતી.

ટ્રેલબ્લેઝર્સની કેપ્ટન સ્મૃતિ મંધાનાએ શાનદાર અડધી સદી ફટકારી અને આ સીઝનનો ટોપ સ્કોર બનાવ્યો. તેણે પાંચ ચોગ્ગા અને ત્રણ છગ્ગાની મદદથી 68 રન બનાવ્યા. મંધાના 38 બોલમાં અડધી સદી પૂરી કરી હતી.

સ્પિનર રાધા યાદવ આ ટૂર્નામેન્ટમાં પાંચ વિકેટ ઝડપનાર પ્રથમ બોલર બની છે. રાધાએ 18મી ઓવરમાં બે અને છેલ્લી ઓવરમાં ત્રણ વિકેટ ઝડપી હતી. અંતિમ ઓવરમાં એક રનઆઉટ સાથે કુલ ચાર વિકેટ પડી હતી.