વડોદરા

માંજલપુર વિસ્તારમાં રહેતી અને મ.સ.યુનિ.ના ટેકનોલોજી ફેકલ્ટીમાં ફરજ બજાવતી વિધવાના મકાનમાં પોતાના સગીર વયના આરોપીને સાથે રાખીને ચોરી કરનાર રીઢા તસ્કરને વારસિયા પોલીસે ઝડપી પાડ્યો હતો. પોલીસે બંને તસ્કરો પાસેથી નંબરપ્લેટ વિનાની હાઈસ્પીડ બાઈક તેમજ મોબાઈલ ફોન, લેપટોપ, એલઈડી, સોનાચાંદીના દાગીના અને રોકડ સહિત ૨.૧૧ લાખથી વધુની મત્તાની ચોરી કરી આ બંનેના અન્ય એક ફરાર તસ્કરને વોન્ટેડ જાહેર કર્યો છે.

માંજલપુરની શુભલક્ષ્મી સોસાયટીમાં રહેતા ૫૦ વર્ષીય વિધવા અંજનાબેન પવાર કલાભવન પાછળ ટેકનોલોજી ફેકલ્ટીમાં ૨૬ વર્ષથી પ્યુન તરીકે ફરજ બજાવે છે. ગત ૪થી ડિસેમ્બરના રાત્રે તે મકાનના પ્રથમમાળે પરિવાર સાથે સુતા હતા તે સમયે તસ્કરોએ તેમના મકાનના મુખ્ય દરવાજાની જાળીને મારેલુ તાળું નકુચા સાથે કાપી અંદર પ્રવેશ કર્યો હતો અને મકાનની લાઈટો ચાલુ કરી તેઓએ તિજાેરીમાંથી રોકડા ૩૬ હજાર, સોનાચાંદીના દાગીના અને એક એલઈડી સહિત ૯૮,૫૦૦ની મત્તાની ચોરી કરી હતી. આ બનાવની તેમણે માંજલપુર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.

દરમિયાન આ ચોરીમાં પ્રકાશ ધર્મેશ મારવાડી (પીળા વુડાના મકાનમાં, સયાજીપુરા)ની સંડોવણી હોવાની વારસિયા પોલીસને બાતમી મળી હતી. આ બાતમીના પગલે પીઆઈ કે એન લાઠિયા અને હેકો પ્રવિણસિંહ સહિતના સ્ટાફે પ્રકાશ મારવાડીને ઝડપી પાડ્યો હતો. પ્રાથમિક પુછપરછમાં તેણે ઉક્ત ચોરીની કબૂલાત કરી હતી અને આ ચોરીમાં તેની સાથે પ્રકાશ વિજય રાજપુત (પોપ્યુલર બેકરી પાસે, વારસિયા) અને અન્ય એક ૧૭ વર્ષનો કાયદાના સંઘર્ષમાં આવેલો કિશોર પણ સામેલ હોવાનું જણાવ્યું હતું.

પોલીસે તેના સગીર વયના સાગરીતને ઝડપી પાડ્યો હતો જયારે પ્રકાશ રાજપુત ફરાર થતાં તેને વોન્ટેડ જાહેર કર્યો હતો. પોલીસે પ્રકાશ મારવાડી અને તેના સગીર સાગરીત પાસેથી ૧.૩૬ લાખની કિંમતની નંબરપ્લેટ વિનાની હાઈસ્પીડ ન્યુ અપાચી બાઈક તેમજ સોના-ચાંદીના દાગીના, બે મોબાઈલ ફોન, એક લેપટોપ, અને એક એલઈડી ટીવી સહિત કુલ ૨,૧૧,૬૨૦ રૂપિયાની મત્તા કબજે કરી હતી. ચોરીના ગુનામાં ઝડપાયેલા બંને આરોપીઓની પુછપરછ કરતા પ્રકાશ મારવાડી ગત સાલ બાપોદ પોલીસ મથકના એક ચોરીના ગુનામાં તેમજ તેનો સગીરવયનો આરોપી બાપોદ તેમજ સિટી પોલીસ મથકના ચોરીના બે ગુનામાં સંડોવાયેલી વિગતો સપાટી પર આવી હતી.