મહુધા : મહુધા એપીએમસી ખાતે કરિયાણાના હોલસેલ વેપારી તેજશકુમાર દિલીપભાઇ રાણાની બે દુકાનમાંથી શનિવારની રાત્રીનાં બારથી પોણા ત્રણ વાગ્યાના અરસામાં ચાર લાખ ઉપરાંતનો કરિયાણાના સામાનની ચોરી થતાં વધુ એક વખત મહુધા પોલીસ ઊંઘતી ઝડપાઇ છે.

મહુધા પંથકમાં છેલ્લાં ૬ માસથી તસ્કરોએ અડધા ડઝન ઉપરાંત નાની મોટી ચોરીની ઘટનાઓને અંજામ આપતાં પંથકના લોકોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. ગત રાત્રીનાં મહુધા એપીએમસી ખાતે તેજશકુમાર રાણા ૫૬ અને ૫૭ નંબરની દુકાનમાં છેલ્લાં એક માસ ઉપરાંતથી કરિયાણાનો હોલસેલ ધંધો ચલાવી રહ્યાં હતાં. જ્યાં ગત રાત્રીનાં અજાણ્યાં ઇશમો દ્વારા તેઓની બંને દુકાનના શટરના સેંટર લોક તોડી ચાર લાખ ઉપરાંતનો મુદ્દામાલનો હાથફેરો કરી જતાં મહુધા પોલીસ ઊંઘતી ઝડપાઇ છે. રાત્રીનાં એપીએમસી ખાતે પ્રવેશતાં જ લોડીંગ વાહનનો વજન કાંટે સવાર ૮.૩૦થી રાત્રીના ૮.૩૦ સુધી બે કર્મીઓને અલગ અલગ શિફ્ટમાં નોકરી ચાલે છે. એટલું જ નહિ, પરંતુ તેની બાજુમાં જ ટી-સ્ટોલ રાત્રીનાં ૧૧ વાગ્યા સુધી ધમધમતો રહે છે, જેથી ૧૧ વાગ્યા સુધી ચાની કિટલી પર લોકોની અવરજવર સતત જાેવા મળે છે. ત્યાર બાદ ફક્ત વજન કાંટાની ઓફિસમાં કર્મી એકલો જ રાત્રી દરમિયાન એપીએમસી ખાતે હાજર રહે છે, પરંતુ ગત રાત્રીના ૯.૩૦ બાદ વજન કાંટે પણ કોઇ ન હોવાથી ચાની કિટલી બંધ થયાં બાદ જાણભેદુ તસ્કરોએ તકનો લાભ ઉઠાવ્યો હોવાની વાત બહાર આવી છે. તસ્કરોએ પ્રથમ વજન કાંટાની ઓફિસનો કેમેરો ઉપર કર્યા બાદ કરીયાણાની દુકાનના મુખ્ય લોક તોડી દુકાનમાં પ્રવેશ કર્યો હતો. જ્યાં દુકાનમાંથી ચાર લાખ ઉપરાંતના મુદ્દામાલ સહિત દુકાનમાં લગાવેલ સીસીટીવી કેમેરાની એલસીડી અને ડીવીઆર પણ સાથે સાથે ચોરી કરી ગયાં હતાં. જેને લઇ તસ્કરોને પકડવા હવે મહુધા પોલીસને લોઢાના ચણા ચાવવા બરાબરનો ઘાટ સર્જાયો છે.

ગત જાન્યુઆરી માસમાં પણ મહુધા એપીએમસી ખાતે સેક્રેટરીની ઓફિસનું તાળું તોડી તસ્કર દ્વારા તિજાેરી ફંફોસી હતી. જ્યારે ગત ડિસેમ્બર માસમાં મીનાવાડા ખાતે મકાનમાંથી થયેલ રોકડ ૧.૭૧ લાખની ચોરી પ્રકરણમાં ચોરને પકડવામાં પોલીસ ફાંફાં મારી રહી છે. ત્યારે મહુધા પોલીસથી ચાર ડગલાં આગળ ચાલતાં તસ્કરો સીસીટીવી કેમેરાનું ડીવીઆર પણ ચોરી જતાં મહુધા પોલીસ માથું ખંજવાળી રહી છે. છેલ્લાં ૬ માસથી મહુધા પંથકમા તસ્કરો શિયાળાની ઠંડીનો લાભ લઇ ૮ અલગ અલગ જગ્યાએ હાથ ફેરો કરતા પંથકના લોકોમાં ભારે ફફ્ડાટ વ્યાપી ગયો છે. હાલ મહુધા પોલીસે હાજર બિલના આધારે ફક્ત રુ.૪૫,૫૦૦નો મુદ્દામાલની ચોરી થઇ હોવાની ફરિયાદ નોધી છે.

ગત ઓગસ્ટ વર્ષ ૨૦૨૦થી ૧૪ ફેબ્રુઆરી ૨૦૨૧ સુધી ૮ જગ્યાએ તસ્કરોનો હાથ ફેરો

૧. તા.૨૫-૦૮-૨૦૨૦ મહુધા કુમાર શાળામાં કમ્પ્યૂટર સેટ ચોરી.

૨. તા.૦૨-૧૦-૨૦૨૦ મહુધા શહેરમાં મુખ્ય પોલીસ મથકથી ૬૦૦ મેટર નજીક બે બકરી અને કારના ચાર ટાયર સહિત વહેલી પરોઢે રોડ પરથી મહિલાને ઉઠાવવાનો પ્રયાસ.

૩. તા.૨૯-૧૧-૨૦ વડથલ પ્રા.શાળામાંથી કમ્પ્યૂટર સેટની ચોરી.

૪. તા.૦૩-૧૨-૨૦૨૦ અલીણામાં ૩ કલાકમાં ૧૧ દુકાનોના એક સાથે તાળા તૂટ્યા.

૫. તા.૦૯-૧૨-૨૦૨૦ મીનાવાડા ખાતે મકાનમાથી રોકડ ૧.૭૧ લાખની મત્તા ચોરાઇ.

૬. તા.૧૧-૦૧-૨૦૨૧ મહુધા એપીએમસી ખાતે સેક્રેટરીની ઓફિસનુ તાળું તૂટ્યું.

૭. તા.૧૨-૦૧-૨૦૨૧ હેરંજ દુધ મંડળીનું તાળું તોડી ૭૫ હજારની રોકડ રકમની ચોરી

૮. તા.૧૪-૦૨-૨૦૨૧ મહુધા એપીએમસી ખાતે હોલસેલ કરિયાણાની બે દુકાનના તાળા તોડી ચાર લાખ ઉપરાંતના મુદ્દામાલની ચોરી

હાલ મહુધા પોલીસે ફક્ત ૪૫,૫૦૦નો મુદ્દામાલ ચોરાયાની ફરિયાદ નોંધી

૧.ચણાની દાળના કટ્ટા નં.૧૦ જેની કિં.૧૬,૨૦૦

૨.તુવેર દાળના કટ્ટા નં.૪ જેની કિં.૮,૩૦૦

૩.કણકીના કટ્ટા નં.૫ જેની કિં.૨,૫૦૦

૪.બાસમતી ચોખા કટ્ટા નં.૧૦ જેની કિં.૧૧,૦૦૦

૫.એલસીડી કિં.૫૦૦૦

૬.ડીવીઆર કિં.૨૫૦૦

ફરિયાદમાં લખાવવાની બાકી રહેલી વિગત

૧.તેલના ડબ્બા નં.૫૫ જેની કિં.૧.૩૦ લાખ

૨.ગુટખાના કિં.૧.૨૫ લાખ

૩.અન્ય પરચુરણ વસ્તુઓ કિં.૩૦ હજાર ઉપરાંત