અમદાવાદ-

રાજ્યમાં કોરોનાનો કહેર થમી નથી રહ્યો. સંક્રમિત દર્દીઓની સંખ્યમાં સતત વધારો થઈ રહ્યો છે. રાજ્યમાં કુલ પોઝિટિવ કેસ એક લાખ 20 હજારને પાર પહોંચી ગયા છે અને મૃત્યુઆંક 3289 પર પહોંચ્યો છે. જો કે, તેની વચ્ચે રાહતના સમાચાર એ છે કે, અત્યાર સુધી એક લાખથી વધુ દર્દીએ કોરોનાને મ્હાત આપી છે. અત્યાર સુધીમાં કુલ 101101 લોકોને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે.

રાજ્યમાં રિકવરી રેટમાં પણ સતત વધારો થઈ રહ્યો છે. રાજ્યમાં સાજા થવાનો દર 83.90 ટકા છે. કોરોના વાયરસને પછાડવામાં ભારતના પ્રયત્નો રંગ લાવી રહ્યા છે. ભારતનો રિકવરી રેટ દુનિયાભરમાં સૌથી વધુ થયો છે. ભારતે આ મામલે અમેરિકાને પણ પછડાટ આપી છે. આરોગ્ય મંત્રાલયે આંકડા બહાર પાડીને કહ્યું કે છેલ્લા 24 કલાકમાં 95 હજાર 885 લોકો સ્વસ્થ થયા છે. તાજા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 93 હજાર 337 દર્દીઓ નોંધાયા છે. જે સ્વસ્થ થયેલા દર્દીઓ કરતા ઓછા છે. એટલે કે જેટલા નવા દર્દીઓ નોઁધાય છે તેના કરતા વધુ દર્દીઓ સાજા થઈ જાય છે. હાલ દેશમાં કોરોનાના દર્દીઓ 53 લાખ પાર થયા છે. જેમાંથી 42 લાખ લોકો સાજા થયા છે.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે બહાર પાડેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના કેસમાં 93,337નો વધારો થયો છે. આ સાથે દેશમાં કુલ કેસનો આંકડો 53,08,015 થયો છે. જેમાંથી 10,13,964 દર્દીઓ હાલ સારવાર હેઠળ છે. જ્યારે 42,08,432 લોકો કોરોનાને માત આપીને સાજા થયા છે. એક જ દિવસમાં કોરોનાથી 1,247 લોકોના મૃત્યુ થયા છે. દેશમાં અત્યાર સુધીમાં કોરોનાથી કુલ મૃત્યુનો આંકડો 85,619 પર પહોંચ્યો છે.