રાજપીપળા, તા.૨૬ 

ગુજરાતના સુરત અને વ્યારા ખાતે આદિવાસીઓને ઉશ્કેરી “પથ્થલગડી” આંદોલનની તૈયારીઓ કરતા ૧ મહિલા સહિત ૩ માઓવાદીઓને ગુજરાત એટીએસની ટીમે ઝડપી પાડ્યા છે.તેઓ વિરુદ્ધ ઝારખંડમાં પોલીસ મથકમાં ગુના પણ નોંધાયા છે.આ ઘટના બાદ નકસલવાદ અને આતંકવાદ મુદ્દે ભાજપના સાંસદ મનસુખભાઈ વસાવા અને બિટીપીના ધારાસભ્ય છોટુભાઈ વસાવા સામસામે આવી ગયા છે.

છોટુભાઈ વસાવાએ સોશિયલ મીડિયાના માધ્યમથી સરકાર વિરુદ્ધ “નક્સલીકી પરિભાષા બતાઓ’ એ રીતની એક મુહિમ છેડી જણાવ્યું કે સંવિધાનની ધારાને પથ્થર પર લખીએ તો એને “પથ્થરગડી” કહેવાય.૫ મી અનુસૂચિ ક્ષેત્રોના ગામડામાં શહેરની જેમ બોર્ડ નહોતા મારતા.સરકાર જાહેરમાં આવી બતાવે કે સંવિધાનની વાત કરવી નકસલવાદ છે.કોંગ્રેસને ટકોર કરતા એમણે જણાવ્યું કે કેવડીયાની જેમ “પથ્થરગડી” વાળા મુદ્દા પર કોંગ્રેસ અવાજ ઉઠાવશે કે નહીં.કોર્પોરેટ ઘરના લોકોની દલાલી કરી કરોડો રૂપિયા કમાતા અધિકારીઓ અને નેતાઓની મિલીભગતથી ૫ મી અનુસૂચિ ક્ષેત્રોમાં સંવિધાનનું ઉલ્લંઘન થઈ રહ્યું છે તો એવા નેતાઓ, અધિકારીઓ પર કેમ દેશદ્રોહીનો ગુનો કેમ નહિ અને સંવિધાનની રક્ષા કરવા વાળા પર જ કેમ?બીટીપી ધારાસભ્ય છોટુભાઈ વસાવાએ જણાવ્યું કે દેશમાં સત્તામાં બેઠેલા લોકો જ નકસલવાદ અને આતંકવાદ ફેલાવે છે.જે લોકો ભૂખે મરતા હોય એ લોકો આતંકવાદી કેવી રીતે હોઈ શકે.