આણંદ : સોજિત્રા દૂધ મંડળીમાં શુક્રવાર સવારે અચાનક જ અમૂલ ડેરીની દૂધ ચકાસણીની ટીમ આવી હતી. તેઓ દૂધના ૫ સેમ્પલ લઇ ગયા હતા, જેની ચકાસણી કરવામાં આવતાં ભેળસેળ જણાઇ હતી. પરિણામે અમૂલ ડેરીના સંચાલકોએ સોજિત્રા દૂધ મંડળીનું દૂધ લેવાની ના પાડી દીધી હતી. સ્થાનિક સંચાલકોએ શુક્રવાર સાંજથી દૂધની ડેરીને તાળાં મારી દીધાં હતા. નોટિસ બોર્ડ પર અચોક્કસ મુદત સુધી ડેરી બંધ રહેશે તેવી જાહેરાત કરાઇ હતી. 

સૂત્રોનું જણાવવું છે કે, સોજિત્રા દૂધ મંડળીમાં ગામના ૧૫૦ અને આજુબાજુના પરાં વિસ્તારમાંથી મોટીસંખ્યામાં પશુપાલકો દૂધ ભરવા માટે આવે છે. ગામના કેટલાંક મોટા તબેલા ધરાવતાં લોકો દૂધમાં ભેળસેળ કરીને લાવતાં હોવાથી નાના પશુપાલકોને ભોગવવાનો વખત આવ્યો છે. અગાઉ ૨૦૧૮માં સોજિત્રા દૂધ મંડળીમાં અમૂલે તપાસ કરીને ૮ નમૂના લીધા હતા. ત્યારે પણ દૂધમાં ભેળસેળ જણાઇ હતી, જેથી દૂધ લેવાનું બંધ કરી દેવામાં આવ્યું હતું. એ વખતે પશુપાલકોએ હોબાળો મચાવ્યો હતો.

૨૦૧૮માં સભાસદો પાસે ૧૦૦ રૂપિયાના સ્ટેમ્પ પર દૂધમાં ભેળસેળ નહીં કરાય તેનું લખાણ લેવાયું હતું!

અમૂલના સંચાલકોએ કેટલાંક સભાસદો પાસે ૧૦૦ રૂપિયાના સ્ટેમ્પ પર દૂધમાં ભેળસેળ નહીં કરી તેનું લખાણ લીધું હતું. ત્યારબાદ દૂધ મંડળી દૂધ અમૂલ લેવાનું ચાલુ કર્યુ હતું. અમૂલ ડેરી દૂધ ચકાસણી કરતી ટીમ શુક્રવાર સવારે સોજિત્રા દૂધ મંડળીમાં આવી હતી. શંકાસ્પદ જણાતાં દૂધના ૫ સભાસદોના નમૂના લઇ તપાસ માટે મોકલ્યાં હતાં. નમૂનામાં દૂધમાં ભેળસેળ જણાઇ આવી હતી, જેથી અમૂલે સોજિત્રા દૂધ મંડળીનું દૂધ લેવાની ના પાડી દીધી હતી.