નવી દિલ્હી, તા. ૫ 

કોરોના મહામારી હજી દેશ અને દુનિયાને હંફાવી રહી છે, ત્યાં ગુજરાત સહિત દેશના અનેક રાજ્યો અને કેટલાંક વિદેશોમાં પણ બર્ડ ફ્લુની આશંકા લાગતાં લોકોમાં અને તંત્રમાં ભારે ફફડાટ પેઠો છે. ગત સપ્તાહથી જ રાજસ્થાન, પંજાબ, હિમાચલ પ્રદેશ અને મધ્યપ્રદેશમાં સંદિગ્ધ બર્ડ ફ્લુને પગલે સેંકડો પક્ષીઓનાં મોત થયાનું જણાયું હતું, જ્યારે ગુજરાતના કેટલાંક શહેરોમાં પણ આ પ્રકારે પક્ષીઓનાં મોત થયાનું સામે આવતાં તંત્ર સાબદું થઈ ગયું છે.

આ તમામ રાજ્યોમાં છેલ્લા કેટલાંક સમયમાં જ સેેંકડો પક્ષીઓ માર્યા ગયા છે અને એ રોગ એવિયન ઈન્ફ્લુએન્ઝા વાયરસથી થતો બર્ડ ફ્લુ હોવાની આશંકા બળવત્તર બનતી જાય છે. એવિયન ઈન્ફ્લુએન્ઝા એટલી ગંભીર બિમારી છે કે જે માત્ર પક્ષીઓને જ નહીં બલકે મનુષ્યને પણ પ્રભાવિત કરે છે. આ પ્રકારની આશંકાઓને પગલે હવે હિમાચલ પ્રદેશે પહેલ કરીને રાજ્યમાં મરઘીનાં માંસ, ઈંડા અને માછલીના વેચાણ પર હંગામી ધોરણે પ્રતિબંધ મૂકી દીધો છે. હિમાચલના કાંગડા ખાતે આંતર-રાષ્ટ્રીય રામસર વેટલેન્ડ પાૈંગા બંધ ખાતે વિદેશી પક્ષીઓનાં સંદિગ્ધ બર્ડ ફ્લુથી મોત થયા છે. યાદ રહે કે ગઈકાલે વડોદરામાં પણ સંદિગ્ધ બર્ડ ફ્લુથી કેટલાંક વિદેશી પક્ષીઓનાં મોત થયાનું જણાયું હતું. પાૈંગ સરોવરમાં મોટી સંખ્યામાં પક્ષીઓ માર્યા ગયા હોવાથી ત્યાં દેહરાદુનથી એક નિષ્ણાતોની ટીમ પણ પહોંચી ગઈ છે.