વડોદરા : દારૂ પીવાની લત ધરાવતો તેમજ લોકડાઉનમાં છુટક ડ્રાઇવિંગની રોજગારી ગુમાવનાર માનસિક અસ્વસ્થ કળયુગી પુત્રએ પેરાલિસીસની અસર ધરાવતી માતા સાથે નજીવી બાબતે બોલાચાલી થતા પુત્રએ તુટેલા કાચના ટુકડાવડે હુમલો કરી માતાનું કાસળ કાઢી નાખ્યું હતું. ત્યાર બાદ પુરાવો નાશ કરવા મૃત માતાને ઘરની પાછળ આવેલ ખુલ્લા મેદાનમાં લઇ જઇને કચરાનો ઢગલો કરી લાશને સળગાવી હતી. આ બનાવને પગલે આ વિસ્તારમાં ભારે ચકચાર મચી જવા પામી હતી. હત્યાના બનાવને પગલે ગોત્રી પોલીસ મથકના ઉચ્ચ પોલીસ અધિકારીનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચ્યો હતો અને અદ્ય સળગેલા મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે સયાજી હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો. તદઉપરાંત હત્યારા પુત્રની પોલીસે અટકાયત કરી હતી. 

ચકચારી હત્યાના બનાવની પ્રાપ્ત વિગત અનુસાર, ગોત્રી વિસ્તારના અંબિકાનગરની પાછળ આવેલા જયઅંબેમાં સરદારસિંહ બારીયા તેમના પત્ની ભીખીબેન બારીયા (ઉ૫૦) તથા પુત્ર દિવ્યેશ બારીયા (ઉ.૨૭) તથા મોટી પુત્રી સજ્જનબેનના પરિવાર સાથે રહેતાં હતા. તેઓ ડ્રાઇવિંગનો ધંધો કરીને પરિવારનું ગુજરાન ચલાવતા હતા. તેમનું ૬ વર્ષ અગાઉ અવસાન થતા વિધવા માતા ભીખીબેન સાથે પુત્ર દિવ્યેશ (ઉ.૨૭) સાથે રહેતો હતો. જ્યારે પુત્રી સજ્જનબેનના લગ્ન થયા બાદ તેણી સાસરે રહેતી હતી. માતા ભીખીબેન તથા પુત્ર દિવ્યેશ એકલા જયઅંબે નગરમાં રહેતા હતાં. દિવ્યેશ લોકડાઉન અગાઉ છુટક ડ્રાઇવિંગનો ધંધો કરીને ઘરનું ગુજરાન ચલાવતો હતો.

દરમિયાન માતાને પેરાલિસીસનો હુમલો આવતા માતા પેરાલિસીસની અસરગ્રસ્ત બની હતી. બીજી તરફ પુત્ર દારૂ પીવાની લતે ચઢી ગયો હતો. લોકડાઉનમાં છુટક ડ્રાઇવિંગની રોજગારી ગુમાવતાં કેટલાય દિવસથી બેરોજગાર ફરતો હતો. જેથી ઘરમાં આર્થિક તંગી મામલે માતા પુત્ર વચ્ચે સોમવારની રાત્રે બોલાચાલી થયા બાદ માનસિક અસ્વસ્થ બનેલા પુત્ર દિવ્યેશ રોષે ભરાયો હતો.અને ઉશ્કેરાયેલા પુત્રએ લકવાગ્રસ્ત માતા ઉપર તુટેલા કાચના ટુકડાવડે ઘાતકી હુમલો કરી છાતીથી પેટ સુધી કાચનો ઘા મારી માતાનું કાસળ કાઢી નાખ્યું હતું. ત્યારે હત્યાની ઘટના ઉપર ઢાંકપીછોડી કરવા તેમજ પુરાવો નાશ કરવા પુત્ર દિવ્યેશ ઘરની પાછળ આવેલ ભાગે ખુલ્લા મેદાનમાં માતાની લાશને મેદાનમાં પડેલો પ્લાસ્ટીકનો તથા અન્ય કચરો ભેગો કરી લાશ ઉપર નાખી સળગાવી દેવાની કોશિષ કરી હતી. અદ્ય સળગેલી લાશ લોક નજરે પડતા સ્થાનિકો દોડી આવ્યા હતાં અને ઘટનાની જાણ ગોત્રી પોલીસને કરવામાં આવી હતી. તે બાદ એકત્ર થયેલા લોકોએ માતાની હત્યા કરનાર પુત્ર સામે ફીટકારની લાગણી વરસાવી હતી. જાેકે આ ઘટનાને પગલે પુત્રી સજ્જનબેન તથા જમાઇ પણ દોડી આવ્યા હતાં.

ગોત્રી પોલીસનો ઉચ્ચ પોલીસ અધિકારીનો સ્ટાફ ઘટના સ્થળે આવી પહોંચ્યો હતો. ઘરની પાછળના મેદાનમાં પડેલા મૃતદેહનો કબજાે મેળવી હત્યારા કળયુગી પુત્ર દિવ્યેશ બારીયાની પોલીસે અટકાયત કરી હતી. ગુનાની વધુ તપાસ હાથ ધરી છે.

માતાની લાશને સળગાવ્યા બાદ તે બે હાથ જાેડીને લાશ સાથે ઉભો હતો

વડોદરા શહેરના ગોત્રી વિસ્તારના જય અંબે નગરમાં પુત્રએ માતાની ઘાતકી હત્યા કર્યા બાદ ઘરની પાછળ માતાની લાશને સળગાવીને લાશ પાસે બે હાથ જાેડીને ઉભો હતો. આ સંદર્ભે સાસરેથી પતિ સાથે આવેલ બહેન સજ્જનબેન ભાઇ દિવ્યેશને પુછતાં તેને પિતા સપનામાં આવ્યા હોવાનું રટણ કરી રહ્યો હતો. ભગવાનનું નામ લેતો હોવાનું બહેન સજ્જને જણાવ્યું હતું.