મુંબઇ

લોકડાઉન દરમિયાન જરૂરિયાતમંદ લોકોની મદદ કરીને ચર્ચામાં આવેલા એક્ટર સોનુ સૂદ પ્રત્યે BMCનું કડક વલણ દેખાઈ રહ્યું છે. બોમ્બે હાઇકોર્ટમાં ફાઈલ થયેલા એફિડેવિટમાં BMCએ કહ્યું છે કે સોનુ સૂદ રીઢો ગુનેગાર છે, જે અગાઉની બે વખતની તોડફોડની કાર્યવાહી છતાં જુહુમાં એક રેસિડેન્શિયલ બિલ્ડિંગમાં ગેરકાયદે બાંધકામ કરાવતો રહે છે.

BMCએ તેના એફિડેવિટમાં કહ્યું છે કે પિટિશનર (સોનુ સૂદ) આદતથી ગુનેગાર છે અને ગેરકાયદે રીતે પૈસા કમાવા ઈચ્છે છે. તેણે લાઇસન્સ વિભાગની અનુમતિ વગર ઘ્વસ્ત કરાયેલા ભાગનું ફરીવાર ગેરકાયદે રીતે નિર્માણ કરાવ્યું, જેથી એનો હોટલ તરીકે યુઝ થઇ શકે.

આ વિવાદ વચ્ચે મંગળવારે સાંજે સોનુ સૂદ NCPના પ્રમુખ શરદ પવારને મળ્યો હતો. બંને વચ્ચે અંદાજે અડધો કલાક સુધી વાતચીત થઇ. સૂત્રોના જણાવ્યા અનુસાર, સોનુએ પવારને કહ્યું હતું કે તેણે કોઈ ગેરકાયદે બાંધકામ નથી કર્યું. અમુક લોકો તેને બદનામ કરવા ઈચ્છે છે. 

BMCએ ગયા વર્ષે ઓક્ટોબરમાં સોનુને નોટિસ આપી હતી. તેણે આ નોટિસને ડિસેમ્બરમાં કોર્ટમાં પડકારી હતી, પણ તેની યાચિકા રિજેક્ટ થઇ હતી. ત્યાર બાદ તેણે બોમ્બે હાઇકોર્ટનો સહારો લીધો. આના પર હાઇકોર્ટે BMCને એફિડેવિટ ફાઈલ કરવા કહ્યું હતું. 

BMC તરફથી કરવામાં આવેલી ફરિયાદમાં કહેવામાં આવ્યું છે કે સોનુ સૂદે મુંબઈમાં એ. બી. નાયર રોડ સ્થિત શક્તિ સાગર બિલ્ડિંગને પરમિશન વગર હોટલ બનાવી દીધી છે. શક્તિ સાગર 6 માળનું એક રેસિડેન્શિયલ બિલ્ડિંગ છે અને એનો કમર્શિયલ ઉપયોગ કરી શકાય નહીં. આ મહારાષ્ટ્ર રીજન એન્ડ ટાઉન પ્લાનિંગ એક્ટના સેક્શન 7 હેઠળ દંડનીય અપરાધ છે. એવો પણ આરોપ છે કે સોનુ નોટિસ મળ્યા બાદ પણ બિલ્ડિંગમાં સતત ગેરકાયદે બાંધકામ કરાવતો રહ્યો હતો.