વડોદરા : વડોદરા શહેરના સમા વિસ્તારમાં આવેલ સ્વાતિ સોસાયટીમાં રહેતા સોની પરિવારે નમતી બપોરે રહસ્યમય કારણોસર ઝેરી દવા ગટગટાવી હતી. જાે કે આ બનાવમાં પરિવારના ૩ વર્ષના પુત્ર સહિત ત્રણ સભ્યોના મોત નીપજ્યાં હતાં, જ્યારે અન્ય ૩ સભ્યો જીવનમરણ વચ્ચે ઝઝૂમી રહ્યા છે. આ ત્રણેયને છાણી ખાતે આવેલ ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હોવાનું જાણવા મળેલ છે.

પ્રાથમિક તબક્કે આ પરિવારે આર્થિક સમસ્યાને લઈને સામુહિક આત્મહત્યાનું પગલું ભર્યું હોવાનું ચર્ચાઈ રહ્યું છે. સામુહિક આપઘાતના બનાવની જાણકારી સમા પોલીસ મથક સહિત ઉચ્ચ પોલીસ અધિકારીઓને મળતાં પોલીસ અધિકારીઓ અને એફએસએલના નિષ્ણાતો ટીમ ઘટનાસ્થળે આવી પહોંચી હતી. એટલું જ નહીં, સાંસદ પણ સામુહિક આપઘાતને પગલે સ્વાતિ સોસાયટીમાં દોડી આવ્યાં હતાં.

આ ચકચાર આપઘાતના બનાવની પ્રાપ્ત વિગત અનુસાર શહેરના સમા સ્પોર્ટસ કોમ્પલેક્સ પાસે આવેલ સ્વાતિ સોસાયટીમાં નરેન્દ્રભાઈ સોની (ઉં.વ.પ૮) તેમના પત્ની દીપ્તિબેન, પુત્ર ભાવિન (ઉં.વ.૩૦), તેની પત્ની ઉર્વશી, પુત્રી રિયા (ઉં.વ.૧૮) અને પુત્ર પાર્થ (ઉં.વ.૩) સાથે રહેતા હતા. નરેન્દ્રભાઈ સોની ઈમિટેશન જ્વેલરી અને પ્લાસ્ટિકની ચીજવસ્તુઓની દુકાન નવાબજારમાં ધરાવતા હતા. પરંતુ છેલ્લા દોઢ-બે વર્ષથી આ દુકાન બંધ હતી. તદ્‌ઉપરાંત વચ્ચે લૉકડાઉન આવ્યું હતું. નરેન્દ્રભાઈ સોની સ્વાતિ સોસાયટીમાં સી/૧૮ નંબરનો બંગલો પોતાની માલિકીનો હતો, તે અંદાજે રૂા.૨૬ લાખમાં વેચી દીધો હતો. તે બાદ તેની સામે આવેલ સી/૧૩ નંબર શિવશક્તિ બંગલામાં સોની પરિવાર ભાડે રહેતો હતો. નરેન્દ્રભાઈ સોનીના પુત્ર ભાવિન સોની કોમ્પ્યૂટર રિપેરિંગનો ધંધો કરતો હતો. પાડોશીઓના જણાવ્યા અનુસાર બપોરના અઢી-ત્રણ વાગ્યા સુધી આ પરિવારની બંગલામાં ચહલ-પહલ ચાલતી હતી. ત્યાર બાદ સોની પરિવારે રહસ્યમય સંજાેગોમાં સામુહિક આપઘાત કરી લેવાના મક્કમ નિર્ણય સાથે ઠંડાંપીણાંમાં પેસ્ટીસાઈઝ ઝેરી દવા મિશ્રણ કરી ત્રણ વર્ષના પુત્ર પાર્થને દવા ટોટી વડે પીવડાવી સોની પરિવારના વડીલબંધુ માતા-પિતા, પુત્ર-પુત્રવધૂ અને તેના સંતાનોએ ઠંડાપીણામાં ઝેરી દવા ગટગટાવી લીધી હતી.

એટલું જ નહીં, નરેન્દ્રભાઈ સોનીએ ઝેરી દવા પીધા બાદ શહેર પોલીસ કંટ્રોલ નં.૧૦૦ ઉપર પોણા પાંચ વાગ્યાની આસપાસ ફોન કર્યો હતો અને સામુહિક આપઘાત કર્યાની જાણ કરી હતી. જાે કે, પોલીસ કંટ્રોલમાંથી સમા પોલીસ મથકને મેસેજ આપવામાં આવતાં પીઆઈ સહિતનો પોલીસનો કાફલો સ્વાતિ સોસાયટીમાં આવી પહોંચ્યો હતો. પોલીસની સ્વાતિ સોસાયટીમાં એન્ટ્રી થતાંની સાથે જ સોસાયટીના રહીશો પણ ચોંકી ઊઠયા હતા અને સોની પરિવારના સામુહિક આપઘાતના બનાવથી સ્તબ્ધ થઈ ગયા હતા. જાે ઝેરી દવા પીનારમાં નરેન્દ્રભાઈ સોની, તેમની પૌત્રી રિયા, પૌત્ર પાર્થ મૃત અવસ્થામાં તેમજ ઊલટીઓ કરેલ હાલતમાં રૂમમાં પડેલા મળી આવ્યા હતા, જ્યારે પુત્ર ભાવિન, તેની પત્ની ઉર્વશી અને ભાવિનની માતા દીપ્તિબેન બેભાન અને શ્વાસોચ્છવાસની ક્રિયા ચાલુ હોવાથી આ ત્રણેયને ગંભીર હાલતમાં સારવાર માટે છાણી ખાતે આવેલ ખાનગી શ્રીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યારે મૃતકોના મૃતદેહોને સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

આ સામુહિક આપઘાતના ચકચારી બનાવને પગલે ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને સાંસદ રંજનબેન ભટ્ટ, એફએસએલ, ક્રાઈમ બ્રાન્ચ, પીસીબી સહિતનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને આપઘાતના બનાવની કડી મેળવવા માટેના પ્રયાસો હાથ ધર્યા હતા. જાે કે, હાલના તબક્કે અને પ્રાથમિક તપાસમાં પુત્ર ભાવેશ સોની કોમ્પ્યૂટર રિપેરિંગના ધંધા સાથે સંકળાયેલ હોઈ તેનો વ્યવસાય વ્યવસ્થિત ચાલતો ન હતો, જેથી આર્થિક સંકળામણ હોય તેમ ચર્ચાઈ રહ્યું છે.

દરવાજાની જાળીને તાળું મારી ચાવી ઘરની બહાર ફેંકી દીધી

વડોદરા. આર્થિક સંકળામણથી ત્રસ્ત નરેન્દ્રભાઈ સોનીના પરિવારે એકસાથે આ ફાની દુનિયા છોડી દેવાનું નક્કી કરી લીધું હતું. જાે કે, છેલ્લી ઘડીએ પરિવારની કોઈ વ્યક્તિની હિંમત તૂટી ન જાય તે માટે ઘરના મુખ્ય દરવાજાની જાળીને તાળંુ મારીને ચાવી બહાર ઘરના કેમ્પસના ઓટલા ઉપર ફેંકી દીધી હતી. ત્યાર બાદ તમામ પરિવારે ઝેરી દવા કોલ્ડડ્રીંકસમાં ભેળવી ગટગટાવી લીધી હતી. ઝેરી દવાનું પ્રમાણ તમામને સરખું રહે તે માટે દવા લેવા ડ્રોપરનો ઉપયોગ કર્યો હતો. બહાર પડેલી ચાવી મળતાં પોલીસે તાળું ખોલ્યું હતું.

આર્થિક સ્થિતિ બગડતાં ઘર અને દુકાન પણ વેચી દીધી

સોની પરિવારે આર્થિક તંગીને પગલે મોત વ્હાલું કરવા પ્રયાસ કર્યો છે. જેમાં ૩ હાલ સારવાર હેઠળ છે. તેઓ જે ઘરમાં રહેતા હતા તે શિવશક્તિ બંગલોમાં જ ઝેરી દવા ગટગટાવી હતી. સોની પરિવારે મકાન અને મંગળ બજારમાં આવેલી પ્લાસ્ટિકની દુકાન પણ વેચી દીધી હતી. જાેકે આર્થિક સ્થિતિ કથળતાં તેમણે આખરે મોતનો રસ્તો અપનાવવાનો ર્નિણય કર્યો હતો.