રાજપીપળા : કેવડીયા કોલોનીમાં કોરોના કેસો વધતા થોડો સમય માટે સ્ટેચ્યુ ઓફ યુનિટી માટે ટિકીટ બુકીંગ લેવાનું બંધ કરી દેવાયુ હતું.પરંતુ હવે મંગળવારે ૮ તારીખથી સ્ટેચ્યુ ઓફ યુનિટી ફરીથી ઓન લાઈન ટિકિટ બુકિંગ શરૂ થઈ જશે જેની તૈયારીઓ અત્યારથી થઈ ગઈ છે. કોરોનાના કેસો વધવાના કારણે દુનિયાની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીની ઓનલાઇન ટિકિટ પણ બંધ કરવામાં આવી હતી.પણ જે લોકોએ એડવાન્સ ટિકિટ બુક કરાવી હતી તેઓએ પ્રવેશ આપવામાં આવ્યો હતો.લગભગ એક મહિનાથી સુધી કોરોનાં કેસ વધતા નવું બુકિંગ લેવામાં આવતું ન હતું.પરંતુ હવે કોરોનાના કેસો ઘટવાના કારણે ફરીથી સ્ટેચ્યુ ઓફ યુનિટી શરૂ થાય તેવા પ્રયાસો શરૂ થઇ ગયા છે.મંગળવાર ૮ જૂનના રોજથી સ્ટેચ્યુ ઓફ યુનિટી ઓન લાઈન ટિકિટ બુકિંગ શરૂ થઈ જશે.ત્યારે પ્રવાસીઓની આવવાની શક્યતાઓ ધ્યાનમાં રાખીને હવે નાની મોટી રેંકડી ચલાવનારાઓ, હોટલ સંચાલકો પણ તૈયારીમાં લાગી ગયા છે.છેલ્લા સવા વર્ષથી કોરોનાના કારણે સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારમાં આવેલા હોટલ ઉદ્યોગ નાના-મોટા નાસ્તાના ગલ્લા વાળાઓને ખૂબ જ બેકારી આવી ગઈ હતી, હોટલોમાં પગાર આપવાના પણ ફાંફા પડ્યા હતા. રમાડા હોટલના મેનેજર મનોજ મહારાજે જણાવ્યું હતું કે હાલમાં અમે ૮ તારીખથી પ્રવાસીઓ માટે કોવિડ ગાઈડ લાઈન પ્રમાણેની વ્યવસ્થા શરૂ કરી દીધી છે.અને સ્ટેચ્યુ ઓફ યુનિટી જાેવા આવતા પ્રવાસીઓને કોરોનાની ગવર્મેન્ટની ગાઈડ લાઈન પ્રમાણે અમે સગવડો આપીશું.