સુરત

તાઉ તે વાવાઝોડાએ તબાહી મચાવી છે. સોમવારે રાતે દીવમાં ટકરાયું હતું. રાત્રીના 9 વાગ્યે ઊના પાસે 150-175 કીમી પ્રતિ કલાકની ઝડપે વાવાઝોડુ ટકરાયું. જાફરાબાદ અને પીપાવાવમાં 185 કીમી પ્રતિ કલાકની ઝડપ નોંધાઈ હતી. આ વિસ્તારમાં અમુક તાલુકામાં પાવર કટ કરાયો હતો, વૃક્ષો ધરાશાયી થયા છે જો કે એક પણ કોવિડ હોસ્પિટલમાં કોઈ અવરોધ થયો નથી. 5થી 6 મીટર સુધી દરિયાના મોજાં ઉછળ્યા હતા.

તો દક્ષિણ ગુજરાતમાં પણ વાવાઝોડાની અસર જોવા મળી હતી. વાવાઝોડાને લઈને સુરત શહેરમાં નાના મોટા અનેક ઝાડ પડયા હતા. લિબાયત વિસ્તારમાં કાચા મકાન પર બે ઝાડ પડયા હતા. ઘટનાની જાણ થતા ફાયર વિભાગની ટિમ ઘટનાસ્થળે પહોંચી હતી.

વાવાઝોડાની અસરથી દક્ષિણ ગુજરાતના ખેડૂતોને ભારે નુકસાન થયું છે. ડાંગર, શેરડી, શાકભાજી તથા તલ, મગ, મગફળી જેવા ઉનાળુ પાકો અને કેરી, ચીકુ જેવા બાગાયતી પાકોને નુકસાન થયું છે.

રાજ્યમાં તાઉ તે વાવાઝોડા અને તેનાથી સર્જાતી સ્થિતિ પર રાજ્ય સરકારે સંપૂર્ણ નજર રાખી. લેન્ડફોલની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ CM રૂપાણી સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતે સ્ટેટ કંટ્રોલ રૂમની મુલાકાત લીધી હતી અને ત્યાંથી સતત અસરગ્રસ્ત અને પ્રભાવિત જિલ્લાના કલેક્ટર અને DDO સાથે ટેલિફોનિક ચર્ચા કરીને માહિતી મેળવી રહ્યા હતા.